ઉત્તમચંદાની, સુંદરી

January, 2004

ઉત્તમચંદાની, સુંદરી [જ. 28 સપ્ટેમ્બર 1924, હૈદરાબાદ, સિંધ (હવે પાકિસ્તાનમાં) અ. 8 જુલાઈ 2013 મુંબઈ, મહારાષ્ટ્ર] : સિંધી લેખિકા. તેમણે ઘણું સાહિત્યસર્જન કર્યું છે તેમાં તેમની પ્રગતિશીલ વિચારસરણી ઊપસી આવે છે. શાળાકીય શિક્ષણ હૈદરાબાદમાં લીધું; ભાગલા પછી મુંબઈ આવીને સ્થાયી થયાં. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી અને પછી શિક્ષિકા તરીકેની કારકિર્દી શરૂ કરી.

સિંધી સાહિત્યજગતમાં તેમનો પ્રવેશ થયો 1946માં એક રશિયન ટૂંકી વાર્તાના અનુવાદથી. ત્યારપછી તો તેમણે સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ, નાટકો અને નવલકથાઓ લખ્યાં છે અને તેમાંથી કેટલીય કૃતિઓના પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ થયા છે. પુસ્તક સ્વરૂપે તેમનું સર્વપ્રથમ પ્રકાશન તે નવલકથા ‘કિરનદરા દિવારૂં’ (1953); તેની 4 આવૃત્તિઓ થઈ અને પ્રાદેશિક ભાષામાં અનુવાદ પણ થયા. 3 વર્ષ પછી બીજી નવલ ‘પ્રીત પુરાની, રીત નિરાલી’ (1956) પ્રગટ થઈ. ત્યારપછી ટૂંકી વાર્તાના અનેક સંગ્રહો પ્રગટ થયા. તેમાંથી ‘વિછોરો’ને 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી એવૉર્ડ મળ્યો છે.

સર્જનાત્મક-કાલ્પનિક સાહિત્યસર્જન ઉપરાંત તેમણે રશિયાના કવિઓનાં 100 જેટલાં કાવ્યોના અનુવાદ કર્યા છે અને તે કાવ્યસંગ્રહ ‘અમન સાદે પિયો’ (1965) નામે પ્રગટ થયો છે અને તે બદલ તેમને સોવિયેત લૅન્ડ નહેરુ એવૉર્ડ (1968) અપાયો છે. તેમનો નિબંધસંગ્રહ ‘ભારત રૂસબ બનહન બેલી’ 1976માં પ્રગટ થયો. તેમણે પત્રકારત્વમાં પણ ખેડાણ કર્યું છે અને જુદાં જુદાં સાહિત્યિક તથા સમાચાર-સામયિકોનું સંપાદન પણ કર્યું છે. ચલચિત્ર તથા નાટકમાં તેમણે અભિનય આપીને તેમની બહુમુખી પ્રતિભાનાં દર્શન પણ કરાવ્યાં છે.

જયંત રેલવાણી