ઉપલેટ (કઠ) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍૅસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Saussurea lappa C. B. Clarke (સં. કુષ્ઠ, હિં. કુઠ, મ. કોષ્ઠ, બં. કુઠ, કં. કોષ્ટ, તે. ચંગલકુષ્ટ, ફા. કાક્ષોહ, અ. કુસ્તબેહેરી, ગુ. ઉપલેટ, કઠ; અં. કોસ્ટસ, કુઠ) છે. તેના સહસભ્યોમાં ભાંગરો, ઉત્કંટો, સૂરજમુખી વગેરેનો સમાવેશ થાય છે.
તે ટટ્ટાર, મજબૂત, બહુવર્ષાયુ, 1 મી.થી 2 મી. ઊંચી શાકીય વનસ્પતિ છે અને કાશ્મીરની ખીણની 2,500 મી.થી 3,000 મી.ની ઊંચાઈ સુધી મળી આવતી સ્થાનિક (endemic) જાતિ છે. તે ભુતાન, સિક્કિમ, હરદ્વારથી દાર્જિલિંગ સુધી, કાશ્મીર અને તે પ્રદેશોના કૂવા તેમજ જળાશયો પાસેના ઢોળાવ ઉપર ઊગે છે. તેની જડ અથવા મૂળને પુષ્કરમૂળ કહે છે. તેની ભારતમાં અન્ય મળી આવતી જાતિઓમાં S. heteromalla (D. Don) Raizada & Saxena (પં. બટુલા, કાલી ઝીરી), S. hypoleuca Spreng., S. sacra Edgew. (જોગી પાદશાહ), S. affinis Spreng. (આસામ – ગંગામૂલ), S. gossypiphora D. Don. અને S. obvallata Wall. ex C. B. Clarke(પં. કાનવાલ, કુમાઉ – બ્રહ્મકમલ)નો સમાવેશ થાય છે. તેનાં મૂળ મજબૂત, 60 સેમી. સુધીની લંબાઈ ધરાવતાં અને તીવ્ર ગંધવાળાં હોય છે. પ્રકાંડ મજબૂત અને રેસામય હોય છે. મૂળ પર્ણો (radical leaves) લગભગ 0.1 મી. જેટલો લાંબો, ખંડમય (lobately) સપક્ષ (winged) પર્ણદંડ ધરાવે છે. મુંડક (head) પ્રકારનો પુષ્પવિન્યાસ અદંડી, સખત અને કાષ્ઠીય હોય છે અને 3 સેમી.થી 5 સેમી. વ્યાસ ધરાવે છે. પુષ્પો ઘેરાં, વાદળી-જાંબલી કે લગભગ કાળાં હોય છે અને અગ્રીય તેમજ કક્ષીય ગુચ્છમાં ઉદભવે છે. તેનાં ફળ ચર્મફળ (achene) પ્રકારનાં વાંકાં, ચપટાં અને લગભગ 3 મિમી. લાંબાં હોય છે.
તેનું વ્યાપારિક નામ કોસ્ટસ છે, છતાં તેને ઝિન્જિબરેસી કુળમાં આવેલ Costus પ્રજાતિ સાથે કોઈ જ સંબંધ નથી. તે માત્ર જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગાની ખીણ અને ચીનાબ ખીણની વધારે ઊંચાઈએ વન્ય સ્થિતિમાં ઊગે છે. આમ છતાં કાશ્મીરની નજીકનાં અને અન્ય સ્થળોએ બિનવ્યાપારિક જથ્થામાં છૂટીછવાઈ થાય છે. તેના અનિયંત્રિત ઉપયોગને કારણે આ વનસ્પતિ લગભગ વિલુપ્ત (extinct) થઈ ચૂકી છે. વન્ય સ્થિતિમાં થતી વનસ્પતિઓનો પુરવઠો બજારની માગના સંદર્ભમાં અપૂરતો હોવાથી ઉપલેટનું વ્યાપારિક ધોરણે વાવેતર આ સદીના બીજા અને ત્રીજા દાયકામાં કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં લાહુલ અને ઉત્તરપ્રદેશમાં ગરવાલના વિસ્તારોમાં શરૂ થયું હતું.
તે ઠંડી અને ભેજવાળી આબોહવામાં 2,600 મી.થી 3,200 મી.ની ઊંચાઈએ વાવવામાં આવે છે. છિદ્રાળુ, ફળદ્રૂપ અને ઊંડી મૃદામાં તે સારી રીતે ઊગે છે અને આવી મૃદામાં તેનાં મૂળ જાડાં અને લાંબાં હોય છે. ભોજપત્ર (Betula utilis), ખરશુ ઓક (Quercus semicaprifolia) કે સિલ્વર ફર(Abies webbiana)ના છત્ર (canopy) હેઠળ થતું વાવેતર સારાં પરિણામ આપે છે.
ઉપલેટનું પ્રસર્જન મૂળના ટુકડાઓ અને બીજ દ્વારા થાય છે. 2.5 સેમી. વ્યાસ ધરાવતા મૂળના ગ્રીવાપ્રદેશનું રોપણ કરવાથી વનસ્પતિનું નૈસર્ગિક પુનર્નિર્માણ થાય છે. બીજ દ્વારા વાવેતર કરવા માટે તેમનું સપ્ટેમ્બરમાં એકત્રીકરણ કરવામાં આવે છે. કુદરતી સ્થિતિમાં બીજ-વિકિરણ પાનખર ઋતુમાં થાય છે. શિયાળામાં તેઓ બરફ નીચે દટાયેલાં રહે છે અને બરફ ઓગળતાં એપ્રિલ-જૂનમાં અંકુરણ પામે છે. બીજ ક્યારીઓમાં રોપી, તેના એક વર્ષના કે તેથી વધારે મોટા બીજાંકુરોનું પ્રતિરોપણ 0.9 મી. ´ 0.9 મી.ની જગામાં કરવામાં આવે છે. આ સમયે તેમના મૂળની લંબાઈ 15 સેમી.થી 35 સેમી. જેટલી હોય છે.
બીજનું સીધેસીધું વાવેતર 0.3 મી. ´ 0.3 મી.ના નાના છીછરા ખાડામાં સફળતાપૂર્વક થઈ શકે છે. ત્યારપછી 0.6 મી.થી 0.9 મી.ના અંતરે તેની છાંટણી (thinning) કરવામાં આવે છે. આ પદ્ધતિથી ભેજનું પૂરતું પ્રમાણ હોય તેવી પહાડની તળેટીમાં ઉગાડવામાં આવે છે. પ્રત્યેક શિયાળામાં તેનો પશ્ચક્ષય (dieback) થાય છે અને બરફ ઓગળતાં વસંત ઋતુમાં તેની વૃદ્ધિ પુન: શરૂ થાય છે. તેના પાક ઉપર Levaillula taurica (Lev.) Arn., Puccinia saussureae Theum., અને Septoria sordidula (Lev.) Sacc. નામની ફૂગ દ્વારા ચેપ લાગુ પડે છે.
તેનું તાજું મૂળ મજબૂત, ગાજર જેવું, 0.6 મી. લાંબું અને 0.3 મી.ના ઘેરાવાવાળું હોય છે. કેટલીક વાર ગ્રીવા પ્રદેશેથી કેટલાંક મૂળ જોડાયેલાં હોય છે. તેનાં શુષ્ક મૂળ ‘સૉસુરિયા’ તરીકે ભારતમાં જાણીતું ઔષધ છે. તે મૂળ તીવ્ર અને મીઠી સુગંધી ધરાવે છે અને સ્વાદે કડવાં, ત્રાકાકાર(fugiform)થી માંડી નલિકાકાર, 7 સેમી.થી 15 સેમી. લાંબાં અને 1.0 સેમી.થી 5 સેમી. જાડાં હોય છે. તેઓ કેટલીક વાર ખાંચવાળાં હોય છે અને ટૂંકો અને શૃંગી (horny) વિભંગ (fracture) ધરાવે છે. ચૂર્ણ સ્વરૂપમાં આ ઔષધ ઘેરા બદામી કે ગેરુ રંગનું હોય છે અને 2 %થી ઓછું બહારનું કાર્બનિક દ્રવ્ય ધરાવે છે.
ઉપલેટનાં મૂળ રેઝિનૉઇડો (6 %), બાષ્પશીલ તેલ (1.5 %), આલ્કેલૉઇડ (0.05 %), ઇન્યુલિન (18 %), સ્થાયી તેલ અને ટેનિન અને શર્કરાઓ જેવાં અન્ય ગૌણ ઘટકો ધરાવે છે. ગરવાલ અને નેપાળના ઉપલેટનાં મૂળ કરતાં કાશ્મીરના ઉપલેટનાં મૂળમાં બાષ્પશીલ તેલ વધારે પ્રમાણમાં હોય છે. મોટી ઉંમરના છોડના મૂળમાં અને સપ્ટેમ્બરથી ઑક્ટોબર દરમિયાન એકત્રિત કરેલા નમૂનાઓમાં તેલનું પ્રમાણ વધારે હોય છે.
આ તેલમાં મુખ્યત્વે સૅસ્કવીટર્પિનો અને સેસ્કવીટર્પિન આલ્કોહૉલ હોય છે. ચૂર્ણિત મૂળના બાષ્પનિસ્યંદનથી મેળવેલા તેલના અચળાંકો આ પ્રમાણે છે : વિ. ગુ. 0.952, ઍસિડ-મૂલ્ય 9.7, ઍસ્ટર-મૂલ્ય 58.1, ઍસિટિલેશન બાદ ઍસ્ટર મૂલ્ય 161.0. આ તેલ 90 % આલ્કોહૉલમાં દ્રાવ્ય હોય છે. તેલના બંધારણમાં કૉસ્ટુનોલાઇડ (C15H20O2), પ્રાથમિક સૅસ્કવીટર્પિન લૅક્ટોન, ડિહાઇડ્રૉકોસ્ટસ લૅક્ટોન, ડાઇહાઇડ્રૉકોસ્ટસ લૅક્ટોન, ડાઇહાઇડ્રૉડિહાઇડ્રૉકોસ્ટસ લૅક્ટોન, 12-મિથૉક્સિડાઇહાઇડ્રૉકોસ્ટુનોલાઇડ, કોસ્ટોલ, β-સીટોસ્ટેરોલ, સ્ટીગ્મોસ્ટેરોલ, બિટ્યુલીન, ઍપ્લોટેક્સેન, β-સેલિનિન, β-એલિમિન, α અને β આયોનોન, દ્વિચક્રીય સૅસ્કવીટર્પિનિક ઍસિડ, એક C13– કિટોન અને કેટલાંક નહિ ઓળખાયેલાં હાઇડ્રૉકાર્બનો, કિટોનો અને આલ્કોહૉલ હોય છે.
તેલ આછા બદામીથી બદામી રંગનું અને અત્યંત ઘટ્ટ હોય છે અને પદ્મપુષ્કર(Iris germanica Linn.)ના મૂળ જેવી અને પ્રાણીની તૈલીગ્રંથિમાંથી સ્રવતા તેલને મળતી આવતી વાસ ધરાવે છે. તેલ a-ડીકેનોલાઇડ અને તેના સમઘટકો, સિન્નેમિક આલ્કોહૉલ, આઇસોયુજેનોલ, મિથાઇલ આયોનોન, નાઇટ્રોમસ્ક, પેચોઉલી વગેરે સાથે સારી રીતે મિશ્ર થાય છે. તે વિસરણક્ષમતા(diffusive power)નો ગુણધર્મ ધરાવે છે. તે અસામાન્ય ર્દઢતા (unusual tenacity) ધરાવતા સ્થાપક તરીકે અસરકારક રીતે કાર્ય કરે છે.
બાષ્પશીલ તેલનો ઉચ્ચ કક્ષાના અત્તર અને પ્રસાધન-ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. તેલ અત્યંત કીમતી હોવાથી તેનો અપમિશ્રક (adulterant) તરીકે ઉપયોગ થાય છે. ભારત આ તેલનો મુખ્ય ઉત્પાદક દેશ છે અને નિયમિતપણે 6થી 12 ટન જેટલા તેલનું ઉત્પાદન કરે છે.
ઉપલેટનાં મૂળનું બાષ્પશીલ તેલ જલદ પ્રતિરોધી (antiseptic) વાતહર (carminative) અને Streptococcus અને Staphylococcus વિરુદ્ધ રોગાણુનાશક (disinfectant) ગુણધર્મો ધરાવે છે. તે અન્નમાર્ગના પરિસંકોચક (peristaltic) હલનચલનને અવરોધે છે, જેથી વિશ્રાંતિ (relexation) અનુભવાય છે. બાષ્પશીલ તેલના પ્રક્ષેપણ(injection)થી અંતરંગીય (splachnic) વિસ્તારમાં વાહિનીવિસ્ફારણ (vasodilation) થાય છે અને પરિભ્રમણ ઉપર નિશ્ચિત ઉત્તેજક અસર ઉત્પન્ન થાય છે. તેનું જઠરાંત્રીય (gastrointestinal) માર્ગ દ્વારા શોષણ તથા અંશત: ફેફસાં દ્વારા ઉત્સર્જન થાય છે અને કફોત્સારક (expectorant) અસર ઉત્પન્ન કરે છે અને મૂત્રપિંડમાં મૂત્રલ (diuretic) અસર કરે છે. આ બાષ્પશીલ તેલ કીટનાશક (insecticidal) ગુણધર્મ ધરાવે છે.
વિલૅક્ટૉનીકૃત (delactonized) તેલ અને તેના કેટલાક લૅક્ટૉન-ઘટકો અલ્પરક્તદાબી (hypotensive), ઉદ્વેષ્ટહર (spasmolytic) અને શ્વસનીવિસ્ફારક (bronchodilatory) અસરો દર્શાવે છે.
આયુર્વેદ અનુસાર તે ઉષ્ણ, તીખી, કડવી, મીઠી, વૃષ્ય, શુક્રલ, રસાયન, કાંતિકારક, લઘુ, વાતકફનાશક, સુગંધી, દીપનકારી, પાચક, આર્તવજનક, સંકોચ-વિકાસ પ્રતિબંધક, મૂત્રલ, આર્તવશૂલશામક, વાજીકર, વ્રણશોધક, વર્ણરોપક અને વેદનાસ્થાપક છે. તે કોઢ, વિષ, વિસર્પ, કંડૂ (દરાજ), ત્રિદોષ, ખસ, રક્તદોષ, ઉધરસ, ઊલટી અને તૃષાનો નાશ કરે છે. તેનો લેપ કરવાથી વાતવ્યાધિનો નાશ થાય છે. મસ્તક સંબંધી પીડા ઉપર ઉપલેટ અને એરંડમૂળને કાંજીમાં વાટી લેપ કરવામાં આવે છે. ગુલ્મ રોગ ઉપર ઉપલેટ, સાજીખાર, કેતકીનો ખાર તેલમાં મિશ્ર કરી આપવામાં આવે છે. ખોડા ઉપર તેનું ચૂર્ણ ખાપરિયામાં શેકી તેલમાં કાલવી લેપ કરવામાં આવે છે. વાતવ્યાધિ ઉપર ઉપલેટ ઘસીને શરીરે લેપ કરવામાં આવે છે.
ઉપલેટ બે પ્રકારની હોય છે : (1) કડવી અને (2) મીઠી. ખાવાની ઔષધિમાં મીઠી ઉપલેટનો ઉપયોગ કરવામાં આવે છે. કડવી ઉપલેટ વાંતિકારક છે.
ઉપલેટ ચર્મરોગમાં ખૂબ વપરાય છે. તેના લેપથી ત્વચાની રુધિરાભિસરણ અને વિનિમય-ક્રિયાઓમાં સુધારો થાય છે. કુષ્ઠ, રતવા, ખાજ, દાદર, ખરજવું વગેરે ત્વચાના રોગોમાં ખાવા માટે અને લગાડવા માટે આપવામાં આવે છે. ઉત્તેજક અને સ્વેદલ હોવાથી તાવમાં વપરાય છે. સ્વેદલ ઔષધ ઘણું કરીને થકાવટ લાવે છે; પરંતુ ઉપલેટ ચેતનાકારક છે. દમ, ઉન્માદ, સંન્યાસ (રક્તજ મૂર્ચ્છા) અને અપસ્મારમાં તે લાભદાયી છે.
શોભન વસાણી
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ
બળદેવભાઈ પટેલ