ઉત્તમ ચાડિયો (1800ની આસપાસ) : અમદાવાદમાં પેશવાઈ સૂબેદાર રઘુનાથ રામચંદ્રના સમયનો અગ્રણી ચાડિયો. સૂબો કાચા કાનનો હોઈ તેના સમયમાં ચાડિયાઓની ખટપટ ખૂબ વધી હતી. ચાડિયાઓની બાતમી પરથી તે લોકો પાસેથી પૈસા કઢાવતો. આમાં આગેવાન ઉત્તમ અથવા ઓતિયા નામે ચાડિયાએ સદુબા નામે એક બારોટ બાઈ ઉપર વ્યભિચારનો આરોપ મૂકી એને સૂબેદાર સમક્ષ લઈ જવા પ્રયત્ન કર્યો, પણ કુટુંબની આબરૂ સાચવવા માટે એના પતિએ પતિવ્રતા સદુબા તેમજ બાળકોને લોકોના દેખતાં કાપી નાખ્યાં. આ બધાંના મૂળમાં ઓતિયો હોઈ ગુસ્સે ભરાયેલા લોકોએ સૂબેદાર પાસે ઓતિયાની માગણી કરી, અને તેનો હવાલો મળતાં લોકોએ જાહેરમાં એને ઈંટાળા મારીને મારી નાખ્યો હતો. આ ઘટના પછી અમદાવાદમાં ચાડિયાઓનો ત્રાસ મટી ગયો.
રામજીભાઈ ઠા. સાવલિયા