ઈફેલ્સબર્ગ રેડિયો ઑબ્ઝર્વેટરી

January, 2002

ઈફેલ્સબર્ગ રેડિયો ઑબ્ઝર્વેટરી : પશ્ચિમ જર્મનીના ઈફેલ પર્વતવિસ્તારના ઈફેલ્સબર્ગ નામના સ્થળે બૉનની પશ્ચિમે 40 કિલોમીટર દૂર આવેલી રેડિયો-વેધશાળા. તેનું સંચાલન બૉન ખાતે આવેલી મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા થતું હોવાથી, તે મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર રેડિયો ઍસ્ટ્રૉનૉમી તરીકે પણ ઓળખાય છે. બધી જ દિશામાં સહેલાઈથી ઘુમાવી શકાય તેવો વિશ્વનો મોટો રેડિયો-ટેલિસ્કોપ અહીં છે. પરવલયજ (paraboloid) આકારના આ ટેલિસ્કોપનો વ્યાસ 100 મીટર છે. ફૂટબૉલના મેદાન જેટલા કદના આ રેડિયો-ટેલિસ્કોપનું સ્થાપન (mounting) ઉદ્દિગ્-અંશ (altazimuth) પ્રકારનું છે. તે સંપૂર્ણપણે કમ્પ્યૂટર-સંચાલિત છે. આ ટેલિસ્કોપને ઊભો કરતાં 4 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 1971થી તે વપરાશમાં છે. એની થાળી(ડિશ)ની સમગ્ર સપાટી 5 સેન્ટિમીટર જેટલી તરંગલંબાઈએ કામ કરવાની ક્ષમતા ધરાવે છે. 80 મીટર પહોળો મધ્યનો ભાગ 1.2 સેન્ટિમીટર તરંગલંબાઈએ કામ આપે છે. એની વિભેદનક્ષમતા (resolving power) 2 સેન્ટિમીટર તરંગલંબાઈએ, 0.8 ચાપકલા (arc minute) જેટલી છે. આ પ્રકારના સેન્ટિમીટર તરંગલંબાઈ ઉપર કામ કરનારા અન્ય રેડિયો-ટેલિસ્કોપ પૈકી એક, ઇંગ્લૅન્ડમાં જોડ્રેલ-બૅન્ક રેડિયો ઑબ્ઝર્વેટરી ખાતે છે, તેનો વ્યાસ 76 મીટર છે. એવો જ બીજો ટેલિસ્કોપ ઑસ્ટ્રેલિયાની માર્કસ ઑબ્ઝર્વેટરી ખાતે છે, તેનો વ્યાસ 64 મીટર છે.

સુશ્રુત પટેલ