ઉંબરઠા (1981) : ભારતમાં સમર્પિત સમાજસેવિકાને સહન કરવી પડતી વિટંબણાઓ પર આધારિત બહુચર્ચિત મરાઠી ચિત્રપટ. દિગ્દર્શન : જબ્બાર પટેલ; સ્ક્રીન પ્લે : વિજય તેન્ડુલકર; વાર્તા : શાંતા મિસળ; સંગીત : હૃદયનાથ મંગેશકર; મુખ્ય કલાકાર : સ્મિતા પાટીલ, ગિરીશ કર્નાડ, શ્રીકાંત મોઘે; નિર્માતા : ડી. બી. રાવ, જબ્બાર પટેલ. સુલભા(સ્મિતા પાટિલ)એ લગ્ન બાદ સોશ્યલ વર્કનો ડિપ્લોમા કર્યો. તેનાં સાસુ નિષ્ઠાવાન સમાજસેવિકા હતાં. તેમની ઇચ્છા હતી કે સુલભા તેમના કામમાં મદદ કરે. સુલભાના હૃદયમાં એક ઇચ્છા હતી, જેને તે સ્પષ્ટ શબ્દોમાં કહી શકતી નહોતી. સુલભાને પતિ અને પાંચ વર્ષની પુત્રી માટે અપાર મમતા હતી. છોકરીની સારસંભાળ તેનાં નિ:સંતાન કાકા-કાકી રાખતાં.
સુલભાને શહેરથી દૂર મહિલા આશ્રમમાં નોકરી મળી. ઘરમાં અસંતોષ ફેલાઈ ગયો. પતિએ અનિચ્છાએ સુલભાને નોકરી સ્વીકારવાની સંમતિ આપી.
આશ્રમની દુનિયામાં અંધકાર અને ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી. તેના વિવિધ પ્રશ્નો વેશ્યાવૃત્તિ, કાળાંબજાર, જાતીયતા, ગાંડપણ, સંચાલકોનું દંભી ને તુમાખીભર્યું વલણ વગેરેના પ્રશ્નોમાં સુલભા ખોવાઈ ગઈ. આ બધા વાતાવરણમાં તેનું વ્યક્તિત્વ ખૂબ જ ખીલ્યું.
બે વર્ષ બાદ જ્યારે સુલભા પોતાના ઘરે આવી ત્યારે તેને ખૂબ જ જુદું વાતાવરણ જોવા મળ્યું. તેને લાગ્યું કે હવે તેની જરૂર ઘરમાં નથી. અંતે તે ઘર છોડીને ચાલી જાય છે.
મરાઠી ઉપરાંત હિન્દીમાં ‘સુબહ’ નામે આ ફિલ્મ ડબ થઈને રજૂઆત પામી હતી. આ ફિલ્મ ’83માં દિલ્હી ખાતે યોજાયેલ 9મા ભારતીય આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવના પેનોરમા સેક્શનમાં રજૂઆત પામી હતી.
ભૂપેશ શાહ