ઇવાનૉવ, વ્સેવોલૉદ વ્યાચેસ્લાવૉવિચ (જ. 24 ફેબ્રુઆરી 1895; અ. 15 ઑગસ્ટ 1963, મૉસ્કો) : રશિયન નવલકથાકાર અને નાટ્યકાર. કિશોરાવસ્થામાં ગૃહત્યાગ કરી અનેક પ્રકારની મજૂરી કરીને પેટ ભર્યું. સરકસમાં વિદૂષકની પણ ભૂમિકા કરી. સાઇબિરિયાના એક અખબારમાં એની પ્રથમ વાર્તા છપાતાં મૅક્સિમ ગૉર્કીનું ધ્યાન ખેંચાયું અને આ યુવાન લેખકને પ્રોત્સાહન મળ્યું. આંતરિક યુદ્ધ દરમિયાન પહેલાં ‘શ્વેત’ સૈનિકો તરફથી અને પછી ‘લાલ’ સૈનિકો તરફથી એ લડ્યો. આ દરમિયાન આ સદીના ત્રીજા દાયકામાં એણે નવલકથાઓ લખી – ‘ત્સ્વેત્નીયે વિત્રા’ (રંગીન પવન, 1922), ‘ગલુબીયે યેસ્કી’ (નીલરેતી, 1923). ‘બ્રોનેપોયેઝદ નં. 14-69’ (બખ્તરગાડી નં. 14-69, 1922) નામના નાટકમાં પણ કથાવસ્તુ અને એના નિરૂપણમાં રંગદર્શી અભિગમ દેખાય છે. આ નાટકની રજૂઆત મૉસ્કો આર્ટ થિયેટરમાં પ્રખ્યાત દિગ્દર્શક અને નટ કન્સ્તાન્તીન સ્તનિસ્લાવ્સ્કીએ કરી હતી. ઇવાનૉવના સાહિત્યથી કેટલાક સોવિયેત વિવેચકો નારાજ થયા હતા અને સામાજિક ર્દષ્ટિકોણ કેળવવા ઇવાનૉવને આગ્રહ કર્યો હતો. પરિણામે ઇવાનૉવે પોતાની ગદ્યશૈલીને પ્રણાલીગત ઢાંચામાં ઢાળી દીધી. ઇવાનૉવની નાટ્યશૈલીમાં ‘એપિક’ રૂપ આવતું, પ્રેરણાદાયી પાત્રો સર્જાતાં. માનવીના આત્મા દ્વારા ક્રાંતિ દર્શાવવાનો પોતાનો ઉદ્દેશ છે એમ ઇવાનૉવ કહેતા. અન્ય નાટકો ‘બ્લૉકેડ’ (અંતરાય, 1929) અને ‘ગલુબી મીરી’ (શાંતિનું કબૂતર 1937) ઉપરાંત કેટલાંક ઐતિહાસિક નાટકો પણ ઇવાનોવે લખ્યાં છે.
હસમુખ બારાડી