ઇલ્ટન, ચાર્લ્સ (જ. 29 માર્ચ 1900, ઇંગ્લૅન્ડ; અ. 1 મે 1991, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : પરિસ્થિતિવિજ્ઞાન(ecology)ના ખ્યાતનામ બ્રિટિશ વૈજ્ઞાનિક. તેઓ પર્યાવરણના મૂળ સિદ્ધાંતોના શોધક તરીકે જાણીતા છે. પ્રાણીઓના જીવનક્રમનો અભ્યાસ તેમના રહેઠાણની આસપાસની પરિસ્થિતિનો ખ્યાલ રાખીને કરવો જોઈએ એવું તેમનું પ્રતિપાદન છે. આ અંગે ચાર્લ્સ ઇલ્ટને પોતાના વિચારો ‘એનિમલ ઇકૉલૉજી’ (1927) તેમજ ‘એનિમલ ઇકૉલૉજી ઍન્ડ ઈવૉલ્યૂશન’ (1930)-એ પુસ્તકોમાં પ્રગટ કરેલા છે. તેમના અભિપ્રાય મુજબ પરિસ્થિતિ હંમેશાં ગતિક અવસ્થા(dynamic state)માં હોવાથી તેમાં સતત ફેરફારો થયા જ કરે છે. તેમાં સંતુલન હોતું નથી. વિપરીત સંજોગોમાં પ્રાણીઓ સ્થળાંતર કરીને અનુકૂળ પરિસ્થિતિનો આશ્રય લે છે.
પ્રાણીજીવનનો ખાસ અભ્યાસ કરવા માટે ઇલ્ટને ત્રણ વાર ઉત્તરધ્રુવ પ્રદેશનો પ્રવાસ ખેડ્યો હતો. 1933માં ચાર્લ્સ ઇલ્ટને પરિસ્થિતિવિજ્ઞાનના અભ્યાસ માટે ઑક્સફર્ડમાં ‘બ્યૂરો ઑવ્ એનિમલ પૉપ્યુલેશન’ની સ્થાપના કરી. એ જ વર્ષે તે ‘ધ જર્નલ ઑવ્ એનિમલ ઇકૉલૉજી’ના સંપાદક બન્યા. 1936માં તેઓ ઑક્સફર્ડમાં પરિસ્થિતિવિજ્ઞાનના રીડર અને કૉર્પસ ક્રિસ્ટિ કૉલેજમાં એ વિષયના સંશોધક તરીકે નિમાયા.
1942માં તેમણે ‘વ્હેલ, માઇસ ઍન્ડ લેમિંગ્ઝ’ – એ પુસ્તક લખ્યું. તે જ પ્રમાણે પોતે કરેલાં સંશોધનોને આધારે 1954માં ઉંદરની વૃદ્ધિ તેમ જ ખોરાકનો નાશ કરવાની રીતને અનુલક્ષીને ‘રૅટ્સ અને માઇસ’ નામનું બીજું એક પુસ્તક લખ્યું. ઉપરાંત 1958માં પરિસ્થિતિવિજ્ઞાનને લગતા ‘ઇકૉલૉજી ઑવ્ ઇન્વેઝન્સ ઑવ્ એનિમલ્સ ઍન્ડ પ્લાન્ટ્સ’ એ વિષય પર એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું. તે પછી 1967માં ‘પૅટર્ન ઑવ્ એનિમલ કૉમ્યુનિટીઝ’ પુસ્તકનું પ્રકાશન થયું.
તેમની વિદ્વત્તાની કદર રૂપે લંડનની રૉયલ સોસાયટીએ તેમને ‘ફેલો’ તરીકે પસંદ કર્યા હતા. 1967માં તેમને લીનિયન સોસાયટીનો સુવર્ણચંદ્રક એનાયત થયેલો, જ્યારે 1970માં ‘ડાર્વિન ચંદ્રક’ આપી રૉયલ સોસાયટીએ તેમનું બહુમાન કર્યું હતું. ચાર્લ્સ ઇલ્ટન 1967માં નિવૃત્ત થયા.
કૃષ્ણવદન જેટલી