ઉત્કેન્દ્રચાલિત યંત્રરચના (eccentric drive mechanism) : પરિભ્રામી ગતિમાંથી પશ્ચાગ્ર સુરેખ ગતિ મેળવવાની યંત્રરચના. આ રચનામાં પરિભ્રામી ગતિ કરતા દંડ (shaft) ઉપર ઉત્કેન્દ્રીય ચકતી લગાવવામાં આવે છે. આ ચકતી ફરતે દંડનો એક ભાગ જે બે અર્ધગોળ પટ્ટીના રૂપમાં હોય છે તે લગાવવામાં આવે છે. દંડનો આ મોટો છેડો ગણાય છે. દંડના બીજા એટલે કે નાના છેડે પિસ્ટનને પિન વડે જોડવામાં આવે છે. પિસ્ટન પોતે સિલિન્ડરમાં ગોઠવાયેલો હોય છે. જ્યારે ઉત્કેન્દ્રીય ચકતી ગોળ ફરે છે ત્યારે દંડની અર્ધગોળ પટ્ટીઓ ચકતીની ઉત્કેન્દ્રીયતાને લીધે આગળ-પાછળ ગતિ કરે છે, જેને લઈને દંડના બીજા છેડે જોડાયેલ પિસ્ટન પણ સિલિન્ડરમાં પશ્ચાગ્ર રૈખિક ગતિ (reciprocating motion) મેળવે છે.
ચકતીની શાફટ ઉપર ઉત્કેન્દ્રીયતા अ લંબાઈ હોય તો ચકતી એક આંટો ફરે ત્યારે પિસ્ટન 2अ લંબાઈ જેટલું અંતર કાપે, એટલે કે પિસ્ટનની ફટકા લંબાઈ = 2 x ચકતીની ઉત્કેન્દ્રીયતા.
ઉત્કેન્દ્ર ચાલિત યંત્રરચના, જ્યાં ટૂંકી લંબાઈના ફટકા જરૂરી હોય તેનાં યંત્રોમાં વપરાય છે. પ્રેસ મશીનો આ માટેનું સારું ઉદાહરણ છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ