ઈસ્ટોનિયા (Estonia) : બાલ્ટિક સમુદ્રની પૂર્વ તરફ આવેલો ઉત્તર યુરોપીય દેશ. તે 57o 30’થી 59o 40′ ઉ. અ. અને 22o 00’થી 28o 00′ પૂ. રે. વચ્ચેનો આશરે 45,100 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફિનલૅન્ડનો અખાત, પૂર્વે પાઇપસ સરોવર, ઈશાનમાં રશિયા, દક્ષિણે લૅટવિયા, નૈર્ઋત્યમાં રીગા સરોવર તથા પશ્ચિમે બાલ્ટિક સમુદ્ર આવેલા છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 240 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 370 કિમી. છે. આ દેશને મળેલા સમુદ્રકાંઠાની લંબાઈ 774 કિમી. જેટલી છે.

ભૂપૃષ્ઠ : ઈસ્ટોનિયાના સમુદ્રકાંઠા નજીક નીચાં મેદાનો આવેલાં છે. દેશની કુલ ભૂમિના 40 % વિસ્તારમાં ખેતી થાય છે, 30 % વિસ્તારમાં જંગલો છે, જ્યારે 20 % વિસ્તાર કળણવાળો છે. પૂર્વ દિશા તરફ પાઇપસ સરોવર અને નારવા નદી આંતરરાષ્ટ્રીય સીમા રચે છે. પશ્ચિમે આવેલો સમુદ્રકંઠારપટ (beach) ઉત્તમ કક્ષાનો ગણાય છે. દેશનું ભૂપૃષ્ઠ ઊંધી રકાબી જેવું હોવાથી નદીઓ વિકેન્દ્રિત જળપરિવાહ રચે છે. અહીંની મહત્વની નદીઓમાં કસારી, જગાલા, કુંદા, એમાજોગી, નાવેસ્તી અને પટનુંનો સમાવેશ થાય છે. દક્ષિણે આવેલી હારમાળામાં મુનામાગી (318 મીટર) નામનું સર્વોચ્ચ શિખર આવેલું છે. દેશની દસમા ભાગની ભૂમિ ટાપુસ્વરૂપે આવેલી છે. સમુદ્રકિનારા નજીક આવેલા ટાપુઓ પૈકી સારેમા ટાપુ સૌથી મોટો છે.

ઈસ્ટોનિયા

આબોહવા : દેશ મધ્યમ પ્રકારની આબોહવા ધરાવે છે. અહીંના ઉનાળા શીતળ તથા શિયાળા સૌમ્ય રહે છે. શિયાળા દરમિયાન બાલ્ટિક સમુદ્રનો પ્રદેશ હિમાચ્છાદિત બની જાય છે. જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે – 7oથી – 2o સે. અને 16o સે. જેટલાં રહે છે. વાર્ષિક વરસાદની સરેરાશ 480 મિમી.થી 580 મિમી. જેટલી રહે છે.

અર્થતંત્ર : આ દેશનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ, ઉદ્યોગો તથા મત્સ્યપાલન પર આધારિત છે. અહીંની આબોહવા કૃષિઉત્પાદન માટે અનુકૂળ છે. કુલ કૃષિપેદાશો પૈકી 50 % ઉત્પાદન ઘાસચારાનું તથા પશુઓ માટેના અન્ય ખોરાકનું થાય છે. અહીં બટાટા, અન્ય શાકભાજી, ઓટ, ઘઉં, જવ તથા રાઈનું ઉત્પાદન મુખ્ય છે. લિનન કાપડ બનાવવા માટે ઉપયોગી છોડની કૃષિપેદાશ માટે આ પ્રદેશ જાણીતો છે. પશુપાલન-પ્રવૃત્તિને કારણે ડેરી-ઉદ્યોગ વિકસ્યો છે. દૂધ, માખણ, બીફ, પૉર્ક અને માંસનું ઉત્પાદન પણ વધુ છે. અહીં સ્વચ્છ અને ખારા જળની માછલીઓનું ઉત્પાદન પણ લેવાય છે. દેશની મુખ્ય ખનિજપેદાશોમાં ખનિજતેલ, કુદરતી વાયુ, કોલસો, ચૂનાખડક, ડૉલોમાઇટ, ફૉસ્ફેટ, માટી વગેરેનો સમાવેશ થાય છે. જંગલોમાંથી મેળવાતું ઇમારતી લાકડું પણ અહીંના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપે છે. જંગલોમાંથી મેળવાતા પોચા લાકડામાંથી કાગળ, દીવાસળી, પ્લાયવુડ બનાવવાના એકમો પણ કાર્યરત છે. કૃષિસંપત્તિ, પશુપાલન અને ખનિજસંપત્તિ-આધારિત અહીં રાસાયણિક ખાતર, બાંધકામસામગ્રી, કૃષિયંત્રો, કાપડ, પગરખાં, ખાદ્યસામગ્રી બનાવવાના એકમો સ્થપાયા છે.

પરિવહનસંદેશાવ્યવહાર : દેશની ભૌગોલિક પરિસ્થિતિને કારણે પરિવહન-ઉદ્યોગ પૂરતા પ્રમાણમાં વિકસી શકેલ નથી; તેમ છતાં અહીં 16,430 કિમી. લંબાઈના પાકા રસ્તાઓનું નિર્માણ થયું છે. રેલમાર્ગની લંબાઈ 968 કિમી. જેટલી છે. ટેલિન આ દેશનું મુખ્ય હવાઈમથક હોવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય હવાઈમથક તરીકે પણ જાણીતું બન્યું છે. દેશના દરિયાકિનારાને લક્ષમાં રાખીને અહીં 6 જેટલી મુખ્ય જહાજી કંપનીઓ સ્થપાઈ છે. તેનો મોટા ભાગનો વ્યવહાર ટેલિન અને મુગા બંદર મારફતે થાય છે. સંદેશાવ્યવહાર માટે ટેલિફોન અને ઇન્ટરનેટની સુવિધા દેશમાં ઉપલબ્ધ છે.

દેશનો આયાત તેમજ નિકાસનો વેપાર અનુક્રમે રશિયા, લૅટવિયા, લિથુઆનિયા, સાયપ્રસ, યુક્રેન, યુ.એસ. અને સ્વીડન સાથે તથા રશિયા, ફિનલૅન્ડ, જર્મની, લૅટવિયા, લિથુઆનિયા, યુ.કે., યુ.એસ., ચેક પ્રજાસત્તાક, સ્લોવાકિયા, સ્લોવેનિયા, યુક્રેન, પોલૅન્ડ અને હંગેરી સાથે થાય છે.

પાટનગર ટેલિન – એક વિહંગદૃશ્ય

વસ્તી : દેશની વસ્તીના 60 % લોકો રશિયનો છે, બાકીના 40 %માં બેલારશિયનો, ફિન, યહૂદીઓ અને યુક્રેનિયનોનો સમાવેશ થાય છે. દેશમાં ફિનિશ ભાષાને મળતી આવતી ઈસ્ટોનિયન ભાષા વધુ બોલાય છે. રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓનું પ્રમાણ વધુ છે. દેશની 99 % વસ્તી સાક્ષર છે. પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીની શિક્ષણવ્યવસ્થાની સુવિધા ઉપલબ્ધ છે. દેશમાં 14 જેટલી યુનિવર્સિટીઓ આવેલી છે. તે પૈકી ટાર્ટુ યુનિવર્સિટી સૌથી જૂની (1632) છે. દેશમાં થયેલા ઔદ્યોગિક વિકાસને કારણે ગ્રામીણ વસ્તી કરતાં શહેરી વસ્તીનું પ્રમાણ વધુ છે. ટેલિન, ટાર્ટુ, નારવા, કોહુટા, જારવે અને પાનું અહીંનાં મુખ્ય શહેરો છે. અહીંનું નાણું ક્રૂન (Kroon) છે. 2021 મુજબ દેશની કુલ વસ્તી 13.30 લાખ છે.

ઇતિહાસ : ઈ. પૂ. 7000 વર્ષ પહેલાં અહીં લોકો વસવાટ કરતા હતા. આ પ્રદેશ પહેલી સદીમાં એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યો. અહીં નવમી સદીમાં દરિયાઈ ચાંચિયાનું પ્રભુત્વ હતું. તેરમી સદીમાં ડેનિશ લોકોએ તેમની સત્તા અહીં જમાવેલી. 1561માં સ્વીડને અહીં તેનું વર્ચસ્ જમાવ્યું. 1914માં જર્મનોએ તેમની હકૂમત સ્થાપી. 1919માં રશિયન દળોએ અને 1941માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનોએ આ પ્રદેશ જીતી લીધેલો. 1944માં જર્મનીની હાર થતાં તે ફરીવાર યુ.એસ.એસ.આર.ના તાબામાં આવી ગયો. 1991માં યુ.એસ.એસ.આર.નું વિઘટન થતાં તે સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો છે.

રાજકીય : 1980ના વર્ષમાં ગૉર્બાચૉવે ગ્લાસનોસ્ટની નીતિ અપનાવી ત્યારે સોવિયેત સંઘ અને ઈસ્ટોનિયા વચ્ચેના રાષ્ટ્રીય મતભેદો ઊભરી આવ્યા. 1988માં તેની ધારાસભાએ એકતરફી રીતે સ્વાતંત્ર્યની ઘોષણા કરી, જે સોવિયેત સંઘ(USSR)ની ધારાસભાએ ગેરબંધારણીય ઠેરવી. આમ છતાં 1989માં આ રાજ્યે રશિયન ભાષાને સ્થાને ઈસ્ટોનિયન ભાષાને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી તે પછી તેણે સ્વાતંત્ર્યની દિશાના પ્રયાસો સતેજ બનાવી દીધા અને 1991માં સોવિયેત સંઘનું વિસર્જન થતાં તે સ્વતંત્ર દેશ બન્યો. 28 જૂન 1992માં લોકપૃચ્છા (referendum) કરવામાં આવી અને 91 ટકા મતોના સમર્થનથી નવું ઘડાયેલું બંધારણ માન્ય રાખવામાં આવ્યું. 4 જુલાઈ 1992થી નવા પ્રજાસત્તાક બંધારણનો અમલ શરૂ થયો, જે અનુસાર ઈસ્ટોનિયા ‘કાયદાના શાસનથી સંચાલિત લોકશાહી રાજ્ય’ ઘોષિત કરાયું અને આંતરરાષ્ટ્રીય કાયદાનાં સર્વસ્વીકૃત ધોરણોને દેશની કાનૂની પ્રથાનો અવિભાજ્ય ભાગ ગણાવાયાં છે.’ તેની રાષ્ટ્રીય ધારાસભા રીગિકોગુ (Riigikogu) 101 સભ્યોની બનેલી છે અને 4 વર્ષની મુદત માટે ચૂંટાય છે. આ ધારાસભા દેશના પ્રમુખને 5 વર્ષ માટે ચૂંટે છે.

1993માં તે કાઉન્સિલ ઑવ્ યુરોપમાં જોડાયો. પડોશી દેશો લૅટવિયા અને લિથુઆનિયા સાથે મુક્ત વ્યાપાર કરાર કર્યાં. 1994માં છેલ્લાં રશિયન દળો ત્યાં હતાં તેને રશિયાએ ખેંચી લીધાં. ત્યાં ઉદ્દામવાદી આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા. 1995ની સામાન્ય ચૂંટણીમાં પૂર્વ સામ્યવાદીઓએ સૌથી વધુ બેઠકો મેળવી અને ટીટ વહી(Tiit Vahi)ના નેતૃત્વ હેઠળ સરકારની રચના કરવામાં આવી. તેમણે 1997માં રાજીનામું આપ્યું અને માર્ટ સીમાન (Mart Siimann) સરકારના નવા વડા બન્યા. 7 માર્ચ 1999માં છેલ્લી ચૂંટણી થઈ અને એપ્રિલમાં નવી રચાયેલી કૅબિનેટના વડા તરીકે માર્ટ લારની વરણી કરવામાં આવી. દેશના પ્રમુખ તરીકે લેનાર્ટ મેરી 1992માં અને પુન: 1996માં ચૂંટાયા હતા. 2016થીઅલાર કારીસ પ્રમુખ છે.

તેનું અદાલતી માળખું ત્રિસ્તરીય છે, જેમાં છેક નીચેની કક્ષાએ શહેરી અદાલતો, બીજા સ્તરે જિલ્લા અદાલતો અને ત્રીજા સર્વોચ્ચ સ્તરે સ્ટેટ કૉર્ટ કામ કરે છે. સ્ટેટ કૉર્ટ ન્યાય માટેની સર્વોચ્ચ અદાલત છે.

નીતિન કોઠારી

રક્ષા મ. વ્યાસ