ઉપયોગિતાવાદ (રાજ્યશાસ્ત્ર) (utilitarianism)

January, 2004

ઉપયોગિતાવાદ (રાજ્યશાસ્ત્ર) (utilitarianism) : ઉદારમતવાદની એક શાખા. આ વિચારસરણીનો ઉદય ઓગણીસમી સદીમાં ઇંગ્લૅન્ડમાં થયો. તેના વિકાસમાં જેરીમી બેન્થમ, જેમ્સ મિલ, જૉન ઓસ્ટિન, જૉન સ્ટુઅર્ટ મિલ તથા હર્બર્ટ સ્પેન્સરનું ચિંતન ધ્યાન ખેંચે છે.

ઉપયોગિતાવાદની ર્દષ્ટિએ મનુષ્યનો ઉદ્દેશ આનંદ-સુખ પ્રાપ્ત કરવાનો છે. મનુષ્યનું સુખ મનુષ્યોના સહયોગ અને સંપર્ક દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે.

ઐતિહાસિક સંદર્ભમાં વિચારીએ તો જણાય છે કે 1672માં પ્રસિદ્ધ થયેલ રિચાર્ડ હમ્બરલૅન્ડના પુસ્તક ‘ટ્રીટાઇઝ ઑન નેચરલ લૉ’માં ઉપયોગિતાવાદના વિચારોને સૌપ્રથમ રજૂ કરવામાં આવેલા. જોકે ‘વધારેમાં વધારે લોકોનું વધારેમાં વધારે સુખ’ના સૂત્રનો સર્વપ્રથમ ઉપયોગ ફ્રાંસિસ હચસન દ્વારા થયો હતો. આ પછી સત્તરમી સદીમાં જૉન લૉકની ફિલસૂફી ધ્યાન ખેંચે છે. તે અનુભવવાદની તરફેણ કરતો હોવાથી માનવજ્ઞાનને અને વર્તનને ઇન્દ્રિયોના આધારે સમજાવે છે તેમજ તે માનવવર્તનના નિયમોને અનુભવના આધારે નક્કી કરે છે. લૉકના અનુગામીઓએ અઢારમી સદીના પૂર્વાર્ધમાં સુખ અને દુ;ખને ધ્યાનમાં લઈને વર્તનના સિદ્ધાંતને વિકસાવ્યો હતો; એ મુજબ સુખ આકર્ષણના પરિબળ તરીકે કામ કરે છે. લૉકે સુખને પ્રાપ્ત કરવાના અને દુ:ખનો ત્યાગ કરવાના મનુષ્યના મુખ્ય હેતુઓ પર આધારિત એવા વર્તનના માનસશાસ્ત્રીય ખ્યાલને સારી રીતે વિકસાવ્યો.

માનવવર્તનનો હેતુ એ છે કે ‘વધુમાં વધુ સુખ પ્રાપ્ત કરવું અને ઓછામાં ઓછું દુ:ખ ભોગવવું.’ એ સિદ્ધાંતનું સ્પષ્ટ નિરૂપણ 1731માં ઇંગ્લૅન્ડમાં જૉન ગેએ પોતાના પુસ્તક ‘કન્સર્નિંગ ધ ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઑવ્ વર્ચ્યૂ ઍન્ડ મૉરાલિટી’માં કરેલું છે. ફ્રાંસમાં 1757માં હેલ્વેશાએ પોતાના પુસ્તક ‘ઑવ્ ધ સ્પિરિટ’માં વધારેમાં વધારે સુખના સિદ્ધાંતનો સાધન તરીકે ઉપયોગ કર્યો હતો. તેના શિષ્ય બેકારિયા અને બેન્થમે આ સિદ્ધાંતને પાછળથી વિકસાવ્યો.

ફ્રાંસના પ્રકૃતિવાદી (physiocrat) વિચારકોએ પણ સુખદુ;ખને માનવવર્તનનાં બે ઉદભવસ્થાન તરીકે તથા સુનિયંત્રિત સમાજ માટે પ્રબુદ્ધ સ્વાર્થના નિયમ તરીકે સ્વીકારેલાં હતાં. 1770માં હોલ્બાશે પોતાના પુસ્તક ‘સિસ્ટમ ઑવ્ નેચર’માં ફ્રાંસની સરકારની ટીકા કરતાં વર્ગસભાનતાની ભાવનાને ઉગ્ર રૂપે રજૂ કરી હતી. તે અને અંગ્રેજ ઉપયોગિતાવાદીઓ એવું માનતા હતા કે વર્ગસંઘર્ષ અને સરકાર એ શોષણનાં સાધનો છે. આ મંતવ્યે ઉપયોગિતાવાદ સાથે ઇંગ્લૅન્ડમાં પ્રવેશ મેળવ્યો, જેનો ભવિષ્યમાં કાર્લ માર્ક્સે ઉપયોગ કર્યો હતો. ઇંગ્લૅન્ડમાં વિકસેલ ઉદારમતવાદના પ્રશિષ્ટ સ્વરૂપને જે ચિંતકોએ રજૂ કર્યો તેઓ ‘દાર્શનિક ઉદ્દામવાદીઓ’ (philosophical radicals) તરીકે ઓળખાય છે. તેમાં બેન્થમ, આદમ સ્મિથ, રિકાર્ડો, જેમ્સ મિલ વગેરેનો સમાવેશ થતો હતો. જેરીમી બેન્થમે પ્રથમ વાર ઉપયોગિતાના ખ્યાલને વ્યવસ્થિત રીતે રજૂ કર્યો, એટલું જ નહિ, પરંતુ ઉપયોગિતાવાદની વિભાવનાઓને પ્રચલિત બનાવી.

ઉપયોગિતાવાદનો વિકાસ મુખ્યત્વે ઇંગ્લૅન્ડમાં થયો અને ઓગણીસમી સદીમાં તે ખૂબ જ લોકપ્રિય બન્યો. આમ કેમ થયું તે સંબંધે વિચારતાં જણાય છે કે તે સમયના ઇંગ્લૅન્ડના હેતુઓ અને જરૂરિયાતો ઉપયોગિતાવાદમાં પ્રતિબિંબિત થતાં હતાં. ઇંગ્લૅન્ડનો મધ્યમવર્ગ એવા રાજકીય સિદ્ધાંતને ઇચ્છતો હતો, જે મુખ્યત્વે અનુભવ પર આધારિત હોય અને સુધારાવાદી પણ હોય. ઔદ્યોગિક ક્રાંતિએ ઇંગ્લૅન્ડના સામાજિક માળખામાં જે પરિવર્તન આણ્યું તેના કારણે રાજકીય, સામાજિક અને આર્થિક સુધારા અનિવાર્ય બની ગયા. ખાસ કરીને 1820 પછીથી સુધારા માટેની માગણી ઉત્તરોત્તર બળવત્તર બનતી ગઈ. ઉદ્યોગો સાથે સંકળાયેલા હતા તેમણે અનિયંત્રણવાદ (laissez faire) અને મુક્ત વ્યાપાર(free trade)ની હિમાયત કરી. રાજકીય ક્ષેત્રે આવી માગણી કરનારાઓએ વ્યક્તિવાદની હિમાયત કરી. ઔદ્યોગિક વર્ગે સંસદીય સુધારા અને ચૂંટણી તથા મતદાન અંગેના સુધારા માટેનાં આંદોલનો શરૂ કર્યાં. આ સુધારા માગનારાઓની સાથે બેન્થમ અને તેના શિષ્યો પોતાની દાર્શનિક ઉદ્દામવાદી ફિલસૂફી સાથે જોડાયા. તેમણે તે સમયની વ્યાવહારિક જરૂરિયાતોને અનુકૂળ તેમજ માનવકલ્યાણ સાથે સુસંગત એવી રાજકીય ફિલસૂફી રજૂ કરી.

ઉપયોગિતા એટલે વધારેમાં વધારે લોકોનું વધારેમાં વધારે સુખ. ઉપયોગિતા એટલે કલ્યાણ, એમાં એવી તમામ બાબતોનો સમાવેશ થાય છે, જે મનુષ્યના સુખને નક્કી કરે છે તેમજ તેનું સર્જન કરે છે. ઉપયોગિતાવાદ વ્યાવહારિક છે અને તે મુખ્યત્વે માનવજીવન, માનવપ્રવૃત્તિ તથા માનવકલ્યાણ સાથે સંબંધ ધરાવે છે. રાજકીય ર્દષ્ટિએ તે વ્યક્તિવાદનો ચુસ્ત હિમાયતી છે. તે ર્દઢપણે માને છે કે વ્યક્તિનું અંતિમ લક્ષ્ય સુખ છે અને તે સદાય સ્પૃહણીય છે. મનુષ્ય સમાજમાં રહેતો હોવાથી સુખ કાયદા તથા રાજ્યના કાર્ય સાથે ગાઢ રીતે સંકળાયેલ છે.

જેરીમી બેન્થમ(17481832) : તેમના દાર્શનિક વિચારોનાં મૂળ તત્વ આપણને 1789માં પ્રસિદ્ધ થયેલ તેના પુસ્તક ‘ઇન્ટ્રોડક્શન ટુ ધ પ્રિન્સિપલ્સ ઑવ્ મૉરલ્સ ઍન્ડ લેજિસ્લેશન’માં જોવા મળે છે. તેણે શરૂઆતમાં જ જણાવ્યું છે તેમ, કુદરતે મનુષ્યને દુ:ખ અને સુખ – એમ બે પરિસ્થિતિના શાસન નીચે મૂકેલ છે. આપણે જે કાંઈ કરીએ, જે કાંઈ કહીએ અને જે કાંઈ વિચારીએ તે સર્વ પર આ બંનેનું શાસન ચાલે છે. મનુષ્યો તે બંનેથી પર રહેવાનો ઢોંગ કરી શકે, પરંતુ વાસ્તવમાં તે હંમેશાં તેમને અધીન જ રહેશે. ઉપયોગિતાનો સિદ્ધાંત આ અધીનતાને માન્ય કરે છે. તેનું ધ્યેય પરમસુખ પરમાનંદને વિવેક, તર્ક તથા કાનૂન દ્વારા વિકસાવવાનું છે.

આ વિચારની સાથે જ બેન્થમ ઉપયોગિતાના સિદ્ધાંતને સ્પષ્ટ કરતાં જણાવે છે કે તેનો મુખ્ય આશય એવા સિદ્ધાંતનું નિરૂપણ કરવાનો છે, જે આપણને કોઈ પણ કાર્ય કરવું કે ના કરવું તે અંગેની વિવેકશક્તિ આપે. સુખમાં વધારો કે ઘટાડો તે બાબત કેન્દ્રમાં રહે છે. બેન્થમના મતે માત્ર સુખ આવકાર્ય છે, જ્યારે દુ:ખ-પીડા ત્યાજ્ય છે. દરેક વ્યક્તિ પોતાના સુખને ઉત્તમ રીતે નક્કી કરે છે. તેથી સુખદુ:ખનો માપદંડ તેનાં કાર્યો તથા વર્તનને ઘડતો હોય છે.

બેન્થમે સુખદુ:ખનાં ચાર ઉદભવસ્થાનોનો ઉલ્લેખ કર્યો છે : (1) શારીરિક, (2) નૈતિક, (3) રાજકીય અને (4) ધાર્મિક. આ ચારમાંથી કોઈ ને કોઈ એક સુખ કે દુ;ખને જન્મ આપે છે. બેન્થમે આ બાબતોને સુખદુ:ખના સમર્થનના સિદ્ધાંત તરીકે ઓળખાવેલી છે.

વ્યક્તિના સંદર્ભમાં બેન્થમ જણાવે છે કે સુખ કે દુ:ખની અનુભૂતિ આ બાબતો પર આધારિત છે : (1) તેની તીવ્રતા, (2) તેની અવધિ – સમયમર્યાદા, (3) તેની ચોક્કસતા અથવા અચોક્કસતા, (4) તેની નિકટતા અથવા અંતર, (5) સુખ કે દુ:ખની અનુભૂતિનાં મૂલ્યોને માપવાના માધ્યમ તરીકે સંવેદના તથા (6) વિશુદ્ધિ.

આ જ પ્રમાણે વ્યક્તિઓના સમૂહના સંદર્ભમાં તેણે ઉપર્યુક્ત બાબતો ઉપરાંત સાતમી બાબતનો પણ ઉલ્લેખ કર્યો છે અને તે છે સુખ અથવા દુ:ખનું વિસ્તારક્ષેત્ર. તેના દ્વારા સુખ અને દુ:ખની અનુભૂતિ કેટલા વ્યાપક પ્રમાણમાં વ્યક્તિઓને પ્રભાવિત કરે છે તે જાણી શકાય છે. ટૂંકમાં, આ સાત પરિબળો દ્વારા સુખ અને દુ:ખને માપી શકાય છે તેમ બેન્થમ જણાવે છે. તેના આ વિચારને સુખના ગણિત (felicific calculus) તરીકે ઓળખવામાં આવે છે.

બેન્થમ સુખ અને દુ:ખની સરળ અને સંકુલ અનુભૂતિના વર્ગીકરણને રજૂ કરીને તેમની વચ્ચેના અંતરને સ્પષ્ટ કરે છે તેમજ ખૂબ જ ગહનતાથી તથા વિગતે સુખ અને દુ:ખની સરળ અનુભૂતિનું વિશ્લેષણ કરીને સુખના 14 પ્રકારો અને દુ:ખના 12 પ્રકારોને રજૂ કરે છે.

સુખની સરળ અનુભૂતિના 14 પ્રકારો આ પ્રમાણે છે : (1) ઇન્દ્રિય, (2) સંપત્તિ-વૈભવ, (3) કૌશલ્ય, (4) સદભાવ, (5) સુકીર્તિ – યશ, (6) અધિકાર, (7) ધાર્મિકતા, (8) ઉદારતા, (9) દુષ્ટતા – પરપીડન, (10) સ્મૃતિ, (11) કલ્પના, (12) અપેક્ષા-આશા, (13) સંબંધસંપર્ક અને (14) રાહત.

આ જ પ્રમાણે દુ:ખની સરળ અનુભૂતિના 12 પ્રકારો આ મુજબ છે : (1) વ્યક્તિગત – અંગત, (2) ઇન્દ્રિય, (3) કઢંગું કે ત્રાસદાયક, (4) દુશ્મનાવટ, (5) અપકીર્તિ, (6) ધર્મિષ્ઠતા, (7) ઉદારતા, (8) દુષ્ટતા-પરપીડન, (9) સ્મૃતિ, (10) કલ્પના, (11) અપેક્ષા – આશા અને (12) સંબંધ – સંપર્ક.

દુ:ખ અને સુખની આ સરળ અનુભૂતિના આધારે કોઈ પણ કાર્ય સારું છે કે ખરાબ તે નક્કી કરી શકાય છે. આ ર્દષ્ટિએ કોઈ પણ કાર્ય સારું કે યોગ્ય ત્યારે જ ગણાય જ્યારે તે દુ:ખના પ્રમાણ કરતાં વધુ પ્રમાણમાં સુખ આપે. એ જ પ્રમાણે કોઈ પણ કાર્ય ખરાબ અથવા તો અયોગ્ય ત્યારે ગણાય જ્યારે તે સુખ કરતાં વધુ પ્રમાણમાં દુ:ખ આપતું હોય. ટૂંકમાં, ઉપયોગિતાના સિદ્ધાંતની કસોટીના આધારે બેન્થમે તમામ કાર્યની ચકાસણી કરવાની હિમાયત કરી છે.

આ પ્રમાણે બેન્થમે ઉપયોગિતાનો જે સિદ્ધાંત વિગતે રજૂ કર્યો તેનો ઓગણીસમી સદીના ધારાસભ્યો તથા રાજપુરુષો પર સારા પ્રમાણમાં પ્રભાવ પડ્યો હતો. આ માપદંડના આધારે તેઓ કાયદા તેમજ અન્ય બાબતોની યોગ્યાયોગ્યતા નક્કી કરતા હતા.

આમ છતાં આ સિદ્ધાંતની સારા પ્રમાણમાં ટીકા કરવામાં આવી છે. જે રીતે બેન્થમે આ સિદ્ધાંતને વધુ પડતો સરળ બનાવ્યો છે, તે મનુષ્યોનાં નૈતિક અને અનૈતિક કાર્યોને જરા પણ મહત્વ આપતો નથી; પરંતુ માત્ર ભૌતિક માપદંડના આધારે જ મનુષ્યોનાં કાર્યોને માપે છે. તે તમામ કાર્યોના કેન્દ્રમાં વ્યક્તિને બેસાડે છે અને સમાજની સંપૂર્ણપણે અવગણના કરે છે. આ સિદ્ધાંત પ્રમાણે વ્યક્તિ હંમેશાં સુખ અને દુ:ખને ધ્યાનમાં લઈને જ વર્તે છે, જે સંપૂર્ણ સાચું નથી.

ઉપયોગિતાનો સિદ્ધાંત ખામીયુક્ત હોવા છતાં તે તદ્દન બિનઉપયોગી છે તેમ કહી શકાય નહિ.

સુખદુ:ખના માપદંડના આધારે બેન્થમે રાજ્ય, સરકાર, વ્યક્તિગત સ્વતંત્રતા, કાનૂન, શિક્ષા, શિક્ષણ વગેરેનું મૂલ્યાંકન કરેલું છે.

રાજ્યની રચના મનુષ્યોએ પોતાના સુખમાં વધારો કરવા માટે કરી છે. તેનું અસ્તિત્વ તેના સભ્યોના સુખમાં વધારો કરવા પર જ ટકી રહ્યું છે. પ્રજા તેની આજ્ઞાઓ એટલા માટે પાળે છે કે તેમ કરવું ઉપયોગી છે, તેમ કરવાથી પ્રજાના સુખમાં વધારો થાય છે અને દુ:ખમાં ઘટાડો થાય છે. રાજ્યનો પ્રતિકાર કરવાથી ઊપજતું સુખ, રાજ્યનો પ્રતિકાર નહિ કરવાથી ઊપજતા દુ:ખ કરતાં વધુ હોય તો રાજ્યનો પ્રતિકાર કરવાનો પ્રજાને નૈતિક અધિકાર છે.

એ સરકાર ઉત્તમ ગણાય જે વધુમાં વધુ લોકોના વધારેમાં વધારે સુખમાં વૃદ્ધિ કરે. પ્રાતિનિધિક લોકશાહી સરકાર ઉત્તમ છે, કેમ કે તે આ ધ્યેયને સિદ્ધ કરે છે. સરકાર કેટલા સમય સુધી સત્તા ધારણ કરે તેનો આધાર પણ તેની ઉપયોગિતા પર છે. જ્યાં સુધી તે પ્રજાના સુખમાં વૃદ્ધિ કરે ત્યાં સુધી તે સત્તા પર રહે. જ્યારે તે આમ ન કરી શકે ત્યારે તેને સત્તા પર રહેવાનો અધિકાર નથી, કેમ કે તેની ઉપયોગિતા નથી. ઉપયોગિતાના માપદંડથી બ્રિટિશ બંધારણને માપીને તેણે ઘણા સુધારા સૂચવ્યા હતા; દા. ત., એકગૃહી ધારાસભાની રચના, પુખ્તવય મતાધિકારના ધોરણે પાર્લમેન્ટની વાર્ષિક ચૂંટણી, મતાધિકાર માટે વાચન તથા લેખનની યોગ્યતાની જરૂર, અખબારી સ્વાતંત્ર્ય વગેરે.

વ્યક્તિની સ્વતંત્રતા અને કાનૂન અંગે બેન્થમ જણાવે છે કે વ્યક્તિને સ્વતંત્રતા કરતાં સલામતીની વધુ જરૂર છે. કાનૂન દ્વારા સલામતીની ખાતરી આપવામાં આવતી હોવાથી કાનૂનપાલન પર તે વધુ ભાર મૂકે છે અને જણાવે છે કે કાનૂનપાલન કાયદાઓને દીર્ઘજીવી તથા અસરકારક બનાવે છે, જેના કારણે તે પ્રજાના સુખમાં વધારો કરી શકે છે. ટૂંકમાં, દરેક કાયદાને ઉપયોગિતાના માપદંડથી માપીને જો તે ઉપયોગી હોય તો તેને સ્વીકારવો અને ઉપયોગી ન હોય તો તેનો ત્યાગ કરવો, તેવો વિચાર તેણે રજૂ કર્યો છે. ટૂંકમાં, કાયદો પ્રજાના સુખમાં વધારો કરતો હોય તો જ તેનો અમલ થવો જોઈએ.

કાયદા-સુધારણા સંબંધે તે જણાવે છે કે કાયદા સંકુલ નહીં પણ સરળ અને સ્પષ્ટ હોવા જોઈએ. કાયદાની સંહિતા રચવાની પણ તેણે રજૂઆત કરી હતી.

ન્યાય અને વહીવટ-સુધારણા સંબંધે તે જણાવે છે તેમ, ન્યાયને સરળ બનાવવો જોઈએ. વકીલો તથા બૅરિસ્ટરોની ભારે ફીની તેણે ઉગ્ર ટીકા કરી અને ન્યાય મેળવવાની કાર્યવહી ખર્ચાળ હોવાથી સામાન્ય પ્રજાને ન્યાય મળતો નથી તેમ જણાવી ન્યાય મેળવવાનું કાર્ય ઓછું ખર્ચાળ બને તેવો વિચાર રજૂ કર્યો હતો.

ન્યાયાધીશો સત્તાનો દુરુપયોગ ન કરે તે માટે તેમણે જ્યૂરી પ્રથાની હિમાયત કરી હતી. કાનૂન અને ન્યાયતંત્રના ક્ષેત્રે બેન્થમે કરેલું પ્રદાન ખૂબ જ નોંધપાત્ર ગણાયું છે. તેના સમયથી આ ક્ષેત્રે જે સુધારા થયા તેમના પર તેના ચિંતનની અસર પડ્યા સિવાય રહી નથી.

ગુનેગારને કરવામાં આવતી શિક્ષા અંગે તે જણાવે છે કે શિક્ષા વધુ પડતી કડક ન હોવી જોઈએ. ખરેખર તો શિક્ષાથી ગુનાઓનું પ્રમાણ ઘટવું જોઈએ. શિક્ષાનો હેતુ ગુનેગારને સુધારવાનો હોવો જોઈએ, નહીં કે તેનો અંત આણવાનો. શિક્ષાનું પ્રમાણ એવું હોવું જોઈએ કે જેથી લોકો ગુનાઓ કરતાં અટકે. શિક્ષાના પ્રમાણને નક્કી કરવામાં પણ તે સમાજકલ્યાણને પ્રાધાન્ય આપે છે. મૃત્યુદંડની સજાનો તે વિરોધ કરે છે. જેલ તથા કેદીઓ સંબંધે રજૂ થયેલ બેન્થમના વિચારો ખાસ ધ્યાન ખેંચે છે. કેદીઓ સાથે માનવતાભર્યું વલણ અપનાવવાની તે હિમાયત કરે છે. આ સંદર્ભમાં જ તેણે જેલ તથા તેને લગતા જે સુધારા રજૂ કર્યા તે ધ્યાન ખેંચે છે. તેણે ખાસ પ્રકારની જેલ બાંધવાની યોજના (panopticon) રજૂ કરી હતી; એ મુજબ કેન્દ્રની જેલનો ઉપરી તમામ કેદીઓ પર દેખરેખ રાખી શકે. કેદીઓ સાથે સારો વ્યવહાર રાખી તેમને સુધારવાનું તથા તેમને શિક્ષણ આપવાનું તેણે જણાવ્યું હતું. તેણે એકાંતકેદની સજાનો વિરોધ કર્યો હતો.

બેન્થમે શિક્ષણને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું હતું અને તેના દ્વારા વધુમાં વધુ લોકોનું વધુમાં વધુ સુખ સધાય છે તેમ તે માનતો હતો. તેણે રાષ્ટ્રીય શિક્ષણની યોજના રજૂ કરી હતી. ગરીબોનાં બાળકો માટે તેમજ ધનિકોનાં બાળકો માટે અલગ અલગ શિક્ષણની વ્યવસ્થા રજૂ કરી હતી. રાજ્યે શિક્ષણક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવવાની છે તેમ તેણે જણાવેલું છે.

ઉપયોગિતાવાદનો મુખ્ય પ્રણેતા હોવા છતાં બેન્થમની ગણના રાજકીય ફિલસૂફ કે ચિંતક તરીકે થવાના બદલે તેને કાયદાના સુધારક તરીકે વધુ યાદ કરવામાં આવે છે. તે વાસ્તવવાદી ચિંતક હતો. તેણે તત્કાલીન ઇંગ્લૅન્ડના સમાજમાં પ્રવર્તતી અને ઊડીને આંખે વળગે તેવી સમસ્યાઓ પ્રત્યે સૌનું ધ્યાન દોર્યું; એટલું જ નહિ, પણ તેમને દૂર કરવાના ઉપાયો અને સુધારા રજૂ કર્યા અને સંસ્થાઓને જનકલ્યાણનાં સાધન બનાવવા પર ભાર મૂક્યો. સમય જતાં તેમનો વ્યાપક પ્રમાણમાં સ્વીકાર થયો અને તેણે કાનૂન અને પાર્લમેન્ટ અંગે સૂચવાયેલા સુધારા પાછળથી માત્ર ઇંગ્લૅન્ડમાં જ નહિ, પણ અન્ય રાજ્યોમાં પણ સ્વીકારવામાં આવ્યા હતા. તેણે સરકારના આદેશો પાળવા સંબંધે રજૂ કરેલ વિચાર પરોક્ષપણે સરકારને લોકમતને અધીન બનાવે છે. જો સરકારે પોતાના આદેશો પળાવવા હોય તો પોતાના અસ્તિત્વની યોગ્યતાને વાજબી ઠેરવવા માટે લોકો સમક્ષ હાજર થવું જોઈએ તેવો તેણે રજૂ કરેલ વિચાર તે સમયના સંદર્ભમાં ખૂબ જ મહત્વનો ગણી શકાય. કાનૂન વિશેના તેના વિચારોને પાછળથી જૉન ઑસ્ટિને વિકસાવ્યા. જ્યારે તે એમ જણાવે છે કે એક મનુષ્યનું મહત્વ બીજા મનુષ્યના મહત્વ જેટલું જ છે અથવા તો અધિકતમ સુખની ગણતરી માટે દરેક વ્યક્તિને એક જ ગણવી જોઈએ; કોઈ પણ વ્યક્તિને એક કરતાં વધારે ગણવી જોઈએ નહીં, ત્યારે સ્પષ્ટપણે તેણે કુદરતી કાયદામાંના સમાનતાના સિદ્ધાંતને પ્રાધાન્ય આપ્યું હતું. સામાજિક ફિલસૂફીના ઇતિહાસમાં થોડા ચિંતકો જ એવા હશે જેમણે બેન્થમ જેટલો વ્યાપક અને લાભદાયક પ્રભાવ પાડ્યો હોય.

જેમ્સ મિલ (17731836) : બેન્થમના શિષ્યોમાં જેમ્સ મિલ સૌથી વધુ યોગ્ય તથા પોતાના સિદ્ધાંતોમાં ખૂબ જ શ્રદ્ધા રાખનાર શિષ્ય હતો. મિલે સંપર્કવાદી સિદ્ધાંત (doctrine of association) રજૂ કર્યો. તેણે જણાવ્યું છે તેમ, અનુભૂતિઓનું મૂળ તત્વ સુખ કે દુ:ખને ઉત્પન્ન કરતી સંવેદનાઓ છે. મનુષ્યો સમાન ક્ષમતાઓ સાથે જન્મે છે, પરંતુ શૈક્ષણિક અને પરિસ્થિતિઓ સંબંધે રહેતા તફાવતોથી તેમની વચ્ચે અસમાનતા ઉદભવે છે. આ ર્દષ્ટિએ જ તે શિક્ષણની ઉપયોગિતા ખૂબ જ છે તેમ માનતો હતો ! તેના મત મુજબ કોઈ પણ કાર્યનું નૈતિક મૂલ્ય તેની ઉપયોગિતા પર આધાર રાખે છે. કુદરતી રીતે જ મનુષ્ય પોતાના સુખને અનુસરતો હોય છે અને દુ:ખ કે પીડાથી દૂર ભાગતો હોય છે. આમ કરતી વખતે જો તેના પર નિયંત્રણો મૂકવામાં ન આવે તો તે ચોક્કસપણે અન્ય મનુષ્યોના સુખને મર્યાદિત કર્યા સિવાય રહી શકે નહિ. પરિણામે મનુષ્ય પર આવાં નિયંત્રણો મૂકવા માટે સરકાર અનિવાર્ય બને છે. સરકાર પણ છેવટે તો મનુષ્યોની જ બનેલી હોવાથી તે પણ એવી માનવીય લાગણીઓ અને વલણો ધરાવે છે. તેના પર જો નિયંત્રણો મૂકવામાં ન આવે તો તે સત્તાનો ઉપયોગ પોતાનાં હિતોને સિદ્ધ કરવા માટે જ કરશે. આ વલણને રોકવા માટે તે રાજાશાહી, અમીરશાહી કે લોકશાહીને અગર તો મિશ્ર સરકારની હિમાયત નહિ કરતાં પ્રાતિનિધિક સરકારની હિમાયત કરે છે. આ પ્રકારની સરકારમાં પ્રજાના પ્રતિનિધિઓ અંકુશ રાખવાની કામગીરી કરે છે. ટૂંકમાં, મિલના ચિંતનનું સારતત્ત્વ એ છે કે જો તમામ મનુષ્યો યોગ્ય રીતે પોતાનાં વ્યક્તિગત હિતોને સિદ્ધ કરવાના પ્રયત્નો કરે તો વધારેમાં વધારે લોકોનું વધારેમાં વધારે કલ્યાણ સધાશે.

જૉન ઑસ્ટિન (17901859) : બેન્થમના વિચારોથી તે ખૂબ જ પ્રભાવિત થયેલો હતો. ઑસ્ટિનની ગણના મુખ્યત્વે તો ઉપયોગિતાવાદી કાયદાશાસ્ત્રી તરીકે જ થાય છે. તેનું મુખ્ય કાર્ય બેન્થમે કાનૂન વિશે જે સિદ્ધાંતો રજૂ કર્યા હતા તેમને સ્પષ્ટતા અર્પવાનું હતું. રાજ્યની ઉત્પત્તિ અંગે તે જણાવે છે કે તેની રચના સામાજિક કરાર દ્વારા નહિ પણ ઉપયોગિતાના આધારે થઈ છે. લોકો તેની આજ્ઞાઓનું પાલન, તેમને ટેવ પડી ગઈ હોવાથી કરે છે. બુદ્ધિશાળી મનુષ્યો માટે રાજ્યના અસ્તિત્વ તથા સાતત્ય માટેનું જો એકમાત્ર કારણ હોય તો તે તેની ઉપયોગિતા છે. રાજ્યનું ધ્યેય વધારેમાં વધારે લોકોનું વધારેમાં વધારે ભલું કરવાનું છે.

ઑસ્ટિન જણાવે છે કે ઉપયોગિતાનો સિદ્ધાંત જ રાજ્ય માટે નાગરિક સ્વાતંત્ર્યનાં નિયંત્રણો નક્કી કરવાનો માપદંડ બને છે.

જૉન સ્ટુઅર્ટ મિલ (18061873) : નાનપણથી જ જૉન સ્ટુઅર્ટ મિલને તેના પિતા જેમ્સ મિલ તથા જૉન ઑસ્ટિને શિક્ષણ આપીને તૈયાર કર્યો હતો. જીવનની શરૂઆતમાં તે ખૂબ જ સારા પ્રમાણમાં બેન્થમની ઉપયોગિતાવાદી ફિલસૂફીથી પ્રભાવિત થયો હતો; પરંતુ સમય જતાં શરૂના ઉપયોગિતાવાદીઓ જે દૂષણો સામે વૈચારિક યુદ્ધ કરતા હતા તે દૂર થઈ ગયાં. પરિણામે તે જેહાદનાં ધ્યેયો જ બદલાઈ ગયાં. ખાસ કરીને ડાર્વિન અને સ્પેન્સરે જીવવિદ્યાના ક્ષેત્રે તથા ઑગસ્ત કોમ્ટે સમાજશાસ્ત્રના ક્ષેત્રે જે પ્રદાન કર્યું તેના કારણે ઉપયોગિતાવાદના ચિંતનમાં નવા પ્રવાહો શરૂ થયા અને તેમનો પ્રભાવ જૉન સ્ટુઅર્ટ મિલ પર સારા પ્રમાણમાં પડ્યો. તેની ગણના છેલ્લા ઉપયોગિતાવાદી તરીકે અને પ્રથમ વ્યક્તિવાદી તરીકે થાય છે. સુખવાદ(hedonism)ના પાયા પર બેન્થમે ઉપયોગિતાવાદને રજૂ કરેલો હોવાથી તેની જે ટીકાઓ થઈ તેથી મિલે આ સિદ્ધાંતની પુન: સમીક્ષા કરવાનું તથા તેને પુન: રજૂ કરવાનું નક્કી કર્યું. તેણે સ્પષ્ટતા કરી કે સુખદુ:ખનો સિદ્ધાંત તથા આનંદને સુખ માનવું તે બંને બાબતો ખૂબ જ સંકુચિત અને જડ ર્દષ્ટિકોણવાળી છે, કારણ કે તે બંને શ્રમ દ્વારા પણ આનંદ મેળવી શકાય છે તેનો સ્વીકાર કરતા નથી. આમ, બેન્થમવાદમાં સુખવાદી નહિ તેવાં તત્વો (nonhedonistic elements) ઉમેરીને તેણે પરિવર્તન આણ્યું.

બેન્થમ અને જેમ્સ મિલ માનતા હતા કે માત્ર પ્રમાણ-(quantity)ના સંદર્ભમાં જ સુખો જુદાં પડે છે. તેઓ ગુણવત્તાની ર્દષ્ટિએ તેનો વિચાર કરતા જ નથી. તેમને મન તો ‘બાળકોની રમત જેટલો આનંદ આપે છે, તેટલો જ આનંદ કવિતા પણ આપે છે.’ આનંદનું ઉદભવસ્થાન ગમે તે હોય તેને ધ્યાનમાં લીધા સિવાય તેઓ માત્ર પ્રમાણોને આધારે જ આનંદને માપે છે. તેમને મન આનંદ-સુખનું ઉદભવસ્થાન નહિ પણ ખુદ આનંદ જ મહત્વ ધરાવે છે. આ અભિગમના કારણે બેન્થમ અને જેમ્સ મિલના દર્શનમાં ભૌતિકવાદી તત્વ જોવા મળે છે.

જૉન સ્ટુઅર્ટ મિલે આનંદમાં ગુણવત્તાનું તત્વ મહત્વનું છે તેવું ચિંતન રજૂ કરીને બેન્થમના ઉપયોગિતાવાદમાં રહેલા ભૌતિક સુખવાદ (materialistic hedonism)ને દૂર કર્યો. તેણે જણાવ્યું કે પ્રમાણ અને ગુણવત્તાના સંદર્ભમાં આનંદ-સુખ વચ્ચે તફાવત રહેલો છે. આનંદ જેટલું જ મહત્વ તેનું ઉદભવસ્થાન ધરાવે છે તેવું સ્વીકારતા મિલને મન રમત દ્વારા જે આનંદ મળે છે તેના કરતાં કાવ્યવાચનથી મળતો આનંદ વધુ ઉચ્ચ સ્તરનો છે. ટૂંકમાં આનંદ (સુખ) પણ ઉચ્ચ પ્રકારનો તથા નીચલા સ્તરનો હોય છે. જે વ્યક્તિને આ બંને પ્રકારના આનંદનો અનુભવ હોય છે તે ઉચ્ચ પ્રકારના આનંદને પસંદ કરે છે. આ ર્દષ્ટિએ જ તેણે જણાવ્યું છે કે ‘એક અસંતુષ્ટ મનુષ્ય બનવું એ એક સંતુષ્ટ સૂવર બનવા કરતાં વધુ સારું છે. એક સંતોષી મૂર્ખ બનવું તેના કરતાં અસંતોષી સૉક્રેટિસ રહેવું વધુ સારું છે.’ આમ, મિલના મત મુજબ મનુષ્ય માત્ર સુખને જ નહિ; પરંતુ સારા સુખને ઇચ્છે છે. તેણે એમ પણ જણાવ્યું છે કે મનુષ્યને માત્ર પોતાને જ સ્પર્શતાં કાર્યો કરવાથી સુખ મળે છે તેવું નથી, પરંતુ પોતાને મનગમતું કોઈ પણ કાર્ય કરવાથી તે સુખ-આનંદ પ્રાપ્ત કરી શકે છે; દા. ત., અન્ય લોકોને સુખ મળે તેવાં કાર્યો કરવાથી પણ આનંદ પ્રાપ્ત થતો હોય છે. આ જ પ્રમાણે કોઈ કળા કે શોખ દ્વારા પણ આનંદ પ્રાપ્ત થાય છે. વાચનના શોખીનને ઉત્તમ સાહિત્ય વાંચવાથી આનંદ મળે છે. આમ, આનંદ કે સુખ બહારથી મળતાં નથી, તે અંદરની અનુભૂતિ છે. અહીં તે બેન્થમના વિચારથી તદ્દન જુદો જ અભિગમ રજૂ કરે છે. મિલને મન આનંદ આપતી ઉપયોગિતા મહત્વની નથી, પણ મનુષ્યનું ગૌરવ અને તેના વ્યક્તિત્વનો વિકાસ મહત્વનાં છે. આમ, તેની ર્દષ્ટિએ સુખ એ માપદંડ નથી; પરંતુ મનુષ્યની નૈતિક ઉન્નતિ એ માપદંડ છે. આ પ્રમાણે મિલ બેન્થમવાદ – ઉપયોગિતાવાદમાં પ્રમાણ અને ગુણવત્તા એમ બંનેને મહત્વ આપે છે. તેના કારણે ઉપયોગિતાવાદમાં તે નવું પરિમાણ ઉમેરે છે.

વ્યક્તિનાં કાર્યો પાછળનું એકમાત્ર કારણ અને હેતુ સુખ છે, તેવો બેન્થમનો વિચાર મિલ સ્વીકારતો નથી. તે જણાવે છે કે વ્યક્તિને વ્યક્તિગત સુખ નહીં, પરંતુ સામૂહિક સુખ જ મહત્તમ સુખ આપે છે. જિસસ ક્રાઇસ્ટનો આ વિચાર આ સંદર્ભમાં ખાસ ધ્યાન ખેંચે છે, ‘તું બીજા લોકો સાથે એવો જ વ્યવહાર કર, જેવો વ્યવહાર તું તારી જાત સાથે થાય તેમ ઇચ્છે છે. એવી જ રીતે તું તારા પડોશીઓને એવો જ પ્યાર કર, જેવો પ્યાર તું, તને અન્ય લોકો કરે તેમ ઇચ્છે છે.’

બેન્થમને મન ઉપયોગિતા પોતાને લગતા હેતુઓ પર જ આધારિત છે; જ્યારે મિલને મન ઉપયોગિતાનો આધાર માત્ર પોતાને લગતા હેતુઓ પર જ નહિ, પરંતુ બીજાંઓને લગતા હેતુઓ પર પણ રહેલો છે.

બેન્થમે માનવસ્વભાવ અને માનવ-સંસ્થાઓ પ્રત્યે જે સુખવાદી ર્દષ્ટિકોણ અપનાવ્યો છે તેમાં પણ મિલ સુધારો કરે છે. માનવસ્વભાવ સ્વાર્થી છે તેવા બેન્થમના વિચારનો મિલ અસ્વીકાર કરીને જણાવે છે કે સમાજની સંગીનતા મનુષ્યના સ્વાર્થી સ્વભાવને આભારી નથી, પરંતુ મનુષ્યના સામાજિક અને નૈતિક સ્વભાવને જ આભારી છે.

બેન્થમ સ્વતંત્રતા કરતાં સલામતીને વધારે મહત્વ આપે છે, જ્યારે સ્વતંત્રતા વિશેનો મિલનો અભિગમ તદ્દન જુદો જ છે. તે ઉપયોગિતાની ર્દષ્ટિએ સ્વતંત્રતાનું બહુમાન કરતો નથી, પરંતુ સ્વતંત્રતાનું બહુમાન સ્વતંત્રતાની ભાવનાને અનુલક્ષીને કરે છે; એટલું જ નહિ, પરંતુ તે વ્યક્તિનો ખૂબ જ કીમતી અધિકાર હોવાને કારણે તેની ભારે હિમાયત કરે છે. તેણે લખ્યું છે કે કોઈ પણ અભિપ્રાયને બળપૂર્વક દબાવી દેવાથી તે વ્યક્તિને તો નુકસાન થાય છે જ; પરંતુ સાથોસાથ સમાજને પણ નુકસાન થાય છે, કેમ કે આમ કરવાથી અભિપ્રાયની મુક્તપણે ચર્ચાવિચારણા થવાથી જે લાભ થવાનો હોય છે તેનાથી સમાજ વંચિત રહી જાય છે.

બેન્થમના ઉપયોગિતાવાદનું સ્વરૂપ યાંત્રિક હતું. મિલે તેને માનવીય બનાવ્યું. પરિણામે તે વધારે વાસ્તવિક બની શક્યું. આમ, મિલે પોતાના ચિંતન દ્વારા બેન્થમના ઉપયોગિતાના સિદ્ધાંતમાં નોંધપાત્ર પ્રદાન કરી તેમાં ધ્યાન ખેંચે તેવું પરિવર્તન આણ્યું છે.

બેન્થમ અને મિલના ચિંતનમાં ઘણા તફાવતો રહેલા જોઈ શકાય છે. બેન્થમ સમાન મતાધિકારની – ‘એક વ્યક્તિ એક મત’ના સિદ્ધાંતની જ્યારે મિલ શિક્ષિતો માટે ભારીકૃત બહુસંખ્ય મતાધિકાર(weighted sufrage)ની તરફેણ કરે છે. બેન્થમ એકગૃહી જ્યારે મિલ દ્વિગૃહી ધારાસભાની હિમાયત કરે છે. બેન્થમ મતપત્રક દ્વારા મતદાનની તરફેણ કરે છે; જ્યારે મિલ આ પ્રકારના મતદાનનો વિરોધ કરે છે, કેમ કે તે એવું માનતો હતો કે મતદાનમાં મત હકનું સ્વરૂપ ધારણ કરે છે. એનો અર્થ એવો થાય કે મતદાર અન્ય લોકોનાં હિતોને ધ્યાનમાં લીધા સિવાય તેનો ઉપયોગ કરી શકે. આ બરાબર નથી; કેમ કે મત એ હક નહિ પણ ‘ટ્રસ્ટ’ છે. એમાં મતદાર પાસેથી જવાબદારીની તથા વ્યક્તિગત લાભ કરતાં સામાન્ય હિત પ્રત્યેના આદરની અપેક્ષા રખાય છે. આ જ કારણથી તે ગુપ્ત મતદાનપદ્ધતિનો પણ વિરોધ કરે છે. બેન્થમ, રાજ્યને હિતનો સર્જક ગણે છે, જ્યારે મિલ રાજ્યને પ્રજાની ઇચ્છાના સર્જન તરીકે ઓળખાવે છે. બેન્થમ રાજ્યને નકારાત્મક સ્વરૂપ આપે છે, જ્યારે મિલ રાજ્યને સારા પ્રમાણમાં વિધેયાત્મક સ્વરૂપ આપે છે; એટલું જ નહિ, પરંતુ વ્યક્તિવાદનો પ્રખર હિમાયતી મિલ સમાજવાદના તત્વનો ઉમેરો કરે છે. બેન્થમે અનિયંત્રણવાદની તરફેણ કરી, જ્યારે મિલે કામના કલાકોને મર્યાદિત કરતા કાયદાની તથા રાજ્યના અંકુશની હિમાયત કરી. આર્થિક ક્ષેત્રે બેન્થમ સ્પર્ધાને જરૂરી ગણતો હતો, જ્યારે મિલે ઉત્પાદનમાં સહકાર પર ભાર મૂક્યો હતો.

આ પ્રમાણે બેન્થમ અને મિલના ચિંતનમાં સારા પ્રમાણમાં તફાવત જોવા મળે છે. મિલે બેન્થમના ઉપયોગિતાવાદમાં જે સુધારા કર્યા તે માટે અનેક પરિબળો ઉપરાંત આદર્શવાદી વિચારસરણીની, તેના સમૂહવાદ(collectivism)ની તેના ચિંતન પર જે ભારે અસર થઈ હતી તેનો ફાળો મુખ્ય રહ્યો છે. મિલ બેન્થમે રજૂ કરેલ અધિકતમ સુખના સિદ્ધાંતને સ્વીકારવા ઇચ્છતો ન હતો, કારણ કે તે સિદ્ધાંત વાસ્તવમાં કાયદાની ઉપયોગિતાને માપવા માટેની વિષમ કસોટી હતી. બેન્થમ આ સિદ્ધાંતને મુખ્યત્વે કાનૂની બાબતોને જ લાગુ પાડવા માગતો હતો, જ્યારે મિલે પોતાના વ્યક્તિગત આદર્શવાદ સાથે સુસંગત એવા નૈતિક ચારિત્ર્યના ખ્યાલને પોતાના ઉપયોગિતાવાદી સિદ્ધાંત દ્વારા વ્યક્ત કર્યો હતો.

રાજકીય ચિંતકોમાં મિલનું સ્થાન ખૂબ જ મહત્વનું ગણાયું છે. તર્કશાસ્ત્રી તરીકે, અર્થશાસ્ત્રી તરીકે તથા રાજકીય દાર્શનિક તરીકે તેની ગણના તેના યુગના પેગંબર તરીકે થાય છે. તેણે ઉપયોગિતાવાદમાં નવાં પરિમાણો ઉમેરીને તેને વધુ વાસ્તવિક બનાવેલો છે. આ જ કારણે તેની ગણના ઉપયોગિતાવાદના છેલ્લા ચિંતક તરીકે અને વ્યક્તિવાદના પ્રથમ ચિંતક તરીકે થાય છે.

તેણે પોતાનું ચિંતન ઘણાં પુસ્તકો, પત્રિકાઓ તથા લેખો દ્વારા રજૂ કર્યું છે. રાજકીય ફિલસૂફીના તેના સિદ્ધાંતો મુખ્યત્વે કરીને ‘ઑન લિબર્ટી’ તથા ‘કંસિડરેશન્સ ઑન્ રેપ્રિઝેન્ટેટિવ ગવર્નમેન્ટ’માંથી મળે છે.

હર્બર્ટ સ્પેન્સર : ઓગણીસમી સદીના ઉદારમતવાદના એક ખૂબ જ અગત્યના ઉદગાતા તરીકે સ્પેન્સરની ગણના થતી હોવા છતાં, તેમજ તેની ફિલસૂફીના કેન્દ્રમાં આંગિક ઉત્ક્રાંતિના ખ્યાલને રજૂ કર્યો હોવા છતાં તેમના તમામ અગત્યના નૈતિક તથા રાજકીય વિચારો ઉપયોગિતાવાદમાંથી તારવવામાં આવ્યા હતા. જૉન સ્ટુઅર્ટ મિલની માફક તેમણે પણ દાર્શનિક ઉદ્દામવાદમાંથી પ્રેરણા લીધી હતી; આમ છતાં બંને ચિંતકો એકબીજાથી અલગ પડે છે, કેમ કે બૌદ્ધિક રીતે મિલ બેન્થમનો અનુયાયી હોવા છતાં તે વ્યવહારવાદી હતો, જ્યારે સ્પેન્સરે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની બુદ્ધિવાદી પરંપરાને ચાલુ રાખી અને ઉત્ક્રાંતિના આધાર પર કુદરતી સમાજની પદ્ધતિની ફિલસૂફી રજૂ કરી હતી. શરૂઆતમાં તેના પર દાર્શનિક ઉદ્દામવાદનો સારા પ્રમાણમાં પ્રભાવ પડ્યો હતો તેનો ખ્યાલ તેના પુસ્તક ‘ધ પ્રૉપર સ્ફિયર ઑવ્ ગવર્નમેન્ટ’ દ્વારા આવે છે. તે એવું માનતો હતો કે તમામ મનુષ્યોનું ધ્યેય સુખપ્રાપ્તિ છે. તેથી સુખ મેળવવા માટે મનુષ્યે પરિવેશ સાથે અનુકૂળ થવું જોઈએ તેમજ તેને અપનાવી લેવું જોઈએ. આ માટે એ જરૂરી છે કે દરેક મનુષ્ય સ્વતંત્ર હોવો જોઈએ.

ઉપયોગિતાવાદનો પ્રભાવ અને સિદ્ધિઓ : રાજકીય દર્શનમાં ઉપયોગિતાવાદ એ બ્રિટનની અમૂલ્ય ભેટ ગણાય છે. ઉપયોગિતાવાદી ચિંતકોએ, ખાસ કરીને બેન્થમ તથા ઑસ્ટિને રાજકીય પરિભાષાને સરળ તથા ચોક્કસ બનાવીને શાસન સંબંધી નવો સિદ્ધાંત રજૂ કર્યો. એ મુજબ સરકારનું અસ્તિત્વ કરાર પર નહિ, પરંતુ ઉપયોગિતા પર ટકે છે. આદર્શવાદી ચિંતકોએ રાજ્યને જે પ્રાધાન્ય આપ્યું હતું તેના સંદર્ભમાં ઉપયોગિતાવાદી ચિંતકોએ વ્યક્તિવાદને રજૂ કરીને તથા વ્યક્તિસ્વતંત્રતાને પ્રાધાન્ય આપીને રાજ્યના વ્યક્તિ સાથેના સંબંધ અંગે મહત્વનું પ્રદાન કર્યું. વ્યક્તિને રાજ્યની પકડમાંથી છોડાવીને તેણે રાજકીય ચિંતનના કેન્દ્રમાં બેસાડી.

ખાસ કરીને બેન્થમ અને તેના અનુયાયીઓના ચિંતનના કારણે જ ઓગણીસમી સદીમાં બ્રિટનમાં પાર્લમેન્ટને લગતા સુધારા થયા. ઇંગ્લૅન્ડમાં કાયદા તથા કાનૂની કાર્યવહીના ક્ષેત્રે સંપૂર્ણ સુધારણા થઈ તેનો યશ બેન્થમની ઉપયોગિતાવાદી વિચારસરણીને ફાળે જાય છે. આ વિચારસરણીના લીધે જ જે લોકો યુનિવર્સિટી શિક્ષણથી વંચિત રહ્યા હતા તેમને એ શિક્ષણ મળી શક્યું. મજદૂર સંગઠનોની સ્થાપનાનું શ્રેય પણ ઉપયોગિતાવાદને ફાળે જાય છે. 1870 પછી ઉપયોગિતાવાદની અસર ક્રમશ: ઓસરવા લાગી, પરંતુ આધુનિક સમૂહવાદની રચના પણ બેન્થમના ‘અધિકતમ લોકોના અધિકતમ સુખ’ની વિભાવના પર થયેલી છે.

હસમુખ પંડ્યા