ઉત્તરરામચરિત : ‘उतरे रामचरिते भवभूतिर्विशिष्यते’ ઉક્તિને સર્વથા સાર્થક કર્યાની પ્રતીતિ આપતી ભવભૂતિ(આઠમી સદી)ની નાટ્યકૃતિ. અસામાન્ય નાટ્યસિદ્ધિ અને કાવ્યસિદ્ધિને કારણે વિદ્વાનો આને કવિની અંતિમ કૃતિ માને છે. તેમની અન્ય બે કૃતિઓ છે – સાત અંકની, નાટકપ્રકારની, વીરરસપ્રધાન ‘મહાવીરચરિત’ અને દસ અંકની, પ્રકરણ પ્રકારની શૃંગારરસપ્રધાન ‘માલતીમાધવ’. સાત અંકનું નાટક ‘ઉત્તરરામચરિત’ રામના રાજ્યાભિષેક પછીની ઘટનાઓ પર આધારિત છે, તે મુજબનું શીર્ષક છે. કથાવસ્તુ આ છે : રામની માતાઓ દેવી શાન્તા અને લોમપાદના યજ્ઞમાં ઋષ્યશૃંગ ગયા છે. સીતા અગ્નિપરીક્ષામાંથી પાર ઊતરી છે તે છતાં અયોધ્યામાં તેની નિન્દાની લોકવાયકા પ્રસરી છે. આ ભૂમિકા સાથે આલેખ્ય દર્શન ઊઘડે છે. લક્ષ્મણ રામના જીવનની ઘટનાઓનાં ચિત્રો દાખવે છે તે દરમિયાન પ્રતીતિ થાય છે કે સીતાના હૃદયમાં અગ્નિપરીક્ષા બાબત ઊંડી વ્યથા છે અને તે ભૂંસી નાખવા રામ સતત પ્રયત્નરત છે. આ છતાં પ્રજાપાલનતત્પર રામ લોકારાધન માટે સીતાને છોડવા પણ તૈયાર છે. થાકેલાં સીતા રામબાહુનો ટેકો લઈ નિદ્રાધીન થાય છે, ત્યાં જ ગુપ્તચર દુર્મુખ આવે છે, રામના કાનમાં કંઈક કહે છે. ઘેરો આઘાત પામી રામ સીતાને સુવાડીને ઊભા થાય છે. રાજા રામ લક્ષ્મણને આદેશ મોકલે છે. (પ્રથમાંક).
રામે સીતાત્યાગ કર્યો, બાર વર્ષ વીત્યાં. તે દરમિયાન માતાઓ વધૂવિરહિત અયોધ્યામાં પાછી ફરી નથી; સીતાના બે પુત્રો વાલ્મીકિના આશ્રમમાં ઊછરે છે અને સીતા પૃથ્વીમાતા પાસે વસે છે, રામ અયોધ્યામાં એકલાઅટૂલા છે. દંડકવનમાં તપ કરતા શૂદ્રમુનિનો બ્રાહ્મણપુત્રને ખાતર રામ વધ કરે છે. દિવ્યપુરુષ બની ગયેલા શમ્બૂક સાથે વનવિહાર કરતાં રામ દંડકવર્ણન કરે છે. (દ્વિતીયાંક).
જૂનાં સંસ્મરણો તાજાં થાય છે. આ સ્થિતિમાં વિરહવ્યાકુલ રામ ભાંગી ન પડે તે માટે બે મૂર્તિમંત નદીઓની સાથે સીતાને ગંગા-પૃથ્વીએ મોકલી છે. અર્દશ્યરૂપે ‘કરુણની સાક્ષાત્ મૂર્તિ, શરીરધારિણી વિરહવ્યથા’ સીતા વિલાપ કરતા રામને પોતાના સ્નેહાળ સ્પર્શથી આશ્વાસે છે. રામને આ ‘સંજીવન ઔષધિરસ’ ક્યાંથી, એ સમજાતું નથી. વનદેવતા વાસંતી વિલાપ કરે છે. રામને ઠપકો આપે છે. રામની વ્યથા સીતાના હૃદયને સ્પર્શી જાય છે. તેના હૃદયમાંથી ‘પરિત્યાગ-લજ્જાનું શલ્ય’ ઊખડી જાય છે. રામનો વિપ્રલંભશૃંગાર અને કરુણ આમ વિજયી બને છે. (તૃતીયાંક).
રામે સીતાનો ત્યાગ કર્યો તેથી જનકવિદેહ પણ વ્યથાગ્રસ્ત છે. માતા કૌશલ્યાની વેદના અકથ્ય છે. બંનેના મિલન સાથે આશ્રમમાં લવકુશનો પરિચય થાય છે. રામનો અશ્વમેધનો ઘોડો લવ-કુશ બાંધે છે. (ચતુર્થાંક).
યુદ્ધનું ર્દશ્ય, રામાગમન, લવ-કુશ અને રામ સામસામા. રામના હૃદયમાંથી વાત્સલ્યનાં ઝરણાં ફૂટે છે, ભાઈઓ તેમને જોઈ પ્રસન્ન થાય છે. (પંચમાંક – ષષ્ઠાંક).
રામાયણનો અપ્રગટ ભાગ નાટ્યરૂપે રજૂ થાય છે. પરિત્યાગ પછીનું સીતાનું જીવન સમગ્ર જગત પ્રત્યક્ષ કરે છે. રામસીતાના વિશ્વવ્યાપી અનન્ય પ્રેમથી પ્રભાવિત પ્રજાના પ્રતિનિધિઓની અનુમતિથી રામ સીતાનો સ્વીકાર કરે છે. (સપ્તમાંક).
નાટ્યસ્વરૂપ અને તેની રસસિદ્ધિ માટે રામાયણકથામાં ભવભૂતિ આટલાં અગત્યનાં અને કલાર્દષ્ટિએ સમુચિત પરિવર્તનો કરે છે : આલેખ્ય દર્શનનો પ્રસંગ, છાયા-સીતાનું ર્દશ્ય અને તૃતીયાંકની ઘટનાઓ સર્વથા કવિકલ્પિત છે, કથા તથા રસર્દષ્ટિએ અનિવાર્ય છે. આવું જ છે જનક, કૌશલ્યા, વાસંતી, પૃથ્વી વગેરેની વ્યથાનું પણ. ‘રાજધર્મ વિરુદ્ધ પ્રેમધર્મ’ એ આ કૃતિનો પાયો છે. વળી સીતાત્યાગ પૂર્વે અને વિરહનાં વર્ષોમાં રામને એકલા પાડી દીધા છે તે અગત્યનું પરિવર્તન છે. પૃથ્વી તથા ગંગા દ્વારા સીતાનું સંરક્ષણ, ગર્ભાંક નાટક, યુદ્ધવર્ણન, રામ-સીતાના પ્રેમની વિશ્વવ્યાપિતા અને તેમનું પુનર્મિલન વગેરે કલાત્મક, કાવ્યાત્મક, નાટ્યાત્મક અને મનોવૈજ્ઞાનિક પ્રસંગોની યોજના પણ અનોખી છે.
નાટકનો મુખ્ય રસ નાટ્યર્દષ્ટિએ વિપ્રલંભ શૃંગાર અને કલાર્દષ્ટિએ કરુણ છે. બંને પૂરી કલાત્મકતા સાથે કવિએ ખીલવ્યા છે. રામાયણના કરુણાન્તને સ્થાને આ કૃતિનો સુખાન્ત કવિપ્રતિભાની ઉત્કૃષ્ટ સિદ્ધિનું પરિણામ છે. નાટકનો કેન્દ્રગત ભાવ નાટ્યસંઘર્ષ અને વસ્તુ-વિકાસમાં એકરૂપ, એકરસ થઈ જાય, અનોખી જીવંતતાનો અનુભવ કરાવે છે અને રસનિષ્પત્તિ સતત જામતી રહે તેનો કવિએ પૂરો ખ્યાલ આપ્યો છે.
‘દેવતા, અમૃતા અને આત્માની કલા’ એટલે કવિતા એ કવિએ આ નાટકમાં સર્વથા ચરિતાર્થ કરેલી કાવ્યવ્યાખ્યા છે. આથી જ કાલિદાસની કવિ તથા નાટકકાર તરીકેની સિદ્ધિ ઓછી ન આંકવા છતાં કેટલાક રસાસ્વાદક વિદ્વાનો આ નાટકમાં ભવભૂતિની સિદ્ધિને ઉચ્ચતર માને છે. અવિસ્મરણીય સંઘર્ષસભર કથા, હૃદયસ્પર્શી ભાવનિરૂપણ, અનુપમ કાવ્યસિદ્ધિ અને પરિણતપ્રજ્ઞ નાટ્યસિદ્ધિથી આ નાટકનું વાચન અને રંગભૂમિદર્શન એક અણમોલ અનુભવ બની રહે છે.
રમેશ બેટાઈ