ઉણાદિ : ‘ઉણ’ પ્રત્યયથી શરૂ થતા કર્તરિ પ્રત્યયો. પાણિનિએ તેમના 3.3.1 અને 3.4.75માં એનો નિર્દેશ કર્યો છે. શાકટાયન નામના વૈયાકરણે ઉણાદિ પ્રત્યયોનાં સૂત્રોને દસ પાદોમાં વિભાજિત કરીને સ્વતંત્ર રૂપે એકત્રિત કર્યાં છે. તેમાંથી 5 પાદનાં 748 સૂત્રો ‘સિદ્ધાંતકૌમુદી’માં લેવામાં આવ્યાં છે. સંસ્કૃત નામો ધાતુ(આખ્યાત)માંથી જ બને છે તેવું પ્રતિપાદન ઉણાદિ સૂત્રો દ્વારા થાય છે. ધાતુમાંથી ઉણાદિ પ્રત્યયો દ્વારા બનાવેલા શબ્દોને અવ્યુત્પન્ન મનાય છે. તેમને વિભક્તિ-પ્રત્યયો લાગે છે.

જયદેવ જાની