ઈરોઝ (Eros) : ગ્રીક પ્રેમદેવતા. ઈરોઝને લૅટિનમાં એમર કહે છે. રોમન પ્રજા એને ક્યૂપિડ કહે છે. તે એફ્રેડેઇટીના અરમીઝ અથવા હમીઝ સાથેના પ્રેમસંબંધનું ફરજંદ હોવાની માન્યતા પ્રવર્તે છે. પ્રાચીન ગ્રીસમાં લોકો તેને પાંખોવાળા ‘સ્પિરિટ’ તરીકે ઓળખતા. હોમરનાં મહાકાવ્યોમાં ઈરોઝનો પ્રેમદેવતા તરીકે ઉલ્લેખ નથી. ‘ઈરોઝ’ એટલે યુવાન હૃદયનો અકલ્પ્ય તરવરાટ કે અનુરાગનો આવેગ, જેના લીધે પૅરિસ-હેલન, ઝિયસ-હેરા, ઉભય પક્ષે મિલન માટે દોટ મૂકે છે. આવા પ્રકારના આવેગો કે ઉન્માદ પિનેલ્પીના ચાહકોએ અનુભવ્યા હોય એવી શાસ્ત્રોમાં નોંધ છે. પ્રતિભાશાળી યુવાન ઈરોઝ ધનુષબાણ સહિત નભોમંડળમાં ઉડ્ડયન કરવા સમર્થ છે, પણ એ ચક્ષુહીન છે. દર્શનાર્થીઓને એ બાબતનો લેશમાત્ર અણસાર ન આવે એવી એની મોહક પ્રતિભા છે. એ સ્વભાવે વિનોદી અને ક્યારેક કપટ કરીને પ્રેમી હૈયાને પારાવાર મૂંઝવણમાં મૂકે એવો કઠોર પણ છે. પુષ્પોની ક્યારીઓ પર હળવાં પગલાં પાડનાર ઈરોઝ યુવાન હૈયાની સૂધબૂધને પળવારમાં હરી લેનાર ગણાય છે. તે ‘મધુર-કડવો’ હોવા છતાં વિવિધ કીમિયાથી સૌના સંયમ-નિયમોની પાળને તોડાવનાર અને એમ અનેક રીતે આકર્ષણ જમાવનાર પ્રેમદેવતા છે. હિસિયોડના વર્ણન પ્રમાણે ઈરોઝ તેની માતાના સાન્નિધ્યમાં રહેવાનું પસંદ કરે છે. પ્રાચીન ગ્રીસમાં એ વંશવૃદ્ધિના આદરણીય દેવ તરીકે પૂજાયો છે. ઈરોઝ-સાયકિ વિશ્વમાં સર્વપ્રથમ પ્રેમીયુગલ તરીકે અમરત્વને પામ્યાં છે.
સુરેશ શુક્લ