ઇસબગુલ : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લેન્ટેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Plantago ovata Forsk. (સં. ઇષદગોલ, સ્નિગ્ધજીરક; હિં., મ. ઇસબગોલ; ક., તે. ઇસબગુલ; તા. ઇસપ્પુકોલવીર; ગુ. ઓથમીજીરું, ઇસબગુલ, ઘોડાજીરું; અં. બ્લૉન્ડ સિલિયમ, ઇસ્પાગુલ.) છે. ભારતમાં આ પ્રજાતિની લગભગ 10 જેટલી જાતિઓ થાય છે. ગુજરાતમાં ઇસબગુલ ઉપરાંત P. psyllium L. (જી રોલો) થાય છે. ઇસબગુલ મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુરનાં ખેતરોમાં વવાય છે. જ્યારે P. psyllium ઉત્તર ગુજરાતમાં માણસા પાસે અને મધ્ય ગુજરાતમાં વલ્લભવિદ્યાનગર પાસેનાં વાવેતરવાળાં ખેતરોમાં નીંદામણ તરીકે મળે છે.
ઇસબગુલનું સંચયન પહેલાં આદિમજાતિઓ (આદિવાસીઓ) કરતી હતી. તેના છોડ પંજાબ, સિંધ અને ઈરાનના વન્ય પ્રદેશોમાં ઊગે છે.
ઇસબગુલના છોડ એકવર્ષાયુ અને આશરે 30-60 સેમી. ઊંચા અથવા અલ્પસ્તંભી (subcaulescent) સાંકડાં, સીધાં, નરમ રુવાંટીવાળાં 5-15 સેમી. લાંબાં, સાદાં પર્ણો. જમીનથી ઉપર આવતાં પર્ણમાં સમાંતર શિરાવિન્યાસનો ભાસ થાય છે. પરિવેષ્ટિત પર્ણતલ.
પ્રકાંડની ટોચ ઉપર પુષ્પોની શૂકી (spike) સ્વરૂપે તે ગોઠવાયેલાં હોય છે. તેનો પ્રવૃન્ત (scape) 6-18 સેમી. લાંબો અને તેના અગ્રે જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ સુધી પુષ્પ અને ફળ ઉદભવે. વાનસ્પતિક અને પ્રજનનકલિકાઓ ગાંઠ (node) ઉપર લાંબી શાખા, અગ્રાભિવર્ધી ક્રમમાં (acropetal) આવે. અગ્રકલિકા કાયમને માટે વાનસ્પતિક જ રહે. તે પુષ્પમાં પરિવર્તન ન પામે. ઇસબગુલનાં સર્વ અંગો જેવાં કે પુષ્પવિન્યાસ, શાખા, પુષ્પ, પુંકેસર અને વિકસતો ભ્રૂણ ઍસ્કોર્બિક ઍસિડ (વિટામિન C)થી ભરપૂર રહે છે.
દ્વિલિંગી, અરીય સમમિતિ (radial symmetry) ધરાવતાં પુષ્પો 4 વજ્રપત્રો, 4 યુક્ત દલપત્રો, 4 પુંકેસરો ઉચ્ચસ્થ, 1 સ્ત્રીકેસર, પરંતુ 2 અંડાશયવાળું અંડાકાર કે હોડી આકારનું બીજ. બીજની એક બાજુ બહિર્ગોળ અને બીજી બાજુ અંતર્ગોળ. બીજની એક બાજુ સંધિરેખા કે નાભિ(hilum)ના અવશેષ દેખાય છે. તેનો રંગ જાંબુડી ભૂરાથી બદામી હોય છે. તે બંને બાજુએ સફેદ પાતળી કલા(membrane)થી ઢંકાયેલું રહે છે. પાણી કે ભેજ સાથેના સંપર્કથી બીજની બાહ્ય અને અરીય દીવાલો તૂટી જાય છે અને શ્લેષ્મક દ્રવ્ય (mucilage) બહાર આવે છે. ઇસબગુલ છેલ્લાં 50 વર્ષથી ગુજરાતમાં વેપારી ધોરણે વવાય છે.
અમેરિકામાં પણ ઇસબગુલનું વાવેતર કરવાના પ્રયાસો થયા છે. પસંદગી (selection), સંકરણ (hybridization) અને બહુરંગસૂત્રીયતા(polyploidy)ના પ્રેરણ દ્વારા સુધારેલા પ્રકારો પ્રાપ્ત કરવાની પરિયોજના શરૂ કરવામાં આવી. ચતુર્ગુણિતો (tetraploids) દ્વિગુણિતો (diploid) કરતાં પ્રબળ હોય છે અને તે બીજ કદમાં મોટાં ધરાવે છે અને શ્લેષ્મક દ્રવ્ય વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરે છે; પરંતુ તેઓ દ્વિગુણિતો કરતાં ઓછા ફળદ્રૂપ હોય છે.
આબોહવા અને જમીન : ઇસબગુલ શિયાળુ પિયત પાક છે. રેતાળ અને ગોરાડુ જમીન તથા સૂકું ઠંડું હવામાન તેને માફક આવે છે. કાળી, ભારે તથા ઓછા નિતારવાળી જમીન તેને માફક આવતી નથી. ભેજવાળું હવામાન, ઝાકળ વગેરેને કારણે બીજ ખરી પડે છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
ખેડ : જમીન સારી રીતે ખેડાયેલ, નીંદામણ અને ઢેફાં વગરની હોવી જરૂરી છે. હલકી જમીન માટે 8 x 3 મી.ના ક્યારા અગર તેનાથી નાના ક્યારા અનુકૂળ રહે છે.
ખાતર : પાયાના ખાતર તરીકે 25 કિગ્રા. નાઇટ્રોજન અને 25 કિગ્રા. ફૉસ્ફરસ પ્રતિ હેક્ટર અપાય છે. વાવણી પછી 30 દિવસે 25 કિગ્રા. નાઇટ્રોજન પ્રતિ હેક્ટર અપાય છે. આ પાકને ઓછો નાઇટ્રોજન જરૂરી હોઈ જમીનનો નાઇટ્રોજન-અંદાજ મેળવવો જરૂરી છે. ઇસબગુલ ઉગાડતાં પહેલાં કઠોળપાકની ખેતી કરવાથી જમીનની ફળદ્રૂપતા જળવાઈ રહે છે.
બીજ અને વાવણી : વધુ પ્રમાણમાં સ્ફુરણ મેળવવા માટે અગાઉની ઋતુમાં જ તૈયાર કરેલ બીજ વાપરવું જરૂરી છે. જૂનાં બીજ સ્ફુરણશક્તિ ગુમાવે છે. વાવતાં અગાઉ સેરસાન 2.5 ગ્રા. પ્રતિ કિગ્રા. અથવા એપ્રૉન 5 ગ્રા. પ્રતિ કિગ્રા. દવાઓનો પટ આપવાથી પાકની શરૂઆતમાં થતા રોગ અટકાવી શકાય છે. બીજ નાનાં હોવાથી રેતી અથવા ચાળેલા છાણિયા ખાતર સાથે ભેળવીને પૂંખીને વાવણી કરાય છે. બીજને માટી સાથે ભેળવવા એક જ બાજુ સાવરણો ફેરવાય છે. પ્રતિ હેક્ટર 4 કિગ્રા. બીજનું પ્રમાણ યોગ્ય ગણાય છે. 20 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધીમાં વાવણી કરાય છે. જોકે ડિસેમ્બરનું પહેલું અઠવાડિયું ઉત્તમ ગણાય છે. વહેલી વાવણી તથા વધુ બીજના દરને કારણે ‘તળછરા’ રોગની વધુ શક્યતા રહે છે. મોડી વાવણીને કારણે શિયાળામાં વૃદ્ધિ માટેનો સમય ઓછો રહે છે અને એપ્રિલ-મેમાં થતા વરસાદને કારણે બીજ ખરી પડે છે.
પિયત : વાવણી પછી તુરત જ પ્રથમ પાણી અપાય છે. 6-7 દિવસે બીજ ઊગી ન નીકળે તો જમીનનું ઉપલું પડ પલળે તેટલું પાણી ફરી અપાય. કુલ 6થી 7 પાણીની જરૂર પડે છે. સૌથી વધુ ડૂંડીઓમાં દાણા ‘દૂધ અવસ્થાએ’ હોય ત્યારે છેલ્લું પાણી અપાય છે. વાવણી-સમયે, 30 દિવસે અને 70 દિવસે એમ 3 પાણી પૂરતાં છે.
નીંદામણ : 2થી 3 વખત નીંદામણ કરવું જરૂરી બને છે. નીંદામણનાશક દવાના ઉપયોગથી નીંદામણ-ખર્ચ ઘટાડી શકાય છે. આ માટે આઇસોપ્રોટુશેનયુક્ત દવાનો છંટકાવ કર્યા બાદ 10 દિવસ પછી જ બીજ વાવવાં જરૂરી ગણાય છે.
કાપણી : પાક તૈયાર થતાં માત્ર હાથ અડકાડતાં ડૂંડીમાંથી દાણા બહાર આવે છે (માર્ચ-એપ્રિલ). જમીન પાસેથી કાપીને કે આખો જ છોડ ઉખેડીને પાક લેવાય છે. કાપણી સમયે વાદળાં, ભેજ અને ઝાકળ ન હોય તો સારું. ઝાકળ ઊડી જાય પછી જ કાપણી કરાય. ખળામાં 2 દિવસ સૂકવ્યા બાદ બળદ અગર ટ્રૅક્ટરથી પગર કરી, ઊપણીને દાણા લેવાય છે.
ઉત્પાદન : ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ બહાર પાડેલી સુધારેલી જાત ગુજરાત ઇસબગુલ 1 અને 2 વાવવાથી ઉતાર અનુક્રમે પ્રતિ હૅક્ટરે 800-900 કિગ્રા. અને 1000 કિ. ગ્રામ જેટલો મળે છે. વાવણી માટે બીજને યોગ્ય દવાઓ(કૅપ્ટાન, ડાયથેન એમ, થાયરમ)ની માવજતથી સાચવી શકાય છે.
છેલ્લા આંકડા (1985-86) પ્રમાણે ગુજરાતમાં 26,900 હેક્ટરમાં ઇસબગુલની ખેતી કરવામાં આવે છે અને ઉત્પાદન 18,800 ટન જેટલું છે. ઇસબગુલની નિકાસ યુ.એસ., પ. જર્મની, બ્રિટન અને ફ્રાંસમાં કરવામાં આવે છે. 1989માં નિકાસ રૂ. 38.80 કરોડની હતી.
ઇસબગુલ બીજ ઉપરનું સૂકું બીજાવરણ છે. બીજને ઘંટીમાં ભરડી, ઝાટકીને આ બીજાવરણ (ભૂસી, ક્લાઈ) અલગ કરવામાં આવે છે અને ઉપયોગમાં લેવાય છે. આ બીજાવરણ 2-3 મિમી. લાંબાં અને 2-5 મિમી. પહોળાં અને લગભગ સફેદ રંગનાં હોય છે. બીજાવરણનું પ્રમાણ લગભગ 10 % જેટલું હોય છે. તે મુખ્યત્વે શ્લેષ્મક દ્રવ્ય (mucilage) ધરાવે છે. શ્લેષ્મક દ્રવ્યમાં પેન્ટોઝાન અને આલ્ડોબાયૉનિક ઍસિડ મુખ્ય ઘટકો છે. ભ્રૂણપોષ અને ભ્રૂણમાં સ્થાયી તેલ અને પ્રોટીન (17 %થી 19 %) હોય છે. આથી ઇસબગુલ કાઢી લીધા પછીનું બી ઢોરના ખાણ તરીકે ઉપયોગી બને છે.
આયુર્વેદ અનુસાર તે શીત, સ્નિગ્ધ, પૌષ્ટિક, બલ્ય, બૃંહણ, ગુરુ, મધુર, તૃષાશામક અને વાત-પિત્તશામક હોય છે. કબજિયાત, મરડો, ઝાડા, રક્તાર્શ, સ્વપ્નદોષ, બહુમૂત્રતા, ધાતુદોષ, જ્વરાતિસાર, દાહ સોમલવિષ, રક્તાતિસાર, જીર્ણાતિસાર, રક્તસ્રાવ, જ્વર, પ્રમેહ, બાળકોની રક્તસંગ્રહણી વગેરેમાં ઉપયોગી છે. આધુનિક સંશોધન પ્રમાણે ઇસબગુલ પાચનતંત્ર અને મૂત્રજનનતંત્રના શ્લેષ્મ આવરણોના સોજા દૂર કરવામાં તથા આંતરડાંનાં ચાંદાં, મસા વગેરેની સારવારમાં ઉપયોગી સાબિત થયેલ છે. ઔષધીય ઉપયોગો ઉપરાંત રંગકામ, કાપડછપાઈકામ, આઇસક્રીમ, મીઠાઈ તથા સૌન્દર્યપ્રસાધનોની બનાવટમાં પણ તે વપરાય છે.
રોગો : આ પાકમાં મુખ્યત્વે Pernospora plantfaginis નામની ફૂગથી ‘તળછારા’ (downy mildew) નામનો રોગ થાય છે. રોગની શરૂઆત ડૂંડી દેખાવાના સમયે થાય છે. પાન ઉપર નાના ડાઘ રૂપે શરૂઆત થઈને આખા પાન ઉપર આ રોગ ફેલાય છે. રોગપ્રેરક ફૂગ પાનની નીચેની બાજુ રાખોડી રંગની રુવાંટી રૂપે દેખી શકાય છે. સમય જતાં રોગવાળાં પાન ચીમળાઈને, ભૂખરા કથ્થાઈ રંગનાં થઈને સુકાઈ જાય છે. આ રોગથી છોડનો વિકાસ થતો નથી. ડૂંડી નાની, વળી ગયેલી અને ઓછા દાણાવાળી હોય છે, જેથી પાકનું ઉત્પાદન ઓછું થાય છે. ઠંડા, ભેજયુક્ત અને ઝાકળવાળા હવામાનમાં આ રોગ વધુ વ્યાપક બને છે. વાવણી પછી 30 દિવસથી શરૂ કરીને 15-20 દિવસના અંતરે બે-ત્રણ વાર બોર્ડોમિશ્રણ, ફાયટોલાન, ડાયથેન-45 અથવા રેડોમીલના છંટકાવથી રોગ ઉપર કાબૂ મેળવી શકાય છે. બીજને વાવતાં પહેલાં સેરેસાન અથવા એપ્રૉનનો પટ આપવો હિતાવહ છે.
કેટલીક વાર પાકમાં સફેદ ધૈણ અને ઊધઈ જેવી જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળે છે. પ્રાથમિક ખેડ વખતે લિન્ડેન અથવા બી. એચ. સી. વાપરવાથી રોગને અટકાવી શકાય છે. મોલોમશીના ઉપદ્રવ સામે રોગરનો છંટકાવ હિતાવહ છે.
શોભન વસાણી
કનૈયાલાલ ચંદુલાલ દલાલ