ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની પ્રવર્તમાન તરાહ

January, 2004

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની પ્રવર્તમાન તરાહ (10 + 2 + 3) : ભારતમાં દાખલ થયેલી શિક્ષણની નવી તરાહ. સામાન્યત: 10 + 2 + 3 ની સંજ્ઞાથી ઓળખાય છે. તે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના પ્રત્યેક તબક્કાને આવરી લે છે. નવી શિક્ષણતરાહ કેવળ આંકડાકીય ફેરફારમાં સીમિત નથી. શિક્ષણની નવી તરાહ માટે ચાર કારણો રજૂ કરવામાં આવ્યાં હતાં : (1) દેશમાં એકસરખી રાષ્ટ્રીય પ્રથા ન હતી. તેથી એક રાષ્ટ્રીય શિક્ષણતરાહ સર્જવી જોઈએ. (2) દેશમાં વ્યાવસાયિક અભ્યાસક્રમોનો પ્રબંધ ન હોવાથી વિદ્યાર્થીઓની મોટી સંખ્યા એસ.એસ.સી. પછી કૉલેજોમાં પ્રવેશે છે. કૉલેજોમાં થતા આ ધસારાને ખાળવા માટે માધ્યમિક શિક્ષણમાં વ્યાવસાયિક અભ્યાસક્રમોનો પ્રબંધ કરવો જોઈએ. (3) ભારતમાં યુનિવર્સિટી-શિક્ષણ માટે વિદ્યાર્થી કંઈક અપરિપક્વ ઉંમરે કૉલેજમાં પ્રવેશે છે. એટલે કે માધ્યમિક શિક્ષણની સમયમર્યાદા કંઈક ટૂંકી છે. તેથી તેનો સમયગાળો વધારવો જોઈએ. (4) દેશમાં માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણની પદ્ધતિ વચ્ચે ઘણો મોટો તફાવત પડે છે. તેથી માધ્યમિક શિક્ષણ પછી તરત યુનિ.માં પ્રવેશતો વિદ્યાર્થી યુનિ.ના શિક્ષણની પદ્ધતિ સાથે તત્કાળ સમાયોજન સાધી શકતો નથી. આથી તે બંને વચ્ચેની એક શિક્ષણવ્યવસ્થા ઊભી કરવી જોઈએ.

આ પ્રકારની તરાહનો વિચાર સૌપ્રથમ કૉલકાતા યુનિવર્સિટી કમિશન(સેડલર કમિશન)ના સૂચનમાં (1917) કરવામાં આવ્યો હતો. આ કમિશનના સૂચન પ્રમાણે યુનિવર્સિટી અને શાળાના શિક્ષણની ભેદરેખા તે સમયની ઇન્ટરમીડિયેટ કક્ષા હોવી જોઈએ એટલે કે તે સમયના ચાર વર્ષના કૉલેજકાળનાં પ્રથમ 2 વર્ષ પછી જ યુનિ. શિક્ષણ શરૂ થવું જરૂરી ગણાયું હતું. આમ 10 + 2ની તરાહનો નિર્દેશ આ કમિશનના સૂચનમાં સ્પષ્ટ છે. કમિશનના સૂચનમાં વિશેષત: ઇન્ટરમીડિયેટ બૉર્ડની સ્થાપનાની જરૂરત પર ભાર મુકાયો હતો, જે હાલ ગુજરાતના ઉચ્ચતર માધ્યમિક બૉર્ડની સમકક્ષ છે. ઇન્ટરમીડિયેટ કક્ષાને યુનિવર્સિટી પ્રવેશ માટેની તાલીમી કક્ષા ગણવાનો આગ્રહ કૉલકાતા યુનિવર્સિટી કમિશનનો હતો. વિદ્યાર્થીઓ શાળા પછીનાં 2 વર્ષ દરમિયાન યુનિવર્સિટી કક્ષાના અભ્યાસ માટે સક્ષમ બને એ ર્દષ્ટિએ આવા અલગ તબક્કાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ સૂચનનો સૈદ્ધાન્તિક સ્વીકાર થયો હતો, પરંતુ તેનો અમલ થઈ શક્યો ન હતો.

1917માં કરાયેલા સૂચનને 1948-49માં નીમવામાં આવેલા યુનિ. એજ્યુકેશન કમિશને અનુમોદન આપ્યું. યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતાં પહેલાં 12 વર્ષનો અભ્યાસક્રમ વિદ્યાર્થીને પરિપક્વતા મેળવવા માટે જરૂરી અને પૂરતો છે તેમ કમિશને જણાવ્યું. આ રીતે કોલકાતાના સેડલર કમિશનના સૂચનનો સૈદ્ધાન્તિક સ્વીકાર કરવામાં આવ્યો. શાળા અને યુનિવર્સિટીના તબક્કાની વચ્ચે કડી તરીકે +2ના તબક્કાની જરૂરિયાત સ્વીકારવામાં આવી.

ત્યારપછી 1952-53માં નીમવામાં આવેલા માધ્યમિક શિક્ષણસુધાર પંચે તેના હેવાલમાં જણાવ્યું કે માધ્યમિક શિક્ષણના સમયગાળામાં એક વર્ષ ઉમેરાવું જોઈએ, એટલે કે માધ્યમિક શિક્ષણનું શાળાંત વર્ષ 13 રહે અને ડિગ્રી-અભ્યાસ ત્રણ વર્ષનો રહે. આ સમયે માધ્યમિક શિક્ષણનું શાળાંત વર્ષ કેટલાંક રાજ્યોમાં 10 ધોરણનું પણ હતું.

લાંબા સમય સુધી +2ની તરાહના સ્વરૂપે ઘાટ લીધો નહિ. છેવટે 1964-66ના એજ્યુકેશન કમિશને સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરી એક ચોક્કસ અને સ્પષ્ટ નિર્ણય લીધો. આ નિર્ણય પ્રમાણે શાળાનો તબક્કો 10 + 2નો જરૂરી છે એવું સૂચન કર્યું. એટલું જ નહિ પરંતુ +2ના અભ્યાસક્રમની વિવિધતા પર પણ તેણે ભાર મૂકી સૂચવ્યું કે આ તબક્કે વ્યવસાયી શિક્ષણની પણ આવશ્યકતા છે. તેનાથી જીવનમાં સ્થિર થવા ઇચ્છતા વિદ્યાર્થીઓને જીવનવ્યવહાર અને જીવનના કોઈ પણ વ્યવસાયમાં જોડાવા માટેની તક મળે અને તેવા વિદ્યાર્થીઓ કૉલેજની ડિગ્રી પાછળ ત્રણ વર્ષનો વ્યય ન કરે. યુનિ. અભ્યાસની ક્ષમતા ધરાવતા હોય તેવા જ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી-પ્રવેશને પાત્ર ગણાય. આ પ્રમાણેની સૂચિત 10 + 2ની તરાહને દેશભરમાં સારો આવકાર મળ્યો. કેન્દ્રના શિક્ષણ મંત્રાલય તરફથી નિમાયેલ ડૉ. સમ્પૂર્ણાનંદ સમિતિએ પણ 10 + 2 + 3ની તરાહને ટેકો આપી જણાવ્યું કે સમગ્ર દેશ માટેની એક જ પ્રકારની શિક્ષણતરાહ રાષ્ટ્રીય ઐક્ય માટે જરૂરી છે.

કેન્દ્રીય સલાહકાર બૉર્ડે (CAB) પણ આ તરાહને સ્વીકારી તેના અમલનો આગ્રહ રાખ્યો. પાંચમી પંચવર્ષીય યોજનાના અંત સુધીમાં આ તરાહનો અમલ સમગ્ર દેશમાં થઈ જવો જોઈએ, એવો કેન્દ્રીય સલાહકાર બૉર્ડનો અભિપ્રાય હતો.

દેશની યુનિવર્સિટીના કુલપતિઓ તેમજ વિવિધ રાજ્યોના શિક્ષણમંત્રીઓની સભાએ પણ 1964માં શિક્ષણપંચે સૂચવેલ 10 + 2 + 3ની શિક્ષણતરાહનો સ્વીકાર કર્યો. 1968માં રાષ્ટ્રીય નીતિના ઠરાવ દ્વારા પણ આ તરાહને મંજૂરી આપી. આમ, 10 + 2 + 3ની શિક્ષણની તરાહ અમલમાં મુકાઈ. આ તરાહની ઐતિહાસિક ભૂમિકાની સાથે શિક્ષણદર્શનની પણ ભૂમિકા હતી. સામાન્યત: +2ના તબક્કાની વય 16થી 18 વર્ષની હોય છે. આ તબક્કો ખરેખર તો અનુકિશોરાવસ્થાનો છે. આ વયતબક્કામાં વિદ્યાર્થી બાળક નથી તેમજ પ્રૌઢ નથી. આવી સ્થિતિમાં આ વયજૂથના વિદ્યાર્થીઓની, એમની શારીરિક તેમજ ઊર્મિશીલ અવસ્થાને ધ્યાનમાં રાખીને માવજતની વિશેષ જરૂર છે. યુનિવર્સિટી-અભ્યાસ માટેની પક્વતાની વાત તો ખરી, પરંતુ સાથે સાથે પ્રૌઢત્વના ઉંબરે ઊભેલ આ વિદ્યાર્થીઓને સમાજનાં વિવિધ ઉદ્દીપનોનો સામનો કરવાની વિવેકશક્તિ વિકસાવવામાં મદદરૂપ થવાનો એક મહત્વનો શૈક્ષણિક હેતુ છે. કેવળ સંખ્યાના સરવાળાની ર્દષ્ટિએ નહિ તેમજ માત્ર વહીવટી તરાહ તરીકે નહિ, પરંતુ સામાજિક અને મનોવૈજ્ઞાનિક ભૂમિકાના સંદર્ભમાં આ વયજૂથને ન્યાય આપવાનો વિચાર તેમાં સમાયેલો છે. પ્રૌઢત્વની નજીક અને કિશોરાવસ્થાથી આગળ નીકળેલા, આ વયજૂથના વિદ્યાર્થીઓ વિશિષ્ટ અને મનોવૈજ્ઞાનિક માવજત માગે છે, જે આ તરાહ દ્વારા શક્ય બનાવવાનો ખ્યાલ છે.

ગુજરાત રાજ્યમાં +2ની તરાહ માટે વિચારવિમર્શ પછી વિશિષ્ટ કમિટી દ્વારા રાજ્યભરની માધ્યમિક સંસ્થાઓનો અભ્યાસ કરાયો. +2ની તરાહમાં વ્યાવસાયિક અભ્યાસક્રમને અગ્રિમતા આપવાની માન્યતા ર્દઢ બનતી ગઈ અને છેવટે રાજ્ય સરકારે તે અંગે એક અલગ ઘટકની સ્થાપના કરી. આ ઘટકને ‘10 + 2 ઘટક’નું નામ આપવામાં આવ્યું. આ ઘટકે પ્રારંભમાં +2ના વિવિધ અભ્યાસક્રમો, ઉદાત્ત શિક્ષણ તેમજ વ્યાવસાયિક શિક્ષણને આવરી લેતા અભ્યાસક્રમનો અભ્યાસ કરી, નિષ્ણાતોનો અભિપ્રાય મેળવી, શિક્ષણસંસ્થાઓ સાથે વિચારવિમર્શ કરી આ અંગેની ઉચ્ચતર માધ્યમિક શાળા માટેની ભૂમિકા તૈયાર કરી.

ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનો આરંભ જૂન 1976થી થયો. +2ના નામે ઓળખાતાં ઉચ્ચતર માધ્યમિકનાં બે વર્ષો પસંદગીની માધ્યમિક શાળાઓને સોંપવામાં આવ્યાં. મહારાષ્ટ્રની જેમ તેમને જૂનિયર કૉલેજોનું નામ આપીને કૉલેજો સાથે રાખવામાં ન આવ્યાં. આ બે વર્ષો પૈકી એક વર્ષ માધ્યમિક શિક્ષણમાંથી (ધોરણ 11) અને એક વર્ષ કૉલેજોમાંથી (પ્રિ. યુનિ.) લેવામાં આવ્યું. આમ પ્રથમ ડિગ્રી સુધીનાં 15 વર્ષ યથાવત્ રહ્યાં.

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ત્રણ પ્રવાહોમાં વહેંચાયેલું છે : (1) સામાન્ય પ્રવાહ – જે વિનયન અને વાણિજ્યના પ્રવાહ તરીકે પણ ઓળખાય છે, (2) વિજ્ઞાન પ્રવાહ – કૉલેજકક્ષાએ ઇજનેરી, તબીબી જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશવા માટે આ પ્રવાહમાં દાખલ થવાનું વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય છે, (3) ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ – જે બુનિયાદી શાળાઓમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરતા વિદ્યાર્થીઓ માટે છે.

1986માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ અન્વયે વ્યવસાયલક્ષી શિક્ષણ પર ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વધુ ઝોક આપવામાં આવ્યો. તેનો અમલ ગુજરાતમાં 1988થી કરવામાં આવ્યો. ધોરણ 10 પાસ કરીને વિદ્યાર્થી બે વર્ષનો વ્યવસાયલક્ષી પ્રવાહનો અભ્યાસ કરીને સ્વતંત્ર રીતે પોતાનો ધંધો કરી શકે – એટલે કે સ્વરોજગાર મેળવી શકે તે તેની પાછળનો હેતુ છે. આ હેતુ માટે 28 વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો તૈયાર કરાયા છે.

રમણલાલ ત્રિવેદી