ઉન્નતાંશવૃત્ત : ક્ષિતિજ સમાંતરે આકાશી ગોળા પર દોરાતું વર્તુળ. ख સ્વસ્તિક (માથા પરનું આકાશી બિંદુ), નિરીક્ષકનું સ્થાન અને અધ:સ્વસ્તિકને જોડતી રેખા (ZON) નિરીક્ષકની ક્ષિતિજરેખાની સપાટીને લંબરૂપે હોય છે. એ રેખા પરના કોઈ પણ બિંદુને કેન્દ્ર સમજી તે દોરાય છે. આકાશી ગોળા પર અનેક ઉન્નતાંશવૃત્તો દોરી શકાય છે, પણ તે વૃત્તોના વ્યાસ આકાશી ગોલકના વ્યાસ કરતાં ઓછા હોય છે. ક્ષિતિજ પોતે સૌથી મોટું ઉન્નતાંશવૃત્ત હોવા ઉપરાંત એક બૃહદ્ (great) વૃત્ત પણ છે, જ્યારે એને સમાંતર દોરાતાં બધાં ઉન્નતાંશવૃત્તો લઘુવૃત્તો છે.
ઉન્નતાંશવૃત્તોની સપાટી ZON (zenith observer, nadir) રેખાને તેમજ બધાં ઉદવૃત્તો(vertical circles)ને કાટખૂણે કાપે છે. કોઈ એક ઉન્નતાંશવૃત્ત પર આવેલા બધા આકાશી પદાર્થોના ઉન્નતાંશ (તેમજ નતાંશ) સરખા હોય છે.
જુદાં જુદાં નિરીક્ષણસ્થળોના હિસાબે ક્ષિતિજ-વર્તુળ અને ઉન્નતાંશવૃત્તો બદલાતાં રહે છે. દરેક સ્થળે ક્ષિતિજ 0o ઉન્નતાંશવૃત્ત છે.
છોટુભાઈ સુથાર