ઉચ્ચાવચ બિંદુઓ (apsides) : ગ્રહ, ઉપગ્રહ કે ધૂમકેતુ તેના મુખ્ય જ્યોતિ(સૂર્ય કે ગ્રહ)ની આસપાસ પ્રદક્ષિણા કરે ત્યારે, મુખ્ય જ્યોતિથી વધુમાં વધુ દૂર તેમજ વધુમાં વધુ નજીક આવે તે સ્થાનો. આમ તે ગ્રહ, ઉપગ્રહ કે ધૂમકેતુની દીર્ઘવૃત્ત ભ્રમણકક્ષાની દીર્ઘઅક્ષ(major axis)નાં અંતબિંદુઓ કે છેડા છે. નજીકના બિંદુને ભૂમિ-નીચ કે અપભૂ (perigee) કહે છે, જ્યારે દૂરના બિંદુને ભૂમિ-ઉચ્ચ કે ઉપભૂ (apogee) કહે છે. વાસ્તવિક ભ્રમણકક્ષા માટે આ બિંદુઓની ઊંચાઈ નિશ્ચિત હોય છે. ગ્રહ, ઉપગ્રહ કે ધૂમકેતુ જ્યારે અપભૂએ આવે ત્યારે તેનું સૂર્યની સદિશ ત્રિજ્યા અંતર સૌથી ઓછું અને ઉપભૂએ પહોંચે ત્યારે તે સૌથી વધુ હોય છે. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા કૃત્રિમ ઉપગ્રહ માટે, અપભૂએ પૃથ્વીથી અંતર આશરે 150 કિલોમીટર જેટલું હોય છે, જ્યારે ઉપભૂએ તે હજારો કિલોમીટર જેટલું હોય છે.
છોટુભાઈ સુથાર