ઉદ્યોત (અઢારમી સદી) : ‘કાવ્યપ્રકાશ’ની ગોવિંદ ઠક્કુરરચિત ટીકા ‘પ્રદીપ’ પર નાગેશ ભટ્ટકૃત ભાષ્ય. ‘ઉદ્યોત’ એના નામ પ્રમાણે ‘કાવ્યપ્રકાશ’ અને ‘પ્રદીપ’નાં મહત્વનાં સ્થાનો પર પ્રકાશ નાખે છે. મૂળ ગ્રંથના દુર્બોધ અંશોનું વિશદીકરણ, સિદ્ધાંતોને અસત્ય બતાવતા આક્ષેપોનું નિરાકરણ અને સત્યનો અંગીકાર – ટીકાકારનાં આ ત્રણેય કર્તવ્યોને ‘ઉદ્યોત’માં ચરિતાર્થ કરવામાં આવ્યાં છે. ખંડનમંડનની પરંપરા સાથે જ્ઞાનગંભીર ચર્ચાઓના સમાવેશથી ‘ઉદ્યોત’ સજ્જ છે. ‘પ્રદીપ’ના આશયોને સમ્યગ્ રીતે સમજાવ્યા છે. વૈદ્યનાથકૃત ‘પ્રભા’નો આધાર લીધો હોવા છતાં અનેક સ્થળે નાગેશે અભિનવ અર્થઘટનો કર્યાં છે. ઝળકીકર જેવા અનુગામી ટીકાકારો પણ ઉદ્યોતને અનુસરે છે. ‘ઉદ્યોત’ લઘુ અને બૃહદ્ હતું, પણ આપણને બૃહત્ સ્વરૂપમાં મળે છે.
તપસ્વી નાન્દી