ઉધના : સૂરત જિલ્લાના સિટી તાલુકાનું ઔદ્યોગિક મથક. તે અમદાવાદ-મુંબઈ મુખ્ય રેલવે માર્ગ પર આવેલું છે. ત્યાંથી ભૂસાવળ તરફ જતો તાપી-વેલી રેલવે માર્ગ જુદો પડે છે. ઉધનાનું રેલવે યાર્ડ ઘણું લાંબું અને વિશાળ છે. આઝાદી પૂર્વે ઉધનાનો સમાવેશ સચીન નામના દેશી રાજ્યમાં થતો હતો. સચીન બીજા વર્ગનું રાજ્ય હતું અને એનો મુસ્લિમ નવાબ સીદી વંશનો હતો. મુંબઈમાં જેમ ઘોડાઓની દોડ-હરીફાઈ (Horse race) થાય છે તેમ નવાબ તરફથી ઉધનામાં વખતોવખત કૂતરાઓની દોડ-હરીફાઈ ગોઠવવામાં આવતી. ઉધનામાં ભીડભંડન મહાદેવનું મોટું મંદિર છે, જ્યાં શ્રાવણ માસમાં મેળો ભરાય છે. ત્યાં જૈન મંદિર અને ઉપાશ્રય પણ છે.
1937માં સચીનના નવાબે ઉધના-વિસ્તારને ઔદ્યોગિક રીતે વિકસાવવાનો વિચાર કર્યો, પરંતુ તેનો તાત્કાલિક અમલ થયો ન હતો. આઝાદી પછી છેક 1957માં ઉધનામાં ઉદ્યોગનગર સહકારી સંઘની સ્થાપના થતાં એનો ઘણો વિકાસ થયો. ઉદ્યોગનગરની 286 એકર જમીનમાં 652 જેટલાં કારખાનાં સ્થપાયાં છે અને 16,000થી વધુ કામદારો એમાં કામ કરે છે. અહીં ચાલતા લઘુ ઉદ્યોગોમાં આર્ટ-સિલ્ક, રેયૉન, ઇજનેરી, પ્લાસ્ટિક, ઘડિયાળ, હીરા વગેરેને લગતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. બરોડા રેયૉનનું મોટું કારખાનું પણ ઉધનામાં આવેલું છે.
ઉધનામાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ ટેક્નૉલૉજી નામની સંસ્થા છે, જેનું સંચાલન સ્પાન એજ્યુકેશન ફાઉન્ડેશન નામના ટ્રસ્ટ દ્વારા થાય છે. આ સંસ્થામાં એક વર્ષનો મેડિકલ ટેક્નૉલૉજીનો ડિપ્લોમા અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. અહીં અન્ય શાળાઓ ઉપરાંત ઉધના એકૅડેમી નામની શૈક્ષણિક સંસ્થા પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે.
ઉધના-મગદલ્લા માર્ગ થતાં ત્યાં પણ ઉદ્યોગ, વ્યાપાર અને માનવ-વસાહતોનો વિકાસ થયો છે. સૂરતનું વિમાની મથક અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું સંકુલ આ માર્ગ પર આવેલાં છે. ઉધનાની સાથે નજીકના હરિનગર તથા પાંડેસરા વિસ્તારોનો પણ ઘણો વિકાસ થયો છે. ઉધના સૂરત શહેરી વિસ્તારમાં ગણાતું હોવાથી તેની વસ્તી સૂરતની વસ્તી(61.08 લાખ – 2011)માં સામેલ છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી