ઈનાંતર અને પરમ ઈનાંતર (elongation and greatest elongation) : ઈનાંતર (= ઈન + અંતર) એટલે સૂર્ય સાથે ગ્રહનું કોણીય અંતર. સૂર્યમંડળમાં બુધ અને શુક્રના ગ્રહોની કક્ષા પૃથ્વીની કક્ષાની અંદરની બાજુ આવેલી છે. [બુધ માટે 1 વર્ષ = 88 દિવસ, શુક્ર માટે 1 વર્ષ = 225 દિવસ અને પૃથ્વી માટે 1 વર્ષ = 365 દિવસ] આવા અંદરની તરફ આવેલા ગ્રહોને interior planets કહે છે. આમ બુધ અને શુક્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પ્રત્યેક સાંપાતિક ગાળા (synodic period) દરમિયાન પસાર થતા હોય છે.
અહીં બુધ તેમજ પૃથ્વીની ભ્રમણકક્ષા દર્શાવેલી છે. જ્યારે પૃથ્વી 1 આગળ હોય ત્યારે બુધના ગ્રહ અને પૃથ્વીની વચ્ચે સૂર્ય આવે છે અને પૃથ્વી, સૂર્ય તેમજ બુધના ગ્રહ(1´)ની સાથે એક સીધી રેખામાં આવે છે. આ સ્થિતિને ઊર્ધ્વ યુતિ (superior conjuction) કહે છે. તેને બહિર્યુતિ પણ કહે છે. તે વખતે બુધના ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર મહત્તમ હોય છે. આમ સૂર્યમંડળના આકાશી પદાર્થોના ભૂકેન્દ્રીય ભાગે longitude સરખા થાય ત્યારે તે બંને જ્યોતિઓ યુતિમાં છે તેમ કહેવાય. હવે જ્યારે પૃથ્વી 2 આગળ આવે ત્યારે બુધ, સૂર્યની પૂર્વ બાજુએ 2´ આગળ હોય છે. આ વખતે તેનું કોણીય અંતર મહત્તમ હોય છે. આ સ્થિતિને બુધનું પરમ પૂર્વીય ઈનાંતર (greatest eastern elongation) કહે છે. પૃથ્વી 4 નંબરના સ્થાને આવે ત્યારે બુધના ગ્રહ (4´)થી તેનું અંતર લઘુતમ છે. સાંપાતિક કાળ (= પૃથ્વીને પહેલી ઊર્ધ્વયુતિના સ્થાન 1થી બીજી ઊર્ધ્વયુતિના સ્થાન 7 સુધી આવવા માટેનો સમયગાળો) પૂરો થાય તે પહેલાં, પૃથ્વી જ્યારે 6 ઉપરના સ્થાને હોય ત્યારે બુધ(6´)નું પરમ પશ્ચિમીય ઈનાંતર (greatest western elongation) થાય છે. 7મા સ્થાન ઉપર 7´ની સાથે ફરી પાછી ઊર્ધ્વયુતિ બને છે.
છોટુભાઈ સુથાર
દીપક ભદ્રશંકર વૈદ્ય