ઉથુપ, ઉષા (જ. 7 નવેમ્બર 1947, મુંબઈ) : જાણીતાં પૉપ ગાયિકા. મુંબઈના તમિળવાસી મધ્યમવર્ગ પરિવારમાં ઉછેર. જન્મથી દક્ષિણ ભારતીય હોવા છતાં બાળપણ મુંબઈમાં વીતેલું હોવાથી નાનપણથી જ પશ્ચિમના પૉપશૈલીના સંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતના સીધા સંપર્કમાં આવ્યાં. મુંબઈની કૅથલિક કૉન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને ખ્રિસ્તી યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. વીસ વર્ષની ઉમરે (1968માં) આકસ્મિક રીતે પશ્ચિમી સંગીત ગાવાની શરૂઆત કરી. મર્દાના ઘોઘરા અવાજે પૉપ શૈલીની સંગીતની દુનિયામાં તેમને ત્વરિત પ્રશંસાના શિખર પર પહોંચાડી દીધાં. ચેન્નાઈની એક રેસ્ટોરાંમાં પ્રથમ વાર પશ્ચિમી ધૂનો વગાડતા બૅન્ડ સાથે ગાવાની પ્રથમ તક મળી અને ત્યારબાદ વારંવાર તેમને ગાવા માટેનાં આમંત્રણો મળતાં જ રહ્યાં. ચેન્નાઈ ઉપરાંત મુંબઈ અને કૉલકાતાનાં નામાંકિત રેસ્ટોરાંમાં પણ ગાવાની તકો ઝડપી લીધી. કૉલકાતામાં તેમને જે પ્રતિસાદ મળ્યો તે જોઈને તેમણે તે શહેરમાં જ વસવાટ કરવાનું નક્કી કર્યું.
1969માં ભારતીય ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે દાખલ થયાં. દેવ આનંદ દ્વારા નિર્મિત ‘હરે રામ હરે કૃષ્ણ’ એ તેમનું પાર્શ્વગાયિકા તરીકે ચલચિત્ર જગતમાં પ્રથમ સોપાન હતું, જે ખૂબ લોકપ્રિય બન્યું. તે જ વર્ષે તેમના પતિની કૉલકાતાથી કોચી ખાતે બદલી થતાં ત્યારપછીનાં બે વર્ષ પરિવારની સંભાળમાં વિતાવ્યાં. 1971માં કૉલકાતા પાછાં આવ્યાં અને સંગીતનું પોતાનું જૂથ ઊભું કર્યું. ઉપરાંત ત્યાં એક રેકૉર્ડિંગ સ્ટુડિયો પણ શરૂ કર્યો. આજે તો અસમિયા, ખાસી, મણિપુરી તથા ઉત્તર પૂર્વની અન્ય ભાષાઓનાં ગીતોના રેકૉર્ડિંગમાં તેઓ ઇજારો ધરાવે છે. બંગાળી ભાષામાં ગીતોના રેકૉર્ડિંગમાં પણ તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી છે.
‘ઉષા ઉથુપ શોઝ’ શીર્ષક હેઠળના દૂરદર્શન પરના તેમના કાર્યક્રમોમાં તે જાણીતા સંગીતકારોને દર્શકો સામે રજૂ કરે છે જેને કારણે તથા તે પૂર્વે ‘પૉપ ટાઇમ’ શીર્ષક હેઠળના કાર્યક્રમો દ્વારા પણ તેમણે સારી પ્રતિષ્ઠા હાંસલ કરી હતી.
તેમની બે મોટી બહેનો ઉમા અને ઇન્દિરા પણ પૉપ શૈલીની ગાયિકાઓમાં અગ્રસ્થાન ધરાવે છે.
તેઓને ભારત સરકારે પદ્મશ્રી (2011) અને પદ્મભૂષણ (2024)થી સન્માનિત કર્યા છે.
અમિતાભ મડિયા