ઉત્તરકુરુ પ્રદેશ : વેદમાં નિર્દિષ્ટ પ્રદેશ. તેનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ 8-14-4માં આવે છે. તેમાં તેને હિમાલયની પેલી પાર આવેલા પ્રદેશ તરીકે ઓળખાવાયો છે. પછીના ઇતિહાસ, પુરાણો તથા બીજાં સાહિત્યમાં ઉત્તરકુરુ અને ત્યાંના રહેવાસીઓ-ઉત્તરકુરુ-નું વર્ણન પુરાકલ્પનવાળું લાગે છે, પરંતુ ઐતરેય બ્રાહ્મણમાં ઉત્તરકુરુ ઐતિહાસિક લાગે છે. એક બીજા ખંડમાં વસિષ્ઠસાત્યહવ્યે ઉત્તરકુરુને ‘દેવક્ષેત્ર’ તરીકે વર્ણવ્યું છે; પરંતુ જાનંતપિ અત્યરાતિ તેને જીતી લેવા આતુર હતો, એવું પણ વર્ણન આવે છે. એટલે અહીં પણ તે સંપૂર્ણપણે પુરાકલ્પનયુક્ત નથી. ફાધર ઝિમરમૅન અને પ્રા. ગજેન્દ્રગડકર જેવા વિદ્વાનોને લાગે છે કે ઉત્તરકુરુ એટલે કાશ્મીર હશે. ઉત્તરકુરુઓ કાશ્મીરમાં રહેતા હશે અને ત્યાંથી તેઓ કુરુક્ષેત્રમાં ઊતરી આવ્યા હશે.
એક વર્ણન પ્રમાણે ઉત્તરકુરુ ગઢવાલ અને હૂણ દેશના ઉત્તરના ભાગનું જૂનું નામ હતું. તેને હરિવર્ષ પણ કહેતા.
પરમાનંદ દવે