ઇ-પેમેન્ટ : ઇ-પેમેન્ટ એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થતી ચુકવણી. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે કોઈ ચીજવસ્તુઓની ખરીદી માટે કે સેવાના ઉપયોગ માટે રોકડમાં નાણાંની ચુકવણી કરવાને બદલે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ), BHIM (Bharat Interface for Money), PayTM, Google Pay, NEFT (National Electronic Fund Transfer), RTGS (Real Time Gross Payment), IMPS (Immediate Payment Service), ઇ-વોલેટ, મોબાઇલ વોલેટ, ક્યુઆર પેમેન્ટ, કોન્ટેક્ટલેસ પેમેન્ટ, વગેરે મારફતે કરો, તો તમે ઇ-પેમેન્ટ કર્યું છે એમ કહેવાય. તેમાં તમે ઇલેક્ટ્રોનિક માધ્યમ સાથે જોડાણ કરેલા તમારા બેંક ખાતામાંથી નાણાં સામેના પક્ષના ઇલેક્ટ્રોનિક માધ્યમ સાથે જોડાયેલા બેંક ખાતામાં હસ્તાંતરિત થાય છે.
ભારત સરકારની ઇ-પેમેન્ટ માટે સર્વોચ્ચ સંસ્થા છે – એનપીસીઆઈ (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા), જે યુપીઆઈ સહિત વિવિધ ઇ-પેમેન્ટ માધ્યમોનું નિયમન કરે છે. તેની મુખ્ય વ્યવસ્થા યુપીઆઈ છે. હાલ દરેક બેંક પોતાની ઇ-પેમેન્ટ અને મોબાઇલ એપ ધરાવે છે, જેના થકી કોઈ પણ રીતે ઇ-પેમેન્ટ થાય છે. દેશમાં સૌથી વધુ ઇ-પેમેન્ટ યુપીઆઈ દ્વારા થાય છે. નાણાકીય વર્ષ 2021-22માં 382 બેંકોએ યુપીઆઈ થકી 74,044.48 મિલિયન નાણાકીય વ્યવહારો કર્યા હતા, જેનું મૂલ્ય રૂ. 12,594,818.73 કરોડ હતું. ઇ-પેમેન્ટમાં સૌથી વધુ બજારહિસ્સો યુપીઆઈનો છે.
સામાન્ય રીતે ભારતીય અર્થતંત્ર રોકડ આધારિત છે. તેના પગલે દેશમાં મોટા પાયે કાળું નાણું પેદા થાય છે. કાળું નાણું હકીકતમાં સમાતંર અર્થતંત્ર છે, જેના થકી સરકારને કરવેરાની આવકમાં મોટું નુકસાન થાય છે. એટલે સરકારે છેલ્લાં દાયકામાં ભારતીય અર્થતંત્રને કેશલેસ અર્થતંત્ર બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. તેના પગલે સરકાર અને ખાનગી કંપનીઓએ, બેંકો, ઇ-વોલેટ કંપનીઓ વગેરે વધુને વધુ ઇ-પેમેન્ટની વ્યવસ્થા ઊભી કરી રહી છે. એક અંદાજ મુજબ, ભારતમાં હાલ પણ 80 ટકાથી વધારે વ્યવહારો રોકડ રકમ દ્વારા થાય છે. જોકે કોરોના મહામારી પછી ઇ-પેમેન્ટને મોટો વેગ મળ્યો છે.
તાજેતરમાં ભારતે સિંગાપોર સાથે ઇ-પેમેન્ટ માટે કરાર કર્યા છે. એટલે બંને દેશોમાં રહેતાં લોકો ઇ-પેમેન્ટ થકી નાણાકીય વ્યવહારો કરી શકે છે. ભારતે સિંગાપોર ઉપરાંત મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, વિયેતનામ, કમ્બોડિયા, તાઇવાન, દક્ષિણ કોરિયા અને જાપાન સાથે યુપીઆઈ આધારિત ક્યુ-આર કોડ પેમેન્ટ સિસ્ટમ પ્રસ્તુત કરવા સમજૂતી કરી છે. ભીમ એપ મારફતે યુપીઆઈ વ્યવહારો સ્વીકાર કરનારો પ્રથમ દેશ ભૂટાન હતો. મલેશિયા અને યુએઇમાં પણ યુપીઆઈ મારફતે નાણાકીય વ્યવહારો થાય છે.
કેયૂર કોટક