ઈથર (આયુર્વિજ્ઞાન) : શસ્ત્રક્રિયા વખતે દર્દીને બેહોશ કરવા વપરાતી ડાઇઇથાઇલ ઈથર નામની દવા. યુનાઇટેડ સ્ટેટ્સની મૅસેચૂસેટ્સ હૉસ્પિટલના તબીબી અભ્યાસક્રમના બીજા વર્ષના વિદ્યાર્થી વિલિયમ ટી. જી. મૉર્ટને ડૉ. વૉરન નામના સર્જ્યનના ગિલ્બર્ટ ઍબટ નામના દર્દી ઉપર શંકાશીલ અને કુતૂહલપૂર્ણ શ્રોતાઓની હાજરીમાં તેનો સૌપ્રથમ સફળ પ્રયોગ 16 ઑક્ટોબર, 1846ના રોજ કર્યો. આ સ્થળને આજે પણ ‘ઈથર ડોમ’ તરીકે સ્મારક રૂપે જાળવી રાખવામાં આવ્યું છે. એક મહિનામાં ઈથર યુરોપ-અમેરિકામાં સર્વત્ર એક નિશ્ચેતક (anaesthetic agent) તરીકે સ્વીકાર પામ્યું. મૉર્ટને શરૂઆતના પ્રયોગો પ્રાણીઓ અને પોતાની જાત ઉપર કર્યા હતા. તેના હાર્વર્ડ ખાતેના રસાયણશાસ્ત્રના શિક્ષક ચાર્લ્સ જૅક્સને દાવો કર્યો હતો કે તેણે સૌપ્રથમ આ માહિતી મૉર્ટનને જણાવી હતી. તેવી જ રીતે નાઇટ્રસ ઑક્સાઇડનો આ જ પ્રકારનો ઉપયોગ જાહેરમાં દર્શાવવામાં નિષ્ફળ ગયેલા ક્રોફૉર્ડ લૉન્ગે પણ દાવો કર્યો હતો કે તે 1842થી ઈથરનો ઉપયોગ કરતો આવ્યો હતો. વિવિધ દાવાઓને કારણે મૉર્ટનને ઈથરના આ પ્રકારના ઉપયોગની શોધનું પૂરતું માન ન મળ્યું, તેમ છતાં નિશ્ચેતનવિદ્યા એટલે કે શસ્ત્રક્રિયા દરમિયાન દર્દીને બેહોશ કરવાની વિદ્યા(surgical anaestheiology)ની સંકલ્પનાના સ્થાપક તરીકે મૉર્ટન ચિરસ્મરણીય છે.
હાલ નવા નિશ્ચેતકોના સંશોધનને કારણે અને શસ્ત્રક્રિયા વખતે વીજળીથી ચાલતાં સાધનોના વિશેષ ઉપયોગને લીધે ઈથરનું મહત્વ ઘટી રહ્યું છે, તેમ છતાં ભારતમાં હજુ તેનો ઉપયોગ ઘણા મોટા પ્રમાણમાં થતો રહ્યો છે. તેની વિષાક્તતા ઓછી છે. તે દર્દીને ખાસ તકલીફો કરતું નથી. તેનાથી સ્નાયુની જરૂરી શિથિલતા મેળવી શકાય છે, છતાં તે શ્વસનકાર્યને કે હૃદયના કાર્યને મંદ પાડતું નથી. તે સસ્તું છે અને ખૂબ જ સાદા સાધન (ફેલ્ગની બૉટલ) વડે દૂરનાં ગામડાંમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. જોકે ગરમ સપાટી, જ્વાળા કે તણખાના સંપર્કથી તે ધડાકા સાથે સળગી ઊઠે છે. તેના ઉપયોગ સમયે ઉપલા શ્વસનમાર્ગમાં શ્લેષ્મનો ઘણો સ્રાવ થાય છે. ઈથરને કારણે બાળકોમાં ચયાપચયી વિકારને લીધે તાવ ચડતો માલૂમ પડેલ છે. તે મૂત્રપિંડના કાર્યમાં તકલીફ ઊભી કરી શકે છે. આ ગેરફાયદાઓને કારણે હાલ વિશ્વમાં તેનો ઉપયોગ ઘટતો રહ્યો છે.
એમ. ટી. ભાટિયા
શિલીન નં. શુક્લ