ઉત્તમકુમાર (ચટ્ટોપાધ્યાય) (જ. 3 સપ્ટેમ્બર 1926, કોલકાતા; અ. 24 જુલાઈ 1980 ભવાનીપુર, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : બંગાળી ચલચિત્રના લોકપ્રિય અભિનેતા. પૂરું નામ ઉત્તમકુમાર ચટ્ટોપાધ્યાય. નિશાળમાં હતા ત્યારથી જ એમને નાટક ભજવવાનો શોખ અને માત્ર દસ વર્ષની ઉંમરે ‘ગયાસુર’ નાટકમાં અભિનય માટે તેમને ચંદ્રક મળ્યો હતો. 1944ની સાલમાં કોલકાતા પૉર્ટ કમિશનરની કચેરીમાં કૅશિયર તરીકે જોડાયા. તે જ વર્ષે ‘મનોરમા’ સ્કૂલમાં સંગીતશિક્ષક તરીકે પણ કામ કરતા. 1950માં તેમણે ગૌરીરાણી ગાંગુલી સાથે લગ્ન કર્યાં.
ફિલ્મજગતમાં તેમની કારકિર્દીની શરૂઆત 1947માં કોલકાતામાં નિર્મિત ‘માયાડોર’ નામની હિન્દી ફિલ્મ સાથે થયેલી. (આ ફિલ્મ પ્રદર્શિત થઈ ન હતી.) ‘કામના’ નામની ફિલ્મમાં 1949માં તેમણે નાયકની ભૂમિકા સૌપ્રથમ કરી. 1952માં તેમની ‘બસુ પરિવાર’ ફિલ્મ બહુ જ લોકપ્રિય થઈ. બંગાળી ફિલ્મમાં ઉત્તમકુમાર – સુચિત્રા સેનની જોડી સૌથી વધુ લોકપ્રિય રહી. સુચિત્રા સેન સાથેની તેમની સૌથી પહેલી ફિલ્મ હતી ‘સાડે સુઆત્તોર’ (1953). બીજી ફિલ્મ ‘અગ્નિપરીક્ષા’ (1954) ખૂબ વખણાયેલી. આ ચલચિત્રોમાં ઉત્તમકુમારની રોમૅન્ટિક છાપની શરૂઆત થઈ હતી. 1957માં ‘હારાનો સૂર’ અને 1961માં ‘સપ્તપદી’ ફિલ્મમાં પણ એમણે સુચિત્રા સાથે ખૂબ જ સફળ અભિનય કર્યો.
ઉત્તમકુમાર અને સુચિત્રાએ સાથે કરેલા અભિનય દર્શાવતી ફિલ્મોની સંખ્યા એટલી બધી છે કે એ હકીકતને વિશ્વવિક્રમ માનવામાં આવે છે. બંને કલાકારો શ્રેષ્ઠ કોટિનાં અને માર્મિક સંવેદનશીલ અભિનયમાં નિપુણ હોવાથી બંનેએ બંગાળી દર્શકોને મુગ્ધ કરી દીધા.
‘નવજન્મ’માં નચિકેતા ઘોષની સંગીત-પરિચાલના હેઠળ એમણે છ ગીતો ગાયાં. 1966ની સાલમાં ‘કાલ તુમિ આલેયા’ ફિલ્મનું સંગીતનિર્દેશન એમણે સંભાળ્યું. એ જ વર્ષે એમની નિર્દેશિત ફિલ્મ ‘શુધુ એકટિ બછર’ પ્રદર્શિત કરવામાં આવી.
1966માં સત્યજિત રાય સાથે બર્લિન ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત ‘નાયક’ ફિલ્મના નાયક તરીકે એમણે હાજરી આપી. સત્યજિત રાયે ખાસ એમને જ કેન્દ્રમાં રાખીને આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. 1967માં એમની પોતાની પહેલવહેલી હિંદી ફિલ્મ ‘એક છોટી સી મુલાકાત’નું વિમોચન થયું. તેની નાયિકા હતી વૈજયન્તીમાલા. 1967માં ‘ચિડિયાખાના’ અને ‘ઍન્ટની ફિરિંગી’માં એમણે ભજવેલા પાત્ર માટે એમને ‘ભરત પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય કલાકાર હતા. એમણે કુલ 202 બંગાળી ફિલ્મોમાં અને 9 હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એમની લોકપ્રિયતાના મૂળમાં હતો તેમનો ઊર્મિપ્રધાન અભિનય. શર્મિલા ટાગોર સાથે ‘અમાનુષ’ નામની બંગાળી અને હિન્દી ફિલ્મમાં પણ મુખ્ય નાયક તરીકેના અભિનયમાં એમણે પોતાની એક વિશેષ શૈલી અને સંવેદનશીલ અભિનયની ઝલક આપી છે. સત્યજિત રાયની ‘નાયક’ નામની ફિલ્મમાં તો એમણે પોતાને અભિનયસમ્રાટ તરીકે સાબિત કરી બતાવ્યા. ‘નાયક’ ફિલ્મમાં નાયકની ભૂમિકા ઘણી અઘરી હતી. પાત્ર ઉત્તમકુમારના વ્યક્તિગત જીવન પર જ આધારિત હોઈ તેમની સર્જનકૃતિનો અંશ હતો. એમ છતાં ઉત્તમકુમારે આ ભૂમિકાને અવિસ્મરણીય અને અપૂર્વ સુંદરતાથી સફળ બનાવેલી. ખુદ સત્યજિત રાયે પણ ઉત્તમકુમારના ‘નાયક’ના મુખ્ય નાયક તરીકેના અભિનય માટે એમની ખૂબ જ પ્રશંસા કરી હતી.
નાટકીને સ્થાને વાસ્તવિક અભિનય કરવામાં પહેલ કરનાર કલાકારોમાં તેઓ અગ્રસ્થાને હતા. સર્વતોમુખી પ્રતિભા અને વ્યક્તિત્વના કરિશ્માને કારણે ઉત્તમકુમાર બંગાળી ફિલ્મજગત પર સતત ત્રણ દાયકા સુધી છવાઈ ગયા હતા. તેમની કલાને બિરદાવતાં સત્યજિત રાયે તેમને ગ્રેગરી પેક અને માર્લન બ્રાન્ડો જેવા સમર્થ કલાકારોની હરોળમાં મૂક્યા હતા.
સુમતિ ગંગોપાધ્યાય