ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ઍક્ટ : ભારતના સ્વાતંત્ર્યને લગતો કાયદો. દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ (ઑગસ્ટ, 1945) બાદ હિન્દને સ્વાતંત્ર્ય આપવાની પ્રક્રિયા વિશેષ વેગીલી બની. હિન્દના મુખ્ય રાજકીય પક્ષોમાં એકતાના અભાવને લીધે તથા મુસ્લિમ લીગ પાકિસ્તાનની પ્રાપ્તિ માટે આગ્રહી હોવાને કારણે ભારતને અખંડિત રાખીને સ્વરાજ્ય આપવાની કૅબિનેટ મિશન યોજના નિષ્ફળ ગઈ. આ સંજોગોમાં લૉર્ડ વેવેલને સ્થાને માર્ચ, 1947માં ભારતના ગવર્નર જનરલ તરીકે લૉર્ડ માઉન્ટબેટનની નિયુક્તિ થઈ. આ સમયે ભારતના વિવિધ ભાગોમાં પાકિસ્તાનની તરફેણમાં ભયંકર કોમી દંગલો ફાટી નીકળ્યાં હતાં અને જાનમાલની પુષ્કળ પાયમાલી થઈ હતી. વચગાળાની સરકાર કાર્ય કરવા અસમર્થ બની હતી. આ પરિસ્થિતિમાં લૉર્ડ માઉન્ટબેટનને ભારતના ભાગલા અનિવાર્ય લાગ્યા. આ માટે કૉંગ્રેસના મુખ્ય નેતાઓએ પણ નાછૂટકે સંમતિ આપી. મુસ્લિમ લીગના સરનશીન મહમ્મદઅલી ઝીણાએ પણ બંગાળ તથા પંજાબના વિભાજન સાથેના ભારતના ભાગલા સ્વીકાર્યા. પરિસ્થિતિનો તાગ પામીને ગાંધીજીએ કહ્યું, ‘‘એમ ન કહેવાઓ કે ગાંધી હિન્દના દેહછેદનનો પક્ષકાર હતો. પણ આજે તો સૌ કોઈ સ્વાતંત્ર્યને માટે અધીરું બન્યું છે એટલે બીજો કશો ઉપાય નથી… જે વસ્તુ સ્વત: બૂરી હતી તે લાગતા-વળગતા પક્ષોએ તેનો સ્વીકાર કર્યા પછી સારી બની જતી નથી, પછી ભલે સ્વીકાર કરવાને પ્રેરનારાં કારણો દરેક દાખલામાં જુદાં જુદાં હોય.’’ (પ્યારેલાલ : મહાત્મા ગાંધી  પૂર્ણાહુતિ, પૃ. 268 અને 378).

જુલાઈની ત્રીજીએ (1947) માઉન્ટબેટને ભાગલાની યોજનાને આખરી સ્વરૂપ આપ્યું. બ્રિટિશ સંસદે તે જુલાઈ 1947માં હિંદ સ્વાતંત્ર્ય પ્રસ્તાવ તરીકે પસાર કરતાં તથા તેને તુરત તાજની મંજૂરી મળતાં તેને હિન્દ સ્વાતંત્ર્ય ધારા તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યો.

આ અધિનિયમની મુખ્ય જોગવાઈઓ અનુસાર દેશનાં ભારત અને પાકિસ્તાન એવાં બે સ્વતંત્ર રાષ્ટ્રો 15મી ઑગસ્ટ 1947થી અસ્તિત્વમાં આવ્યાં. પાકિસ્તાનમાં સરહદ પ્રાંત, બ્રિટિશ બલુચિસ્તાન, સિંધ, પશ્ચિમ પંજાબ તથા પૂર્વ બંગાળનો જ્યારે બાકીના પ્રદેશોનો ભારતમાં સમાવેશ કરવામાં આવ્યો. બંને રાષ્ટ્રોનાં મધ્યસ્થ ધારાગૃહોએ એકી સાથે બંધારણ સભાની તેમજ ધારાસભાની કામગીરી કરવાની હતી. 15મી ઑગસ્ટ, 1947થી બંને રાષ્ટ્રો પરથી તેમજ ભારતનાં દેશી રાજ્યો પરથી બ્રિટિશ સાર્વભૌમત્વનો અંત આવ્યો. દેશી રાજ્યોને બંનેમાંથી એક રાષ્ટ્ર સાથે જોડાવાની કે અલગ રહેવાની છૂટ આપવામાં આવી. બંને રાષ્ટ્રોની સરહદો, મિલકતની વહેંચણી, લશ્કરનું વિભાજન વગેરે અલગ અલગ પંચોની નિયુક્તિ દ્વારા નિશ્ચિત કરવાનું સૂચવવામાં આવ્યું. બંને રાષ્ટ્રોમાં ગવર્નર જનરલ નિયુક્ત કરવાનું, પરંતુ તેનું સ્થાન માત્ર બંધારણીય રાખવાનું ઠરાવવામાં આવ્યું. ભારત સરકારની જુદી જુદી સેવાઓના અધિકારીઓ તથા કર્મચારીઓના હકોનું રક્ષણ કરવાની તેમજ તેમની સેવાઓ ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી.

રમણલાલ ક. ધારૈયા