ઉત્પાદકતા (અર્થશાસ્ત્ર)

January, 2004

ઉત્પાદકતા (અર્થશાસ્ત્ર) : ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવાતાં જુદાં જુદાં સાધનોનો જથ્થો અને તેના વડે પ્રાપ્ત થતા ઉત્પાદન વચ્ચેનું પ્રમાણ. આમ ઉત્પાદકતા એ ઉત્પાદનનાં સાધનો (inputs) અને ઉત્પાદિત જથ્થા(outputs)નો ગુણોત્તર છે. ઉત્પાદનનાં સાધનોના એકમદીઠ પ્રાપ્ત થતો ઉત્પાદનનો જથ્થો જે તે સાધન-એકમની ઉત્પાદકતા દર્શાવે છે. આ સાધનોમાં જમીન, શ્રમ અને મૂડીસાધનો અથવા તો સામાન્ય રીતે બને છે તેમ આ બધાંનો સંયોગ ધ્યાનમાં લેવામાં આવે છે. તેની વ્યાખ્યામાં સઘળાં સાધનોનો સમાવેશ કરવાથી ‘ઉત્પાદકતા’ના ખ્યાલનો વિશાળ અર્થમાં ઉપયોગ કરી શકાય છે.

‘ઉત્પાદકતા’ના ખ્યાલનો સૌથી પ્રથમ વાર ઉપયોગ અર્થશાસ્ત્રી કવેસનીએ 1776માં કર્યો હતો. શરૂઆતમાં તે એક વાર્ષિક ખ્યાલ હતો, પરંતુ હવે વૈજ્ઞાનિક સંચાલન માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

ઉત્પાદકતા એ ઉત્પાદનનાં સાધનોની કાર્યક્ષમતાનું માપ છે. આ બાબત સૂત્ર વડે રજૂ કરતી વેળાએ ઉત્પાદનને અંશ અને ઉત્પાદનનાં સાધનોને છેદના સ્વરૂપે દર્શાવવામાં આવે છે; દા. ત.,  જ્યાં PL = શ્રમની ઉત્પાદકતા (producitvity of labour), Q = ઉત્પાદનનો જથ્થો (quantity produced) અને L = ઉપયોગમાં લેવામાં આવેલા શ્રમના એકમો (units of labour employed) છે. એ જ પદ્ધતિથી ખેતીના ક્ષેત્રે જમીનની અને ઉદ્યોગોના ક્ષેત્રે મૂડીની ઉત્પાદકતા માપી શકાય. દુનિયાના દેશોમાં ઉત્પાદનવૃદ્ધિ દ્વારા જે આર્થિક વિકાસ સધાયો છે તેમાં ઉત્પાદકતાની વૃદ્ધિએ મોટો ફાળો આપ્યો છે. અમેરિકા અને નૉર્વે જેવા વિકસિત દેશોમાં લાંબા ગાળા દરમિયાન જે માથાદીઠ ઉત્પાદનવૃદ્ધિ થઈ છે તેમાં ઉત્પાદકતાની વૃદ્ધિનો હિસ્સો 85 ટકાથી અધિક હોવાનો અંદાજ છે. આ ઉત્પાદકતાની વૃદ્ધિના બે મુખ્ય સ્રોતો છે. એક, શ્રમિકોમાં શિક્ષણ વધવાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થયો. બીજું, અર્થશાસ્ત્રમાં જેને મોટા પાયા પરના ઉત્પાદનના લાભ અથવા કદવિસ્તારના લાભ કહેવામાં આવે છે તેણે સાધનોની ઉત્પાદકતા વધારવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

ભારતના સંદર્ભમાં ઉત્પાદકતાની વૃદ્ધિનું મહત્વ ખેતીના ક્ષેત્રે જોઈ શકાય છે. ભારતમાં હવે વાવેતર નીચેની જમીનમાં નોંધપાત્ર વધારો થઈ શકે તેમ નથી. બીજી બાજુ વધતી જતી વસ્તી અને અન્ય કારણોથી અનાજ સહિતની કૃષિપેદાશો માટેની માંગ વધતી જાય છે. આ સ્થિતિમાં વાવેતર નીચેની જમીનના યથાવત્ ‘જથ્થા’ દ્વારા વધુ ઉત્પાદન મેળવવા માટે બે માર્ગો છે. એક, વાવેતર નીચેની જમીનમાંથી હેક્ટરદીઠ વધુ ઉત્પાદન મેળવવું, એટલે કે જમીનની ઉત્પાદકતામાં વધારો કરવો અને બીજું, એ જ જમીન પર વર્ષમાં એકથી વધુ વખત પાક લેવા. આ માટે સિંચાઈની વ્યવસ્થા કરવી પડે. ભારતમાં આ બંને માર્ગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં હેક્ટરદીઠ ઉત્પાદનમાં જે વધારો થયો છે તેની નોંધ લેવા જેવી છે. દેશમાં 1960-61માં અનાજનું હેક્ટરદીઠ ઉત્પાદન 710 કિગ્રા. થયું હતું, જે વધીને 1999-2000માં 1,697 કિગ્રા. થયું. એ જ સમયગાળામાં તેલીબિયાંનું હેક્ટરદીઠ ઉત્પાદન 507 કિગ્રા.થી વધીને 846 કિગ્રા. થયું. ભારત અને ચીન જેવા અનેક વિકાસશીલ દેશોમાં ખેતપેદાશોના ઉત્પાદનમાં મોટો વધારો કરવાનો આ એકમાત્ર માર્ગ છે.

શિરીષભાઈ શાહ

બાળકૃષ્ણ માધવરાવ મૂળે