ઉંસેત, સિગ્રિડ (જ. 20 મે 1882, કાલુન્ડબોર્ગ, ડેન્માર્ક; અ. 10 જૂન 1949, લિલિહેમર, નૉર્વે) : 1928માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર નૉર્વેજિયન નવલકથાલેખિકા. પિતા પુરાતત્વજ્ઞ હતા. માતા ડેનિશ. પિતાએ પુત્રીને વાચનનો રસ લગાડ્યો હતો, પરંતુ પિતાનું મૃત્યુ થતાં સિગ્રિડને 16 વર્ષની વયે કારકુની કરવી પડી. 1907માં તેણે નોંધપોથી રૂપે લખેલ પ્રથમ નવલકથા ‘ફ્રુ માર્થા ઔલી’ પ્રગટ થઈ. 1909માં ‘ધ હૅપી એજ’ નામનો વાર્તાસંગ્રહ પ્રગટ થયો. નવલકથા ‘જેની’(1911)એ તેને સફળ સાહિત્યકાર તરીકે ખ્યાતિ અપાવી. તેમાં પાત્રો સાથે તાદાત્મ્ય સધાયું હોવાથી પાત્રો જીવંત લાગે છે. 1912માં પ્રગટ થયેલ ‘ધ પુઅર ફેટ્સ’ વાર્તાસંગ્રહમાંની ‘સિમોન્સેન’ વાર્તા નૉર્વેની શ્રેષ્ઠ વાર્તાઓમાં ગણના પામેલી છે. ‘ધ વાઇઝ વર્જિન્સ’(1918)માં પ્રશંસાથી મુક્ત, પ્રેમમાં તૃપ્ત, આત્મબલિદાન દેતી ઉદારચરિત સ્ત્રીઓનાં પાત્રો છે.
તેની મહાન નવલત્રિપુટી ‘ક્રિસ્ટીન લાવ્રાન્સ ડૉટર’(1920-22)માં ચૌદમી અને પંદરમી સદીની કથા છે. પ્રથમ ભાગમાં ક્રિશ્ચિનાની માતા રગ્નફ્રિડ કરતાં તેના પિતાનું સબળ પાત્ર પ્રાધાન્ય ભોગવે છે. ક્રિશ્ચિનાનાં લગ્ન ઍરલેન્ડ સાથે થાય છે. લગ્ન પછી ક્રિશ્ચિના પતિને લગ્નપૂર્વના પોતાના જીવનના અનુભવોની ગુપ્ત કથા કહે છે. ક્રિશ્ચિના પત્ની પણ છે અને માતા પણ છે. તેનો પ્રેમ એક બાજુ ધૂની અને બદનામ પતિ અને બીજી બાજુ પુત્રો અને સ્કૂલ વચ્ચે ફંગોળાતો રહે છે. ક્રિશ્ચિના પશ્ચિમના સાહિત્યની અમર નાયિકાઓ આના કૅરેનિના અને માદામ બોવરીની કક્ષાની ‘બધાયે યુગોની સ્ત્રી’ છે. સિગ્રિડ ઉંસેતની નવલચતુષ્ટય ‘ધ માસ્ટર ઑવ્ હેસ્ટવિકન’ (અં. ભા. 1928-30)ની પશ્ચાદ્ ભૂમિકા પણ મધ્યકાલીન નૉર્વે છે. તેનાં મુખ્ય પાત્રો સમુદ્રપ્રેમી ઓલેવ અને તેની પત્ની ઇંગન છે. લેખિકાની આ નવલકથાઓનો પાયો કુટુંબ અને તેના આંતરિક સંબંધોમાં છે. આ વિષયની આસપાસ જ તે સંવાદ અને પ્રસંગોની ફૂલગૂંથણી કરે છે. પાત્ર એરિક કહે છે, ‘જિંદગીમાં કોઈ માણસ પાપ વિના પસાર થતો નથી.’ 1931માં પ્રગટ થયેલ ‘વાઇલ્ડ ઑર્કિડ’ 1905થી 1931નો સમય આલેખતી આધુનિક નવલકથા છે. આ નવલકથાનું અનુસંધાન ‘ધ બર્નિંગ બુશ’માં છે અને તે પછીની નવલ ‘ગુન્નાર્સ ડૉટર’માં દરિયાખેડુઓનું જીવન છે. ગુન્નારની પુત્રી વિગ્ડીસ અભણ ખડતલ આઇસલૅન્ડવાસી લ્યોટના પ્રેમમાં પડે છે. લ્યોટ તેનાથી છૂટો થતાં તેને અત્યંત નુકસાન પહોંચાડે છે અને વિગ્ડીસ તેનું વેર લે છે – આટલું આ સબળ સુંદર નવલકથાનું વસ્તુ છે.
ઐતિહાસિક નવલકથાઓ લખવામાં સિગ્રિડના જેટલી સફળતા થોડાઓને જ પ્રાપ્ત થઈ છે. પંદર વર્ષ સુધી તેણે નૉર્વેના મધ્યકાળના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સિગ્રિડ ઉંસેત ઉપદેશક નથી. તે જીવનબીજ વાવે છે, તેના નૈસર્ગિક વિકાસમાં જ જીવનસંદેશ છુપાયેલો હોય છે.
બીજા વિશ્વયુદ્ધમાં નૉર્વે પર આક્રમણ થતાં સિગ્રિડ નૉર્વે છોડી અમેરિકા જતી રહી હતી. યુદ્ધ બાદ પાછી ફરતાં વતનપ્રેમી પ્રવૃત્તિ અને લેખન માટે ‘ધ ગ્રાંડ ક્રૉસ ઑવ્ સેંટ ઓલાવ’ અર્પણ કરીને 1949માં તેને સન્માનવામાં આવી હતી. તેના મૃત્યુ બાદ તેની કૃતિ ‘કૅથેરીન ઑવ્ સિયેના’ પ્રગટ થયેલ છે (1951).
કૃષ્ણવદન જેટલી