ઉતામારો, કિતાગાવા (Utamaro, Kitagawa)

January, 2004

ઉતામારો, કિતાગાવા (Utamaro, Kitagawa) (જ. 1753, જાપાન; અ. 31 ઑક્ટોબર 1806, ટોકિયો, જાપાન) : જાપાન અને પશ્ચિમ યુરોપમાં લોકપ્રિય બનેલી અને ‘ઉકીઓ-ઇ’ (Ukio-E) નામે પ્રસિદ્ધિ પામેલી કાષ્ઠ-છાપ-ચિત્રકલાના પ્રમુખ ચિત્રકારોમાંના એક.

1775માં નાની વયે એડો (Edo) નામે ઓળખાતા ટોકિયો નગરમાં આવી વસ્યા અને કાનો ગ્યોકુયનના શિષ્ય ટોરીયામા સિકીનના શિષ્ય બની ચિત્રકલાની તાલીમ લેવી શરૂ કરી, પોતાનું નામ ‘હોશો’ રાખ્યું. 1775થી જ ઉતામારોનાં નાટકો અને ફાર્સિકલ (farcical) કાવ્યો માટેનાં પ્રસંગચિત્રો (illustrations) પ્રસિદ્ધ થવા માંડ્યાં. ઉતામારો પ્રસિદ્ધ ચિત્રકાર કાત્સુકાવા શુન્શોની અસર હેઠળ આવ્યા અને નાટકોના અભિનેતા અને અભિનેત્રીઓનાં વ્યક્તિચિત્રો કર્યાં, જેને પ્રકાશક ત્સુતાયા જુઝાબુરોએ પ્રસિદ્ધ કર્યાં. 1781માં પોતાનું નામ ‘ઉતામારો’ રાખ્યું, જે આમરણાંત ચાલુ રહ્યું. 1783થી ઉતામારો જુઝાબુરોના ઘરમાં તેની સાથે જ રહેવા માંડ્યા. 1788માં સમગ્ર જાપાનમાં તેમનું નામ વિખ્યાત થયું. તેમની ગણના શુન્શો ઉપરાંત ટોરી કિયોનાગા અને કિતાઓ શિગેમાસા સાથે થવા માંડી.

ઉતામારોનું એક કાષ્ઠ-છાપચિત્ર : ‘બાળકને રમાડતી સ્ત્રીઓ’

1788થી ઉતામારોએ જાપાનની રૂપાળી લલનાઓ તેમજ વારાંગનાઓનાં ચિત્રો સર્જવાં શરૂ કર્યાં, જે પશ્ચિમ યુરોપમાં પણ લોકપ્રિય બન્યાં. આ માટે શરૂઆતમાં કિતાઓ શિગેમાસા અને ટોરી કિયોનાગાની શૈલીનું થોડો વખત અનુકરણ કર્યું, પરંતુ પછી પોતાની મૌલિક શૈલી પ્રકટાવી. આ પુખ્ત મૌલિક શૈલીમાં લલનાઓ અને વેશ્યાઓ અસાધારણ ઊંચી, પાતળી, ગોરી, રૂપાળી અને ઠસ્સાદાર વસ્ત્રોથી સજ્જ જોવા મળે છે. ચિત્રોમાં રંગો પણ ભભકભર્યા હોવાથી તે આકર્ષક બન્યાં. તેમાં સ્ત્રીઓ રસોઈ, ટાપટીપ, ભરતકામ, ખાણીપીણી, સ્નાન, બાળકોની સંભાળ, નૌકાવિહાર ઇત્યાદિમાં ગૂંથાયેલી; પતિ સાથે, ઘરાક સાથે સંકળાયેલી ચીતરવામાં આવી છે. હાસ્ય, રતિ, ક્રોધ, ઇત્યાદિ ભાવોનું નિરૂપણ ઉતામારો-ચિત્રિત સ્ત્રીઓમાં જોવા મળે છે.

1790 પછી ઉતામારોએ ‘એડો’ નગરના વારાંગનાઓની વસાહતમાં જઈ વસવાટ શરૂ કર્યો. હવે તેમની ચીનમાં નામના થઈ. પ્રકાશકો તેમનાં ચિત્રોનું પ્રકાશન કરવા પડાપડી કરતા હતા. તેમની ચિત્રપ્રવૃત્તિ ખૂબ જ વધી પડી હતી અને 1793 લગીમાં 43 પ્રકાશકોએ તેમનાં ચિત્રો પ્રસિદ્ધ કર્યાં. પરંતુ સાથે સાથે ઉતામારો પોતાના આ ગાળાના ચિત્રકાર્યમાં પોતાની કલાનાં શરૂઆતનાં ઉચ્ચ ધોરણો જાળવી શક્યા નહિ અને ગુણવત્તા ગાયબ થઈ ગઈ. હવે સ્ત્રીઓના ચહેરા પણ અક્કડ અને ભાવહીન સર્જાવા શરૂ થયા. જાપાની સમાજ તરફથી મળેલ ખ્યાતિ અને નામનાને કારણે તેમનો ફાંકો વધી ગયો અને તેમણે અન્ય કલાકારો અને પ્રકાશકો સાથે પણ ખરાબ વર્તન શરૂ કર્યું. પરંતુ હવે નવા ઊગતા ચિત્રકારો – હોકુસાઈ, શારાકુ અને ટોયોકુની લોકપ્રિયતા પામી રહ્યા હતા. પોતાનાં આત્મચિત્રોમાં તેઓ પોતાને હજી પણ રૂપાળા ફાંકડા યુવાન તરીકે આલેખી રહ્યા હતા, પણ હકીકતમાં તેઓ સર્વથા વૃદ્ધ બની ચૂક્યા હતા.

1804માં ઉતામારોએ લશ્કરી કર્નલ હિદેયોશીને પાંચ સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા ચીતર્યા. આથી તત્કાલીન ટોકુગાવા સરકારે બદનક્ષી બદલ ઉતામારોની ધરપકડ કરી અને છ માસ માટે કેદ ફટકારી. કેદમાં પ્રથમ 50 દિવસ ઉતામારોના હાથ બંધાયેલા રાખવામાં આવ્યા.

પોતાનો અહમ્ ઘવાતાં ઉતામારો ભાંગી પડ્યા અને ભગ્નહૃદયે 1806માં તેઓ ટોકિયોમાં મૃત્યુ પામ્યા. આજીવન જે કીર્તિની ઝંખના પોતે કરેલી તે મૃત્યુ પછી અનેકગણી વધી. પશ્ચિમ યુરોપમાં ઓગણીસમી સદીમાં તેમની ખ્યાતિ ખૂબ વધી. ઓગણીસમી સદીના પ્રભાવવાદી ચિત્રકારોએ ઉતામારોનાં ચિત્રોમાંથી પ્રેરણા અને રાહ મેળવ્યાં.

અમિતાભ મડિયા