ઉત્તરકાશી : ઉત્તરાખંડ રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તથા પવિત્ર યાત્રાધામ. ઉત્તરકાશીનો અલગ જિલ્લો થયો તે પહેલાં તે ટેહરી જિલ્લામાં ગણાતું. તે 30o 40′ ઉ. અ. અને 78o 27′ પૂ. રે.ની આજુબાજુનો 7,951 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં યમનોત્રી, ઈશાનમાં ગંગોત્રી, પૂર્વ તરફ કેદારનાથ, દક્ષિણ તરફ ટેહરી અને નૈર્ઋત્ય તરફ મસૂરી આવેલાં છે. ઋષિકેશથી ગંગોત્રી જતાં માર્ગ પર સમુદ્રસપાટીથી 1,158 મીટર ઊંચાઈ પર તે છે. દહેરાદૂનથી ઈશાન તરફ ભારત-ચીન સરહદ નજીક હિમાલયની 8,016 ચોકિમી. પર્વતમાળા પર આ નગર આવેલું છે. આ જિલ્લાની વસ્તી 3,30,086 (2020) અને ગામની વસ્તી આશરે 40,000 (2020) છે.
પૂર્વકાશી(વારાણસી)નું માહાત્મ્ય કલિયુગમાં લોપ પામ્યા પછી પણ પવિત્ર સંગમસ્થાન તરીકે ઉત્તરકાશીનું માહાત્મ્ય જળવાઈ રહેશે એવો સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે. પરશુરામ તથા માર્કંડેય જેવા ઋષિઓએ આ સ્થળ પરના પરિસરમાં તપ કર્યાં હતાં તેવી માન્યતા છે. વારાણી તથા અસી નદીઓ વચ્ચેના પ્રદેશમાં તે આવેલું છે અને આ બે નદીઓનો ભાગીરથીમાં સંગમ થતો હોવાથી ત્રિવેણીસંગમના પવિત્ર સ્થળ તરીકે પણ તેનું માહાત્મ્ય છે. ગામની વચ્ચે કાશીવિશ્વનાથનું પ્રાચીન મંદિર તથા તેની સામે જ દેવીની ‘શક્તિ’ના પ્રતીકરૂપ મોટો સ્તંભ છે. ચિન્મય મિશનનો ‘તપોધન આશ્રમ’, દિવ્યજીવન સંઘનો ‘શિવાનંદ આશ્રમ’, ‘કૈલાસ આશ્રમ’ જેવા વિખ્યાત આશ્રમો ત્યાં આવેલા છે. સામે કાંઠે પર્વતારોહણની તાલીમ માટે ‘નહેરુ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ’ છે. માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ મહિલા પર્વતારોહી બચેન્દ્ર પાલે આ સંસ્થામાં તાલીમ લીધી હતી. ઉત્તરકાશીમાં 1991ના ઑક્ટોબરની 19 અને 20 તારીખોએ 6.6 થી 7 તીવ્રતાવાળો ભૂકંપ થયેલો, જેને પરિણામે આશરે 20,000 લોકોનાં મૃત્યુ થયેલાં. અહીં અવારનવાર ભૂસ્ખલન થતું રહે છે. 2013માં ભયાનક પૂરપ્રકોપ સર્જાતા 5થી 7 હજાર લોકોના મૃત્યુ થયા હતાં.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે