ઈરોડ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના પેરિયાર જિલ્લાનું મથક. ભૌગોલિક સ્થાન : 11o 27´ ઉ. અ., 77o 44´ પૂ. રે.. તે કાવેરી નદી પર વસેલું છે. વિસ્તાર : 8209 ચોકિમી.. વસ્તી : આશરે 22,59,608 (2011). આ સ્થળનું નામ પ્રસિદ્ધ કોલા મંદિર (907-1279) સાથે ઐતિહાસિક રીતે સંકળાયેલું છે. ત્યાંનાં મંદિરોના શિલાલેખો પરથી આ નગરે દસમી સદીમાં ભજવેલ ઐતિહાસિક ભૂમિકાનો ખ્યાલ કરી શકાય છે. આ નગર પર મુસલમાનો, મરાઠાઓ, બ્રિટિશ સલ્તનત તથા અન્ય મહત્વાકાંક્ષી શાસકો દ્વારા વારંવાર આક્રમણો થયાં હોવા છતાં તે ટકી શક્યું છે.
કૃષિપેદાશોના વેચાણનું તે મહત્વનું કેન્દ્ર છે. કપાસ લોઢવાનાં કારખાનાં તથા વાહનવ્યવહારને લગતાં સાધનોના ઉત્પાદન માટે તે જાણીતું છે. ઔદ્યોગિક તાલીમકેન્દ્રો ઉપરાંત ત્યાં ઉચ્ચ શિક્ષણની ચાર સંસ્થાઓ છે. દક્ષિણ-પૂર્વ, ઉત્તર-પૂર્વ તથા દક્ષિણ-પશ્ચિમ તરફ જવા માટેનું તે અગત્યનું રેલમથક હોવા ઉપરાંત પાઈકારા તથા મેત્તુર જળવિદ્યુત યોજનાને જોડનારું રેલવે-જંક્શન પણ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે