ઉપાધ્યાય હરિભાઉ

January, 2024

ઉપાધ્યાય હરિભાઉ (જ. 24 માર્ચ 1892 ભૌરોસા ગામ, જિ. ઉજ્જૈન, મધ્ય પ્રદેશ; અ. 25 ઑગસ્ટ 1972) : પત્રકાર અને સંપાદક. હિંદીની સેવાથી સાર્વજનિક જીવનમાં પ્રવેશ. પહેલા ‘ઔદુમ્બર’ માસિક પત્રિકાના પ્રકાશન દ્વારા હિંદી પત્રકાર જગતમાં પદાર્પણ કર્યું. 1911માં ‘ઔદુમ્બર’ના સંપાદક થયા, સાથોસાથ અભ્યાસ કરતા રહ્યા. ‘ઔદુમ્બર’માં અનેક વિદ્વાનો દ્વારા વિવિધ વિષયોને લગતી લેખમાળાઓ તૈયાર કરાવી પ્રકાશિત કરતા રહ્યા. ‘ઔદુમ્બર’ મારફતે તેઓ 1915માં મહાવીરપ્રસાદ દ્વિવેદીના પરિચયમાં આવ્યા. દ્વિવેદીજી સાથે ‘સરસ્વતી’માં સંપાદનકાર્ય કર્યા પછી તેઓએ ‘પ્રતાપ’, ‘હિંદી નવજીવન’ (1921) અને ‘પ્રભા’ના સંપાદનમાં પણ પોતાની સેવાઓ આપી. ત્યારબાદ તેઓએ ‘માલવ-મયૂર’ (1922) નામનું પત્ર કાઢવાની યોજના કરી, પરંતુ તે પત્ર થોડા દિવસ બાદ બંધ પડી ગયું.

હરિભાઉનું હિંદી સાહિત્યને વિશેષ પ્રદાન એમણે કરેલા અંગ્રેજીનાં બહુમૂલ્ય પુસ્તકોના હિંદીમાં રૂપાંતરને લગતું છે. એમાં જવાહરલાલ નહેરુની ‘મેરી કહાની’ અને પટ્ટાભિ સીતારામૈયાકૃત ‘કૉંગ્રેસકા ઇતિહાસ’ નામના હિંદી ભાષાંતર મુખ્ય છે. અનુવાદમાં એમણે મૂળ લેખકના વ્યક્તિત્વને અનુરૂપ ભાષા-સ્વરૂપ યોજ્યું છે, જેથી એમના અનુવાદને વાંચતાં એ પુસ્તકનો અનુવાદ છે એમ લાગતું જ નથી. જાણે મૂળ લેખકની વાણી અને વિચારધારા અવિરત રૂપે એના મૂળ સ્રોતમાં વહેતી આવતી હોય એવો વાચકને અનુભવ થાય છે. આ રીતે હરિભાઉજીએ અન્ય જનનાયકોના ગ્રંથોના અનુવાદ કરીને હિંદી સાહિત્યને વ્યાપકતા અર્પી છે. એમની અસંખ્ય કૃતિઓમાં ‘બાપૂ કે આશ્રમમેં’, ‘સ્વતંત્રતાકી ઓર’, ‘સર્વોદયકી બુનિયાદ’, ‘શ્રેયાર્થી જમનાલાલજી’, ‘સાધના કે પથ પર’, ‘ભાગવત ધર્મ’, ‘વિશ્વ કી વિભૂતિયાં’, ‘પુણ્ય સ્મરણ’, ‘પ્રિયદર્શી અશોક’, ‘હિંસાકા મુકાબલા કૈસે કરેં’, ‘હમારા કર્તવ્ય ઔર યુગ ધર્મ’ તેમજ ‘દૂર્વાદલ’ (કાવ્યસંગ્રહ) મુખ્ય છે. હરિભાઉજીની રચનાઓ ભાવ, ભાષા અને શૈલીની દૃષ્ટિએ આકર્ષક છે. એમાં સત્ય અને અહિંસાની શુભ્રતા છે, ધર્મની સમન્વય બુદ્ધિ છે તેમજ કલમની સતત સાધના અને પ્રેરણા પણ અનુભવાય છે. 1966માં તેઓને પદ્મભૂષણના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રવીણચંદ્ર પરીખ