ઉટાકામંડલમ્ (ઊટી) : તામિલનાડુ રાજ્યમાં નીલગિરિ જિલ્લામાં નીલગિરિ પર્વતમાળાની વચ્ચે આવેલું ગિરિનગર. આ પર્વત સમુદ્રની સપાટીથી આશરે 2,286 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઉટાકામંડલમનો અર્થ તામિલનાડુની આદિવાસી ભાષામાં ‘પથ્થરગામ’ એવો થાય છે. ઈ. સ. 1819માં અહીંના રમણીય પ્રાકૃતિક સૌંદર્યથી આકર્ષાઈને એક અંગ્રેજ અફસરે આરામગૃહથી તેની શરૂઆત કરેલી. અંગ્રેજ અમલ દરમિયાન તે વખતના મદ્રાસ પ્રાંતના ગવર્નર ઉનાળામાં અહીં નિવાસ કરતા. પછીથી કેટલાક નિવૃત્ત અંગ્રેજ અફસરોએ અહીંના પ્રાકૃતિક સૌંદર્ય અને ફળદ્રૂપ જમીનને કારણે ચા, કૉફી અને ફળફળાદિની બાગાયત ખેતી કરીને આ શહેરને વિકસાવ્યું હતું.
ઊંચાઈને કારણે ઉનાળામાં અહીં તાપમાન ભાગ્યે જ 25oની આજુબાજુ નોંધાય છે. વાર્ષિક વરસાદ 400થી 800 મિમી. જેટલો થાય છે. શિયાળામાં અહીં તાપમાન 10o સે. જેટલું નીચે જાય છે. તેથી જ પ્રવાસીઓ મોટેભાગે બારેમાસ અહીં આવે છે. પરંતુ એપ્રિલ માસથી જૂન માસ સુધી પર્યટકોની સંખ્યા સવિશેષ રહે છે.
ઉટાકામંડલમનો ટૂંકમાં ‘ઊટી’ તરીકે ઉલ્લેખ થાય છે. અહીં આવવા માટે કોઇમ્બતૂર કે બૅંગલોરથી મોટરમાર્ગે માત્ર 2 કલાક લાગે છે. બીજો રસ્તો બૅંગલોરથી મૈસૂર થઈને મુદુમલાઈના જંગલરસ્તાનો છે. મુંબઈથી ઊટી મોટરમાર્ગે 1300 કિમી. જેટલું અંતર ધરાવે છે.
ઊટી એક પ્રવાસી ગિરિનગર હોવાથી સહેલાણીઓને આકર્ષે છે. અહીંના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે, જેમાં બોટૅનિકલ ગાર્ડન, દોદાબેટા પીક, માર્લીમુન્ડ લેઈક, ટાઇગર હિલ, એલ્ક હિલ અને કલ્હારી ધોધ મુખ્ય છે. ઊટીને કેટલાક દક્ષિણની પર્વતમાળાની રાણી તરીકે પણ ઓળખે છે. ઊટીની વસ્તી આશરે 88,430 (2011) છે.
ભારતના ખ્યાતનામ બોટૅનિકલ ગાર્ડન પૈકીનો એક અહીં આવેલો છે, જેમાં સૌથી જૂના વૃક્ષનું કાષ્ટઅશ્મિ (fossil wood) જોવા મળે છે. દોદાબેટા શિખર નીલગિરિ પર્વતનું સર્વોચ્ચ શિખર છે, તે સમુદ્રની સપાટીથી 2,623 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઊટીથી આ સ્થળ માત્ર 10 કિમી. દૂર આવેલું છે.
ઊટીથી 5 કિમી. દૂર માર્લીમુન્ડ સરોવર આવેલું છે. આ સરોવરથી થોડે દૂર ટાઇગર હિલ પર્યટકોને માટે એક મહત્વનું કેન્દ્ર છે. ઊટીથી 13 કિમી. દૂર કલ્હારી ધોધ પણ જોવાલાયક છે. અહીં જૂના ભાવનગર, વડોદરા અને મૈસૂર જેવા રજવાડાના મહેલો આવેલા છે.
મુદુમલાઈનું અભયારણ્ય પણ ઊટીથી નજીક આવેલું છે. કુન્નુર અને કોટાગિરિ નામનાં પહાડી ગામો ઊટીની નજીક આવેલાં છે.
મહેશ મ. ત્રિવેદી