ઉમર ખય્યામ (જ. 18 મે 1048, નીશાપુર (ઈરાન); અ. 4 ડિસેમ્બર 1122, નીશાપુર) : અરબી ભાષાના વિશ્વવિખ્યાત કવિ તેમજ પ્રખર ફિલસૂફ, તર્કશાસ્ત્રી, ખગોળવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી. આખું નામ અબુ અલ-ફતહ બિન ઇબ્રાહીમ અલ ખય્યામ. કૌટુંબિક વ્યવસાયને લઈને જ ખય્યામ એટલે કે તંબૂ બનાવનાર કહેવાયા. ખગોળ અને અંકશાસ્ત્રના વિશારદ અબૂલ હસન અલ અંબારી પાસે વતનમાં જ ‘અલમેજેસ્તી’નું તથા બીજા વિદ્વાનો પાસે પ્રચલિત ધર્મ અને તત્વજ્ઞાનનું શિક્ષણ લીધું. તે વૈદકશાસ્ત્રમાં પણ નિષ્ણાત હતા. તેથી વિવિધ રાજ્યદરબારો સાથે તેમનો સંબંધ બંધાયો હતો. સલ્જૂક સુલતાન જલાલુદ્દીન મલિક શાહે (અ. 1092) પંચાંગસુધારણા માટેનાં ખગોલીય નિરીક્ષણો અર્થે તથા ઈસ્ફહાન શહેરમાં બંધાતી વેધશાળાના કાર્યમાં અનેક ખગોળશાસ્ત્રીઓની સાથે ખય્યામને પણ આમંત્રણ આપ્યું હતું. તેના ફળસ્વરૂપે તૈયાર થયેલા પંચાંગની ગણતરી અર્વાચીન ગ્રેગોરિયન પંચાંગની ગણતરી કરતાં વધુ ચોકસાઈભરી હોવાનું વિશેષજ્ઞોનું માનવું છે. આ કામગીરી બદલ સુલતાનના લકબ પરથી તેમને ‘અત્તારીખુલ-જલાલી’નું બિરુદ અપાયું.
ઈરાનના શાહનું અવસાન થતાં તે વતન છોડીને મક્કા ગયા, પણ ત્યાં સ્થિર ન થઈ શકતાં તે સ્વદેશ પાછા ફર્યા અને ખગોલીય ઘટનાઓની આગાહી અંગે અધ્યયન અને અધ્યાપન શરૂ કર્યું. બ્રહ્માંડનું રહસ્ય પામવા સતત ઉત્સુક રહેલા ખય્યામે ભૌતિક જ્ઞાનના વિવિધ વિષયો પર નાનાંમોટાં અનેક પુસ્તકો લખ્યાં હતાં; તેની યાદી ઈબ્ને નદીમની ‘અલ-ફેહરિસ્ત’ અને બીજાં અરબી પુસ્તકોમાં મળે છે. પરંતુ તેના ચિંતનશીલ તથા પાંડિત્યપૂર્ણ લેખનનો અતિ અલ્પ અંશ આજે પ્રાપ્ય છે.
વળી ખય્યામની ગણિતશાસ્ત્રી તથા ખગોળવેત્તા તરીકેની પ્રતિભા, કવિ તરીકે તેમને યુરોપભરમાં મળેલી વ્યાપક પ્રસિદ્ધિ આગળ ઢંકાઈ ગઈ છે. પશ્ચિમના અંગ્રેજી ભાષા સાહિત્યજગતને ખય્યામનો પરિચય કરાવી તેને કવિ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં આંગ્લ કવિ એડ્વર્ડ ફિટ્સજીરાલ્ડનો મુખ્ય હિસ્સો છે. તેમણે ખય્યામની ઘણી રુબાયતોનો મુક્ત ભાવવાહી શૈલીમાં કરેલો ‘ધ રુબાયત ઑવ્ ઓમર ખય્યામ’ (1859) નામનો અનુવાદ હજુ પણ ઉત્તમ મનાય છે. અરબી ભાષામાં ‘રુબાઈ’ તરીકે ઓળખાતી આ કાવ્યરચના ચાર કડીની હોય છે. કેટલાક વિદ્વાનો ખય્યામે કવિતા લખી હોવા વિશે શંકા સેવે છે, કારણ કે તેના કોઈ પણ સમકાલીને ખય્યામની કવિતાની નોંધ લીધી નથી. પરંતુ એ. જે. એવબરીએ તેરમી સદીની હસ્તપ્રતના આધારે આવી 250 અધિકૃત રુબાયત શોધી છે. આ રુબાયતોનો વિશ્વની અનેક ભાષાઓમાં તથા ભારતની વિવિધ ભાષાઓમાં અનુવાદ થયો છે. તેની આ ગહન અને કાવ્યમય પંક્તિઓમાં ખય્યામના ઊંડા ચિંતન ઉપરાંત બ્રહ્માંડ તથા પ્રકૃતિનું રહસ્ય પામવાની જિજ્ઞાસા તેમજ કાળની સર્વોપરિતા અને માનવ-ઈશ્વર સંબંધો જેવી સનાતન સમસ્યાઓ ઉકેલવાની મથામણ જોવા મળે છે.
છોટુભાઈ સુથાર
ઝિયાઉદ્દીન અ. દેસાઈ