ઈકોટાઇપ (પારિસ્થિતિક પ્રરૂપ) : વિશાળ ભૌગોલિક વિસ્તારમાં થતી જાતિઓની સ્થાનત: અનુકૂલિત (locally adapted) વસ્તી. તેઓ સ્થાનિક પરિસ્થિતિઓ સાથે સમાયોજિત (adjusted) સહિષ્ણુતાઓની મર્યાદાઓ (limits of tolerances) ધરાવે છે. તાપમાન, પ્રકાશ અથવા અન્ય પરિબળોની પ્રવણતાઓ (gradients) સાથેનું પ્રતિપૂરણ (compensation) જનીનીય ઉપજાતિઓ(subspecies)ને, બાહ્યાકારકીય અભિવ્યક્તિ સાથે કે સિવાય, સાંકળે છે અથવા માત્ર દેહધર્મવિદ્યાકીય પર્યનુકૂલન (acclimation) દર્શાવે છે.
ટુરેસન(1922)ના મત મુજબ, નિયત રહેઠાણને અનુલક્ષીને સજીવની જાતિઓમાં જોવા મળતા સમજનીનલક્ષી ફેરફારોથી ઉપજાતિઓ ઉદભવે છે. તે સજીવો જનીનવિદ્યાની ર્દષ્ટિએ અલગ, પરંતુ આંતર અને અંત:પ્રજનન(inter and intrabreeding)નો ગુણ દર્શાવતા હોવાથી તે સઘળા સજીવોને એક જ જાતિ(species)માં મૂકવામાં આવે છે. એક જ જાતિ વિવિધ સ્વરૂપો દર્શાવે છે, પરંતુ તેમની ભૂમીય, જૈવિક અને સૂક્ષ્મ આબોહવાકીય જરૂરિયાતો ભિન્ન ભિન્ન હોય છે.
પારિસ્થિતિક પ્રરૂપનું અનુકૂલન અથવા તેની ભિન્નતા આનુવંશિક થયા પછી ઉત્ક્રાંતિ-સોપાનમાં કાયમી બને છે. આવા ફેરફારોનું ઉત્પત્તિસ્થાન સંકરણ, સમવિભાજન અથવા અર્ધસૂત્રીભાજન દરમિયાન થતી અનિયમિતતા છે.
ભરત પંડિત