ઇલ્બર્ટ બિલ

January, 2002

ઇલ્બર્ટ બિલ : ભારતના વાઇસરૉય લૉર્ડ રિપને (1880-1884) શિક્ષિત હિંદીઓ તરફ અખત્યાર કરવામાં આવતી ભેદભાવની નીતિને દૂર કરવા માટે તેની કારોબારીમાં કાનૂન-સભ્ય ઇલ્બર્ટ દ્વારા 1882માં રજૂ કરાવેલું બિલ. હિંદી સેશન્સ જજ કે મૅજિસ્ટ્રેટ, પ્રેસિડેન્સી શહેરો સિવાયના વિસ્તારોમાં પણ યુરોપિયન પર ફોજદારી મુકદ્દમો ચલાવી શકે એવી જોગવાઈ આ બિલમાં રાખેલી હતી. હિંદમાં વસતા યુરોપિયનોએ આ બિલનો સખત વિરોધ કર્યો. જાહેર સભાઓ દ્વારા તેમણે હિંદી ન્યાયાધીશોની અણછાજતી ટીકા કરી અને લૉર્ડ રિપનનું પણ અપમાન કર્યું. રિપનને છેવટે નમતું આપવું પડ્યું અને બિલમાં થોડા ફેરફાર કરવા પડ્યા; પરંતુ તેનું મહત્વનું પરિણામ એ આવ્યું કે બ્રિટિશ શાસનતરફી વલણ ધરાવતા હિંદી શિક્ષિત વર્ગમાં પણ હવે સરકારની જાતિભેદની નીતિને લીધે રાષ્ટ્રીય ભાવનાનો સંચાર થયો. રાજકીય અધિકારો પ્રાપ્ત કરવા માટે લોકમત દ્વારા આંદોલન ચલાવવાની નવી પદ્ધતિની અસરકારકતાનો ખ્યાલ પણ શિક્ષિત વર્ગમાં આવ્યો અને 1885માં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ.

ર. લ. રાવળ