ઉદ્યાન (park) : કુદરતી સૌંદર્યને માણવા માટે તૈયાર કરવામાં આવેલો ભૂમિવિસ્તાર. તે માટે માનવી અનાદિકાળથી પ્રયત્ન કરી રહ્યો છે. ગામ અને નગરો વસ્યાં ન હતાં ત્યાં સુધી તો તેને પ્રકૃતિસૌંદર્ય સહજ જ પ્રાપ્ય હતું, પરંતુ ગામ અને નગરોની પ્રસ્થાપનાથી નૈસર્ગિક સૌંદર્ય તેનાથી દૂર સરકતું ગયું. તેથી માનવીએ કુદરતી સૌંદર્યના ઉપભોગ માટે ગામ અને નગરોની નજીક જ ઉદ્યાનોનું નિર્માણ કર્યું.
કેટલાક નિષ્ણાતોની માન્યતા મુજબ, ઈ. પૂ. લગભગ 2300 વર્ષ દરમિયાન મેસોપોટેમિયા(ઇરાક)ના સુમેરિયનોએ સૌપ્રથમ ઉદ્યાનોનું સર્જન કર્યું. પ્રાચીન પર્શિયનોના પ્રારંભિક ઉદ્યાનો શિકાર માટેના વિસ્તારો કે વિશાળ ઉદ્યાનો ધરાવતા હતા. મોટાભાગના આ ઉદ્યાનો ધનિક રાજવીઓ કે જમીનદારોના આનંદ-પ્રમોદ માટે બનાવવામાં આવતા હતા. પ્રથમ સાર્વજનિક (public) ઉદ્યાનોનું નિર્માણ ગ્રીસમાં થયું હતું. એથેન્સમાં આવેલ અગોરા પ્રથમ શહેરી ઉદ્યાનનું ઉદાહરણ લેખાય છે. તેનો ઉપયોગ જાહેર ભાષણો, રાજકીય ચર્ચાઓ અને શારીરિક વ્યાયામ માટે થતો હતો.
યુરોપનાં નગરોમાં ઈ. સ. 1200ની આસપાસ નાના સાર્વજનિક ઉદ્યાનો પ્રચલિત બનતા ગયા. ઈ.સ. 1500થી મોટી ઇમારતોની ફરતે ઉદ્યાનોનું ર્દશ્યભૂમિ-સ્થપતિઓ (landscape architects) દ્વારા નિર્માણ શરૂ થયું. ઘણા ઉદ્યાનો વૃક્ષો અને વીથિઓ (vistas) તેમજ પક્ષીઓ અને વન્ય પ્રાણીઓ માટે પાંજરાઓ અને સુરક્ષિત વાડ ધરાવતા હતા. 1600થી સાર્વજનિક ઉદ્યાનો સુંદર લીલાંછમ સ્થળો (જ્યાં લોકો વિશ્રાંતિ અનુભવી શકે.) બની રહ્યા. મૂળભૂત રીતે આ ખુલ્લા વિસ્તારોમાં આવેલ વૃક્ષ-વીથિઓ અને ફુવારાઓ શહેરના આકર્ષણ-રૂપ બની ગયાં. 1650માં વૉક્સહૉલ, દક્ષિણ લંડનમાં આનંદ-પ્રમોદ માટેના ઉદ્યાનો બનાવવામાં આવ્યા હતા અને અમેરિકામાં ‘બૉસ્ટન કૉમન’ નામના સૌપ્રથમ સાર્વજનિક ઉદ્યાનનું નિર્માણ બૉસ્ટન, મૅસેચ્યુસેટ્સમાં 1664માં થયું. 18મી અને 19મી સદીઓમાં ઉદ્યાનો શહેરોની યાતાયાત (traffic) અને અવાજથી બચવા માટેનાં તેમજ શાંતિ મેળવવા માટેનાં સ્થાન બની રહ્યાં. 18મી સદીના પ્રસિદ્ધ ઉદ્યાનોમાં જહૉન નૅશ દ્વારા અભિકલ્પિત (designed) લંડનનો રિયૅજન્ટ્સ પાર્ક, ફ્રેડરિક લૉ ઓલ્મસ્ટેડ અને કૅલ્વર્ટ વૉક્સ દ્વારા અભિકલ્પિત ન્યૂયૉર્ક શહેરનો સેન્ટ્રલ પાર્ક અને મેલ્બૉર્નના રૉયલ બૉટેનિક ગાર્ડનનો સમાવેશ થાય છે.
લંડન તેના રૉયલ પાર્ક્સ, ગ્રીન પાર્ક, હાઇડ પાર્ક (જે સર્પેન્ટિનિન નામનું જાણીતું સરોવર પણ ધરાવે છે), કેન્સિંગ્ટન ગાર્ડન અને સેંટ જેમ્સના પાર્ક માટે વિખ્યાત છે.
ઉદ્યાનની રચનામાં ત્રણ મુખ્ય મુદ્દાઓ લક્ષમાં લેવામાં આવે છે :
(1) જમીન, પહાડ, પાણી, રેતી વગેરેનું સૌંદર્ય કે તેમની વિશિષ્ટતા અન્યત્ર ભાગ્યે જ જોવા મળે એવી હોય છે. તેથી તેમની રચનાને યથાવત્ સાચવી રાખવા માટે અમુક વિસ્તારને રક્ષિત કર્યો હોય છે. આ જાતના ઉદ્યાનોમાં ડેથવેલી નૅશનલ મૉન્યુમેન્ટ, કૅલિફૉર્નિયા અને નેવાડા (યુ.એસ.) જાણીતા ઉદ્યાન છે. કુદરતી રીતે ખડકો અને ખીણ અત્યંત આકર્ષક લાગે છે. લગભગ 200 ચોકિમી.ના વિસ્તારમાં તે પથરાયેલો છે. પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી નીચું બિંદુ આ પાર્કમાં આવેલું છે. તેના માટે રુક્ષ ભૂમિર્દશ્ય (harsh landscape) એવો અર્થસૂચક શબ્દપ્રયોગ કરવામાં આવેલ છે.
ન્યૂ મેક્સિકોમાં લગભગ 700 ચોકિમી.ના વિસ્તારમાં ફેલાયેલો વ્હાઇટ સૅન્ડ્સ નૅશનલ મૉન્યુમેન્ટ નામનો ઉદ્યાન છે. આ ઉદ્યાનનું રેતી અને ચિરોડી(gypsum)ના ઢગલાઓથી સૌંદર્યનિર્માણ થયેલું છે. અન્યથા તે રણ જેવો દેખાય છે. તેમાંના ચમકતી રેતીના ઢગલા અને એના કુદરતી ઢોળાવ ચિત્તને હર્યા વગર રહેતા નથી.
બ્રિટનના મોટાભાગના અને અમેરિકા તથા જાપાનના કેટલાક ઉદ્યાનો આ પ્રકારના છે.
(2) કુદરતી રીતે ઊછરેલી કે તેવી દેખાતી જે તે સ્થળની વનરાજિને, વિનાશ ન થાય તે માટે સાચવવી અથવા ઉગાડવી કે જેથી ભવિષ્યની પ્રજાને આવી વનરાજિનો પૂરો ખ્યાલ આવે. આવા પ્રયોજનથી તૈયાર થયેલા પાર્ક તે પાર્કનો આ બીજો પ્રકાર છે.
આવા ઉદ્યાનોમાં ઑર્ગન પાઇપ કૅક્ટસ નૅશનલ મૉન્યુમેન્ટ; જે યુ.એસ.માં એરિઝોના સ્ટેટમાં આવેલો છે તેને ગણાવી શકાય. તે લગભગ 1,300 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલો છે. આ ઉદ્યાનમાં થૉર અને બીજી એવી રણમાં થતી વનસ્પતિ ભરપૂર જોવા મળે છે. અહીં 15 મીટર ઊંચા થતા થૉર ધ્યાન ખેંચ્યા વગર રહેતા નથી. અહીં રણને અનુરૂપ કેટલાંક પક્ષીઓ અને પ્રાણીઓ પણ જોવાં મળે છે.
(3) કુદરતી વનરાજિમાં મળી આવતાં જંગલી પ્રાણીઓ અને પક્ષીઓની કુદરતી વાતાવરણમાં જ સંભાળ રાખવી તથા તેમની વસ્તી વધારી સ્થળને આકર્ષક બનાવવું એ પણ એક હેતુ કેટલાક ઉદ્યાનોની રચના પાછળ હોય છે.
ભારત અને આફ્રિકાના ઉદ્યાનો મહદ્અંશે આ હેતુથી બનાવેલા છે. ભારતમાં ગીર અભયારણ્ય/વેળાવદર કાળિયાર નૅશનલ પાર્ક, નળસરોવર/પક્ષી અભયારણ્ય વગેરેનો સમાવેશ આ વર્ગમાં કરી શકાય. તેમાં અનુક્રમે સિંહ, કાળિયાર તથા આંતરરાષ્ટ્રીય પક્ષીના સંરક્ષણ તથા સંવર્ધનનો મુખ્ય હેતુ જોવા મળે છે.
ઉપરના ત્રણ મુદ્દાઓ પૈકીના એક કે વધુ મુદ્દાઓને અનુલક્ષીને ઉદ્યાનોની રચના કરવામાં આવે છે. કોઈ ઉદ્યાન એવા હોય જે, રાષ્ટ્રની ર્દષ્ટિએ ભવિષ્યની પેઢી માટે ઉપયોગી લાગે ત્યારે એને જે તે રાષ્ટ્ર રાષ્ટ્રીય ઉદ્યાન (national park) તરીકે જાહેર કરે છે.
સ્વતંત્ર ભારતમાં આ માટેનો કાયદો ઈ.સ. 1972માં પસાર કરવામાં આવ્યો છે અને તે આધારે ઈ. સ. 1980 સુધીમાં 19 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 202 અભયારણ્યો જાહેર કરવામાં આવ્યાં છે. જોકે આની શરૂઆત તો છેક ઈ.સ. 1934થી થઈ ગણાય, કારણ કે ત્યારે ઉત્તરપ્રદેશમાં તે વખતના ગવર્નર સર માલકોમ હેઈલીના પ્રયત્નથી નૅશનલ પાર્ક માટેનો કાયદો ઘડી હેઈલી પાર્કની રચના કરવામાં આવી હતી.
આવા ઉદ્યાનો જ્યારે કોઈ ઐતિહાસિક સ્થળ કે બનાવોની સાથે સંકળાયેલા હોય છે ત્યારે એનું મહત્વ ઓર વધી જાય છે.
મુંબઈમાં બોરીવલી નજીક એક હજાર વર્ષથી પણ વધુ જૂની એવી કૃષ્ણગિરિ (કન્હેરી) ગુફાઓ સાથે સંકળાયેલો લગભગ 5,000 એકરના વિસ્તારવાળો કૃષ્ણગિરિ ઉદ્યાન, આવા પ્રકારનો ઉદ્યાન છે.
અબ્રાહમ લિંકનના જન્મસ્થળ સાથે સંકળાયેલો અબ્રાહમ લિંકન નૅશનલ હિસ્ટૉરિક પાર્ક (કેન્ટકી, યુ.એસ.) પણ આવા ઉદ્યાનો પૈકીનો એક ગણાવી શકાય. એનો વિસ્તાર લગભગ 100 એકર જેટલો છે.
ઉપર જણાવ્યા તેવા કોઈ પણ પ્રકારના ઉદ્યાનોનો માનવી વધારેમાં વધારે લાભ લઈ શકે તે માટે તેમાં હરવાફરવાના રસ્તા, વાહનો, રહેવા માટેની હોટલો વગેરે અને ભોમિયા કે પ્રવાસગોઠવણ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જ્યાં વન્ય પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન મુખ્ય હેતુ હોય છે ત્યાં એવા ઉદ્યાનનો અમુક જ ભાગ જાહેર જનતા માટે ખુલ્લો રાખવામાં આવે છે અને બાકીના ભાગમાં પ્રાણીઓ મુક્ત રીતે વિચરી શકે તેવી વ્યવસ્થા હોય છે.
સામાન્ય રીતે ઉદ્યાનો ઘણા મોટા વિસ્તારને આવરી લેતા હોય છે. તે એટલે સુધી કે ક્યારેક તે નજીક નજીકનાં બે કે વધુ રાજ્યમાં ફેલાયેલા હોય છે.
વિશ્વના ઉદ્યાનો : સૌપ્રથમ અમેરિકામાં આવેલો યલો સ્ટોન ઉદ્યાન ધ્યાન ખેંચે છે. ઈ.સ. 1872માં સ્થપાયેલો અને વિશ્વનો પ્રથમ આ રાષ્ટ્રીય ઉદ્યાન ઇડાહો, મોન્ટાના અને વાયોમિંગ નામનાં ત્રણ રાજ્યોમાં ફેલાયેલો છે. એનો વિસ્તાર લગભગ 22 લાખ એકર એટલે કે આશરે 8,900 ચોકિમી.નો છે. યલો સ્ટોન નામની નદી પર્વતાળ પ્રદેશમાંથી પસાર થતાં જે ર્દશ્ય રચે છે તે અદભુત છે. ખાસ કરીને એમાં આવેલા ઊના પાણીના ઝરા અને ફુવારા, ગંધક-તળાવ, શાંત થયેલો જ્વાળામુખી, અનેક જાતની વનરાજિઓ અને જાતજાતનાં વન્ય પશુ-પક્ષી તેનાં મુખ્ય આકર્ષણો છે.
યુ.એસ.માં કૅલિફૉર્નિયામાં આવેલ ‘રેડવૂડ નૅશનલ પાર્ક’ 440 ચોકિમી.માં ફેલાયેલો છે. દરિયાકિનારે આવેલા આ ઉદ્યાનમાં મોટી મોટી ભેખડો અને ખડકો ધ્યાન ખેંચ્યા વગર રહેતાં નથી. એનું ખરું આકર્ષણ તો રેડવૂડનાં તોતિંગ વૃક્ષો (sequoia sempervirens) છે. દુનિયાનાં સૌથી ઊંચાં વૃક્ષો લગભગ 112 મીટરનાં – અહીં જોવા મળે છે. એના થડનો વ્યાસ પાંચેક મીટર જેટલો હોય છે. એની ઉંમર 3થી 4 હજાર વર્ષની આંકવામાં આવે છે. વળી આ ઉદ્યાનમાં રુઝવેલ્ટ એલ્ડ નામના પશુની ખાસ જાત છે, જે વિશ્વમાં અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે.
યુ.એસ.ના અલાસ્કા ટાપુમાં આવેલ માઉન્ટ મેકીન્લી નૅશનલ પાર્ક દુનિયાનો સૌથી વધુ ઊંચાઈએ (આશરે 4,000 મી.) આવેલો ઉદ્યાન છે. આ ઉદ્યાનમાં હિમનદ (glacier) ખૂબ જ આકર્ષક અને રમણીય ર્દશ્ય ઊભું કરે છે.
યુ.એસ.ના એરીઝોના સ્ટેટમાં ગ્રાન્ડ કૅન્યન નૅશનલ પાર્કમાં કોલારાડો નદીએ પર્વતને કોરીને પોતાનો માર્ગ બનાવ્યો છે, જેને લીધે કોઈ કોઈ ઠેકાણે એકાદ માઈલ ઊંચી પર્વતની ભેખડો સર્જાઈ છે. આ પર્વતો જાતજાતનાં ખનિજોને લીધે રંગબેરંગી દેખાવાથી ચિત્તાકર્ષક છે.
કૅનેડામાં સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બફ નૅશનલ પાર્ક ઈ.સ. 1885માં અસ્તિત્વમાં આવ્યો. એનો વિસ્તાર લગભગ 6,600 ચોકિમી. છે. એ ઊના પાણીના ઝરા માટે જાણીતો છે.
મેક્સિકોમાં આવેલો કેરીસ્બાડ કેવર્ન્સ નૅશનલ પાર્ક, જે લગભગ 190 ચોકિમી.માં પથરાયેલો છે તે વળી બીજી જ વિશિષ્ટતા ધરાવે છે. તેમાં મોટા પ્રમાણમાં નાની-મોટી ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાંથી સાંજના સમયે લાખોની સંખ્યામાં ચામાચીડિયાં ઊડે છે અને સવારે પાછાં ફરે છે. એ દેખાવ તો ફક્ત કલ્પવો જ રહ્યો !
આ સિવાય અમેરિકામાં બ્રાઝિલ, ચીલી, વેનેઝુએલા, પેરુ વગેરે દેશોમાં પણ ઘણા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.
લગભગ 19 હજાર ચોકિમી.માં પથરાયેલો ક્રુગર નૅશનલ પાર્ક ટ્રાન્સવાલમાં આવેલો છે અને તે સફેદ ગેંડા તથા અન્ય ઘણી જાતનાં વન્ય પ્રાણીઓ માટે જાણીતો છે.
ઇથિયોપિયાનો અવાશ નૅશનલ પાર્ક (700 ચોકિમી.), બોટ્સ્વાનાનો ચોબે નૅશનલ પાર્ક (10,000 ચોકિમી.), મોઝામ્બિકનાં ગોરાંગોસા નૅશનલ પાર્ક (3,700 ચોકિમી.), યુગાન્ડાનો કેબેલેગા નૅશનલ પાર્ક (3,800 ચોકિમી.), ઝામ્બિયાનો કેફ્યુ નૅશનલ પાર્ક (22,000 ચોકિમી.), દક્ષિણ આફ્રિકાનો કલહરી જેમ્સબોક નૅશનલ પાર્ક (9,500 ચોકિમી.) અને આફ્રિકાના બીજા ઘણા પાર્ક ગેંડા (રહાઇનૉસરસ), હાથી, હિપોપૉટેમસ, સિંહ વગેરે વન્ય પ્રાણીઓ માટે જાણીતા છે.
એશિયાખંડમાં ભારત, જાપાન, તુર્કસ્તાન, થાઇલૅન્ડ, સોવિયેત યુનિયન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં સંખ્યાબંધ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.
ભારતમાં ઉત્તરપ્રદેશમાં આવેલો કૉર્બેટ નૅશનલ પાર્ક વાઘની જાતો માટે, ગુજરાતમાં ગીર નૅશનલ પાર્ક સિંહો માટે, આસામનો નૅશનલ પાર્ક ગેંડા માટે તથા માઇસોરનો નૅશનલ પાર્ક જંગલી હાથીઓ માટે જાણીતો છે. કેરળમાં આવેલ પેરિયાર પાર્ક પેરિયાર સરોવરની ફરતે આવેલો છે. તે એક હજાર મીટર ઊંચાઈએ આવેલો છે અને તેમાં હાથી, વાઘ, ચિત્તા વગેરે જોવા મળે છે. સરોવરને કાંઠે પ્રવાસીઓને રહેવા માટે હોટલ વગેરેની પણ સગવડ છે.
જાપાનના ડેઝેટ્સુઝન નૅશનલ પાર્ક (2,300 ચોકિમી.) અને ફ્યુઝી-હેકોનઇઝુ નૅશનલ પાર્ક (1,200 ચોકિમી.) એ જ્વાળામુખી પર્વતોની ટોચ માટે જાણીતા છે.
થાઇલૅન્ડનો ખાઓ આઈ નૅશનલ પાર્ક (2,000 ચોકિમી.) વાઘ, હાથી વગેરે વન્ય પ્રાણીઓ તથા પાણીના અસંખ્ય નાના-મોટા ધોધ માટે જાણીતો છે.
સોવિયેત યુનિયનનો બેલોવેઝસ્કાય પુશા પાર્ક (800 ચોકિમી.) ઘણાં જૂનાં-સેંકડો વર્ષની ઉંમર ધરાવતાં વૃક્ષો માટે જાણીતો છે.
યુરોપમાં ઇંગ્લૅન્ડ, સ્વીડન, ઇટાલી, પોલૅન્ડ, ડેન્માર્ક, ઑસ્ટ્રિયા, જર્મની, યુગોસ્લાવિયા, ફ્રાન્સ, નૉર્વે, સ્પેન વગેરે દેશોમાં પણ રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે.
ઇંગ્લૅન્ડનો લેક ડિસ્ટ્રિક્ટ નૅશનલ પાર્ક (2,200 ચોકિમી.) પર્વતીય સૌંદર્ય તથા ઇંગ્લૅન્ડના સૌથી મોટા સરોવર માટે જાણીતો છે.
ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ વગેરે દેશોમાં પણ ઘણા નૅશનલ પાર્ક વિકસવા લાગ્યા છે. આમાં ન્યૂઝીલૅન્ડના માઉન્ટ એસ્પિરિંગ નૅશનલ પાર્ક (2,800 ચોકિમી.) અને માઉન્ટ કુક નૅશનલ પાર્ક (700 ચોકિમી.) હિમનદ તથા ઊંચાં પર્વતીય શિખરો માટે જાણીતા છે. ઑસ્ટ્રેલિયાનો ઉલુરૂ નૅશનલ પાર્ક (1,200 ચોકિમી.) સૅન્ડસ્ટોન પથ્થરના મોટા મોટા ખડકો અને કાંગારુ પ્રાણી માટે જાણીતો છે.
ઉદ્યાનોની સાચવણી, તેમના પ્રશ્નો અને તેમનો વિકાસ : ઉદ્યાનોમાં પ્રેક્ષકોને છૂટથી હરવાફરવા દેવામાં આવે છે, જેથી વધારેમાં વધારે લોકો આ કુદરતી સૌંદર્યનો લાભ લઈ શકે. આ માટે રસ્તાઓ, હોટલો, વિશ્રાંતિસ્થાનો, માહિતીપત્રો, પ્રચાર, ભોમિયા, પ્રવાસો વગેરેની વ્યવસ્થા કરવા પ્રયત્ન કરવામાં આવે છે. મોસમી આકર્ષણો માટે વર્તમાનપત્રો, રેડિયો, ટી.વી. વગેરે દ્વારા જનતાનું ધ્યાન દોરવામાં આવે છે.
આવા પ્રવાસીઓ તેમજ પાર્કમાં રહેતા આદિવાસી લોકો દ્વારા ઉદ્યાનના સૌંદર્યને, વનસ્પતિને કે પ્રાણીઓને કોઈ નુકસાન ન પહોંચે તે માટે વ્યવસ્થાપકોએ ખૂબ ચાંપતી નજર રાખવી પડે છે.
જ્યાં પ્રાણીઓ, પક્ષીઓ વગેરે હોય છે ત્યાં એનો કોઈ શિકાર ન કરે અથવા મનુષ્યોની અવરજવરથી તે બહુ દૂર ન જતાં રહે તે માટે પ્રવાસીઓના હરવાફરવા ઉપર મર્યાદા મૂકવી જરૂરી બને છે. જ્યાં કુદરતી સંવર્ધન માટે એકાંતની જરૂર હોય ત્યાં અમુક ચોક્કસ વિસ્તારમાં પ્રવાસીઓને પ્રવેશવાની મનાઈ હોય છે.
પ્રવાસીઓ હિંસક પશુઓનો ભોગ ન બને તે માટે પણ જરૂરી માર્ગદર્શન, ભોમિયા, રક્ષક, વગેરેની વ્યવસ્થા પણ રખાય છે.
કેટલીક જગ્યાએ વન્ય હિંસક પ્રાણીઓ આજુબાજુમાં વસવાટવાળાં ગામોમાં જઈને ત્રાસ ફેલાવે છે અને અમુક પ્રાણીઓ ખેતીના પાકને નુકસાન કરે છે ત્યારે સ્થાનિક પ્રજાનો સાથ જતો રહે છે. આ માટે વ્યવસ્થાપકોએ અમુક ‘બફર’ વિસ્તાર જાહેર કરીને કે આડશો ઊભી કરીને આ પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે.
ઉદ્યાનો શિક્ષણ અને સંશોધન માટે ખૂબ ઉપયોગી છે.
ઉદ્યાનો હવે ફક્ત મોજશોખ કે માત્ર આનંદપ્રમોદનાં સાધન રહ્યા નથી, પરંતુ એ રાષ્ટ્રની એક મહામૂલી મિલકત ગણાય છે. સમસ્ત વિશ્વની ર્દષ્ટિએ જોઈએ તો છેલ્લા એક સૈકામાં નહિ નહિ તોય બે હજાર જેટલા ઉદ્યાનો અસ્તિત્વમાં આવ્યા છે. ભવિષ્યમાં પણ જેમ જેમ શહેરીકરણ વધતું જશે તેમ તેમ ઉદ્યાનોની સંખ્યા વધતી જ જવાની. આ માટે પોતપોતાની ભૌગોલિક પરિસ્થિતિને લક્ષમાં રાખીને જરૂરી તાલીમ પામેલો વ્યવસ્થાપક વર્ગ ઊભો કરવાની વ્યવસ્થા અમુક પ્રગતિશીલ દેશોમાં શરૂ થઈ ગઈ છે.
મ. ઝ. શાહ