ઉપાધ્યાય, પુરુષોત્તમ (જ. 15 ઑગસ્ટ 1934; અ. 11 ડિસેમ્બર 2024, મુંબઈ, મહારાષ્ટ્ર) : નેવું વર્ષની જિંદગીમાં એંશી વરસ માતૃભાષાના પ્રેમમાં રમમાણ રહીને હલકભેર ગાયનોત્તમ તરફ ઝોક ધરાવતા સૂર, તાલ, લય અને ઢાળના જ્ઞાતા પુરુષોત્તમ ઉપાધ્યાયે ગુજરાતની રસ-કસભરી ધરા ઉપર આખીય સંગીતરસધારાનાં અમીછાંટણાં કર્યાં.
પુરુષોત્તમભાઈના કંઠમાં ગાન સામર્થ્ય એવું હતું કે દેશ-વિદેશના રસિકો સાથે સીધો અનુબંધ સધાતો. સુગમ- સંગીતને વધુ સુગમ્ય બનાવવા એમણે શાસ્ત્રીય સંગીતનો મહાવરો પણ કર્યો અને તેથી જ એ બેના મિશ્રણસમું ઉપશાસ્ત્રીય સંગીત પણ એમને કંઠવગું રહ્યું. ગુજરાતી ઉપરાંત હિંદી અને તેની લોકબોલીઓમાં ઝબોળાયેલા લોકસંગીતમાં પણ એમણે અનુપમ પ્રસ્તુતિઓ કરી. તેઓ ગાયક, સંગીતકાર અને સંગીત-નિયોજક પણ હતા તેથી તેઓ સતત પ્રયોગશીલ રહેતા. કાવ્ય, ગીત, પદ આદિના શબ્દોને લાડ લડાવીને તેઓ ગાયકીમાં શબ્દાતીત ભાવ આણતા. એક જ રચનાને અલગ અલગ પલટા વડે સજાવતા. સાહિત્ય અને સંગીત – બંનેના સૌંદર્યના તેજથી એમની ગાયકી ચમત્કારિક બની જતી. શ્રોતાઓને રંજિત કરવાના તેમના પડકારના પડઘા ગીત, ગઝલ, ગરબા, ભક્તિસંગીત, લોકગીત આદિ ગેય પ્રકારોમાં ઝિલાતા. સુગમસંગીતના પ્રણેતા અવિનાશ વ્યાસના તેઓ માનસપુત્ર હતા, એટલું જ નહિ; પુરુષોત્તમભાઈએ એ જવાબદારી બખૂબી નિભાવી અને સાચવી. એ સમયે નિનુ મઝુમદાર, ક્ષેમુ દિવેટિયા, રાસબિહારી દેસાઈ, દિલીપ ધોળકિયા, કલ્યાણજી-આણંદજી આદિ સંગીતના ભેખધારી સર્જકોનો એક આગવો યુગ સંગીતાકાશની ક્ષિતિજે ઝળહળતો રહ્યો. આમ, આઝાદી પશ્ચાત્ સુગમસંગીતનાં પુષ્પો મહોર્યાં અને પુરુષોત્તમભાઈએ પણ ધીરે ધીરે કવિતાની કેડી પર સુદીર્ઘ સંગીતસફર કરી ગરવી ગુજરાતી ભાષાની સેવા કરી. એને કારણે આપણાં અનેક કાવ્યો ઘરેઘરમાં ગુંજતાં થયાં અને અમરત્વ પણ પામ્યાં.

પુરુષોત્તમ ઉપાધ્યાય
માતા અને દાદીની દમદાર ગાયકી તેમને વારસામાં મળી હતી, તેની તેમણે અદબથી આરાધના કરી. જનસમુદાય સુધી સંગીતને પહોંચાડવાનો સ-રસ પ્રયત્ન કર્યો. શ્રોતાઓ સાથે સંવાદ સાધતા આ સક્ષમ કલાકાર પોતાની ગાયકી વડે આંગિકમના અજવાળે મંચમાં પ્રાણ પૂરતા. અંદરની સજળતાનો સાક્ષાત્કાર થાય અને પ્રેક્ષકોનાં ઓવારણાં મળે. પુરુષોત્તમભાઈ અંબાજીના મંદિરમાં માતા સમક્ષ રડતાં રડતાં ગાય – જાણે આંસુ એ જ અભિષેક ! એમની શ્રેષ્ઠ કૃતિઓ એમના કામણગારા કંઠેથી નીસરતી. ‘રંગલો જામ્યો કાલિંદડીને ઘાટ…’, ‘ઊંચી મેડી તે મારા સંતની…’, ‘માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં…’, ‘હવે મંદિરનાં બારણાં ઉઘાડો…’, ‘પાન લીલું જોયું…ને તમે યાદ આવ્યાં’, ‘અમથી અમથી મૂઈ… ઓલ્યા માંડવાની જૂઈ…’, ગની દહીંવાલાની ગઝલ ‘દિવસો જુદાઈના જાય છે’ જેવાં સુદૃઢ સ્વરાંકોનીની યાદી ભાવકોના હૈયાના દરબારે યથાવત્ ગુંજતી રહે છે. અવિનાશ વ્યાસનું અવિનાશી ગીત ‘રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે…’ પુરુષોત્તમભાઈ નરવા કંઠે ઊલટભેર ગાતા. અઢાર ભારતીય ભાષાઓમાં એ ગીતના ભાવાનુવાદ અને સ્વરાંકન થયાં છે. સંગીત સાંભળવાની ટેવને કારણે બાળવયે રઘુનાથ બ્રહ્મભટ્ટનું પદ ‘સાધુ ચરણકમલ ચિત્ત જોડ’ મંચ પર સત્તર વાર ‘વન્સ મૉર’ પામ્યું ત્યારે એ ક્ષણે પુરુષોત્તમભાઈને અંદાજ પણ નહિ હોય કે એમનાં ગીતો આ પૃથ્વીપટમંચ પર અવિરત નાદબ્રહ્મની અનુભૂતિ કરાવતાં રહેશે.
પૂજ્ય મોરારિબાપુએ કહ્યું કે, ‘પુરુષોત્તમ ઉપાધ્યાયની જીભ પર શાસ્ત્રીય, સુગમ, લોકવિદ્યાની ત્રિવેણી બેઠી હતી.’ કવિ સુરેશ દલાલે એમને નવાજતાં કહેલું કે ‘આ કલાકાર જન્મતાંની સાથે જ પ્રથમ રુદનમાં સંગીતનો કોઈ સૂર ભાળી ગયો હશે.’ આ સમૃદ્ધ કલાકારનાં કેટલાંક આલબમને નોંધીએ તો – ‘તમે આવો તો વાત’, ‘ચંદરવો’, ‘નામ શ્રદ્ધા’, ‘વૈષ્ણવજન’ – આશ્રમ ભજનાવલિ, ‘કાંઠે ગુલમહોરનો ઠાઠ’, ‘બાપુ કે પ્રિય ભજન’ ઇત્યાદિ. આવા નરવા કંઠના કસબી પુરુષોત્તમભાઈને અનેક માન, સન્માન, ઍવૉર્ડ પ્રાપ્ત થયાં હતાં : ગુજરાત ગૌરવ પુરસ્કાર, પદ્મશ્રી અને સંગીતનાટક અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. તેઓ ગરવાઈથી ગાતા ‘હું તો છેલછબીલો ગુજરાતી’.
સુધા ભટ્ટ
બાળકૃષ્ણ માધવરાવ મૂળે