ઉઝલત સૂરતી

January, 2004

ઉઝલત સૂરતી (જ. 1692, સૂરત; અ. 4 ઑગસ્ટ 1745) : ઉર્દૂ કવિ. આખું નામ સૈયદ અબ્દુલવલી ‘ઉઝલત’ સૂરતી. ‘ઉઝલત’ તેમનું તખલ્લુસ છે. વિદ્વાન પિતા પાસે શિક્ષણ લઈને ઉઝલતે સ્વપ્રયત્ને તર્કશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, કુરાને શરીફ અને ધર્મશાસ્ત્ર તથા સાહિત્યમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. વિશેષ અભ્યાસ અર્થે દિલ્હી તથા હૈદરાબાદ પણ ગયા હતા.

તેમણે નાની વયથી કાવ્ય રચવાનું શરૂ કર્યું હતું અને તેમની કવિત્વશક્તિએ તેમને સિદ્ધસ્થાને બેસાડવામાં મદદ કરી હતી. તેમની  ઉર્દૂ કવિતાનો સંપાદિત દીવાન પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.

ઉઝલતે ગુજરી અને ફારસી ભાષામાં પણ ગઝલો રચી છે. તે ઉપરાંત સંગીત અને ચિત્રકળામાં પણ તેઓ નિપુણ હતા એમ કહેવાય છે. સંગીતના વિષય ઉપર તેમની કૃતિ ‘રાગમાલા’ જાણીતી છે. તેમણે દોરેલાં કેટલાંક ચિત્રો આજે પણ જોવા મળે છે. તેમનાં લખેલાં પુસ્તકોમાં ‘બારામાસા’, ‘સાકીનામા’, ‘દીવાને ફારસી’ અને ‘રાગમાલા’ છે. તેમની કવિતામાં ગુજરીનો અંતિમ ગુંજારવ સાંભળવા મળે છે. વળી ગુજરાતી અને ઉઝલત સૂરતી ગુજરાતી પરંપરાના અંતિમ કવિઓ છે. તેમના પછી ગુજરાતમાં ઉર્દૂ શાયરીનો યુગ શરૂ થયો.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા