ઉત્કંટો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echinops echinatus Roxb. (સં. ઉત્કટક, ફા. બ્રહ્મદંડી; મ. કાંટેચબુક, ઉટકટારી; હિં. ઉટકટારા; બં. છાગદાંડી, વામનદાંડી; ગુ. ઉત્કંટો, શૂળિયો, ઉટકટારી; અં. ગ્લોબથીસલ) છે. તેના સહસભ્યોમાં જયંત, અમરફૂલ, સોનછડી, કસુંબો, ગુલદાઉદી અને હજારી ગલગોટાનો સમાવેશ થાય છે. Echinops પ્રજાતિનું વિતરણ દક્ષિણ યુરોપ, ઉષ્ણકટિબંધીય અને ઉત્તર આફ્રિકા અને એશિયામાં થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે.
તે ભારતમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી બધે જ થાય છે. ગુજરાતમાં મેદાની પ્રદેશોમાં, રસ્તાની આસપાસ કે ખાલી ખેતરોમાં ઊગી નીકળે છે. તે રોમિલ, એકવર્ષાયુ, 30 સેમી.થી 90 સેમી. ઊંચો, તલ ભાગેથી વધારે પહોળાઈએ વિસ્તરતી શાખાઓવાળો તીક્ષ્ણ કાંટાળો શાકીય છોડ છે. પર્ણો સાદાં, એકાંતરિક, 7.5 સેમી.થી 12.5 સેમી. લાંબાં, લંબચોરસ, પક્ષવત્ દર (pinnatifid) વિચ્છેદિત, કાંટાળાં અને નીચેની સપાટીએથી રોમિલ હોય છે. પુષ્પવિન્યાસ કાંટાળો મુંડક કે ગોળ દડા જેવો સંયુક્ત સ્તબક (capitulum) પ્રકારનો અને નિચક્રીય (involucrate) હોય છે અને 5 સેમી. વ્યાસ ધરાવે છે. શાખાના અગ્રભાગે સફેદ કે આછા વાદળી રંગનાં દ્વિલિંગી બિંબપુષ્પકો આવેલાં હોય છે. પુંકેસરોના પરાગાશયો એકબીજા સાથે જોડાઈ પરાગવાહિનીની ફરતે સંપરાગ (syngenesious) સ્થિતિની રચના કરે છે. પરાગાશયો પૂંછડીવાળા હોય છે. ફળ ઉપર આવેલો રોમગુચ્છ (pappus) ટૂંકો, પીળો અને બ્રશ જેવો હોય છે. ઑક્ટોબરથી જાન્યુઆરી માસ સુધી પુષ્પ અને ફળ-નિર્માણની ક્રિયા થાય છે.
આયુર્વેદ અનુસાર આ વનસ્પતિનાં મૂળ અને બીજ મોટી ઔષધિ છે. તે રુચિદાયક, ઉષ્ણ, કડવી, રક્તશોધક અને વૃષ્ય છે તથા મૂત્રકૃચ્છ, પિત્ત, વાયુ, મેહ, તૃષા, હૃદ્રોગ અને વિસ્ફોટકનો નાશ કરે છે. તેનાં બીજ શીતળ, વૃષ્ય, તૃપ્તિકર અને મધુર છે. તેનો ઉપયોગ બાળકને ઉટાંટિયું થાય તે ઉપર; પ્રમેહ, વીર્યવૃદ્ધિ, ધાતુપુષ્ટિ અને સરળતાથી પ્રસવ થાય તે માટે; સર્પ અને વીંછીના વિષ ઉપર અને ઉધરસ ઉપર થાય છે. તેના પંચાંગનું ચૂર્ણ પોષક અને મૂત્રલ છે. મૂળનું ચૂર્ણ ઢોરના ઘામાં થતી ઇયળોનો નાશ કરે છે. મૂળના ચૂર્ણને બાવળના ગુંદર સાથે મિશ્ર કરી માથાના વાળમાંની જૂનો નાશ કરવા લગાડવામાં આવે છે.
મીનુ પરબિયા
બળદેવભાઈ પટેલ