ઉત્તર સમુદ્ર

January, 2024

ઉત્તર સમુદ્ર : બેલ્જિયમ, નેધરલૅન્ડ, જર્મની, ડેન્માર્ક, સ્વીડન તથા નૉર્વેથી ઇંગ્લૅન્ડને અલગ પાડતો દરિયાઈ જળપ્રદેશ. બ્રિટન તથા યુરોપખંડના અન્ય દેશો વચ્ચે આવેલ ઉત્તર આટલાંટિક મહાસાગરનો તે ફાંટો છે. ભૌગોલિક સ્થાન : આશરે 51oથી 60o ઉ. અ. તથા 5o પ. રે. થી 10o પૂ. રે. વચ્ચેનો જળવિસ્તાર. 250 લાખ વર્ષ પહેલાં ત્યાં સૂકા પ્રદેશના વિશાળ મેદાની વિસ્તાર હતા. હાલનો સાગરકિનારો ઈ. પૂ. આશરે 1,000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો હોય તેવી શક્યતા છે. તેની ઉત્તરમાં શેટલૅન્ડ ટાપુઓની સરહદ, પશ્ચિમમાં ઇંગ્લૅન્ડ તથા ઑર્કની (Orkney) દ્વીપો, પૂર્વમાં નૉર્વે તથા ડેન્માર્ક અને દક્ષિણમાં ફ્રાન્સ, બેલ્જિયમ, હોલૅન્ડ તથા પશ્ચિમ જર્મની આવેલાં છે. તેનો કુલ વિસ્તાર 5,70,000 કિમી. જેટલો છે. તેની સરેરાશ ઊંડાઈ 55 મીટર છે, છતાં તેની વધુમાં વધુ ઊંડાઈ 660 મીટર જેટલી નોંધાયેલી છે. મોટાભાગના વિસ્તારમાં છીછરી ઊંડાઈને લીધે આ દરિયો તોફાની ગણાય છે. અવારનવાર તોફાનો આવવાની ત્યાં શક્યતા હોય છે. ઇંગ્લૅન્ડની ખાડી તથા ઉત્તર આટલાંટિક કરતાં ઉત્તર સમુદ્રની સર્વસામાન્ય ખારાશ પ્રમાણમાં ઓછી છે, જેના માટે બાલ્ટિક સમુદ્રમાંથી તેમાં પ્રવેશતાં પાણીની ઓછી ખારાશ તથા ટેમ્સ, ર્હાઇન અને એલ્બ નદીઓમાંના શુદ્ધ પાણીનો તેમાં દાખલ થતો પ્રવાહ જવાબદાર છે. ઇંગ્લૅન્ડ તથા યુરોપના કેટલાક દેશો માટે ઉત્તર સમુદ્ર આર્થિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. વિશ્વના મત્સ્યઉદ્યોગમાં આ જળપ્રદેશનો ફાળો 5 ટકા જેટલો છે. ઉપરાંત 1959થી પ્રાપ્ત થતા ખનિજ-તેલ તથા પ્રાકૃતિક વાયુના ભંડારોનો લાભ ઇંગ્લૅન્ડ તથા હોલૅન્ડને મળ્યો છે. 1971થી ત્યાં તેલક્ષેત્રનું ઉત્પાદન શરૂ થયું હતું. અહીં 300 જેટલા ખનિજ-તેલના કૂવા છે. 1995માં ઉ. સમુદ્રની આજુબાજુ આશરે 16.4 કરોડ લોકો વસતા હતા. તેમજ ત્યાં દર વર્ષે 5 કરોડ લોકોની અવરજવર રહેતી હતી. અહીં 4 લાખ જેટલાં જહાજોની અવરજવર રહે છે, જેને કારણે વાર્ષિક 150 જેટલા અકસ્માતો સર્જાય છે. 1987માં બ્રિટને 47,000 ટનથી વધુ ઔદ્યોગિક કચરો આ સમુદ્રમાં ઠાલવ્યો હતો. બ્રિટને 1994માં સ્વીકાર્યું હતું કે 1998 સુધીમાં આવો કચરો નાખવાનું બંધ કરશે. આ ઉપરાંત આ સમુદ્રમાંના કિરણોત્સર્ગી સમસ્થાનિકો, હવાને દૂષિત કરતા નાઇટ્રોજન અને હાઇડ્રોકાર્બન વાયુઓની આ સમુદ્રમાં થતી ભેળવણી માટે બ્રિટનને દોષિત ઠરાવાયું હતું. 1991માં ઉત્તર સમુદ્રમાં 20 લાખ ટનથી વધુ પ્રવાહીમય રાસાયણિક કચરો ઠલવાયો હતો. પરિણામે પ્રદૂષણની અસરો આ સમુદ્રના પૂર્વ કાંઠે વધુમાં વધુ થઈ છે. વળી આ સમુદ્ર તૈલી પદાર્થોની તેમજ કૅડમિયમ જેવી વિષાળુ ધાતુઓની તથા ટ્રાયબુટાઇલ ટિન અને પૉલિક્લૉરિનેટેડ બાયફિનાઇલ જેવાં રસાયણોથી વધુમાં વધુ પ્રદૂષિત થયેલો છે. આ ઉપરાંત વધુ પડતી મત્સ્યપ્રવૃત્તિ પણ સમસ્યારૂપ રહી છે. તેથી આ સમુદ્રની બાકીની માછલીઓ વિરૂપ અથવા રોગિષ્ઠ થઈ છે.

નીતિન કોઠારી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે