ઇલેક્ટ્રિક ઇસ્ત્રી : કપડાંની કરચલી દૂર કરવાનું વીજળિક સાધન. વીજળીની તાપજનક અસર વડે તે આ કાર્ય કરે છે. અહીં વપરાતા ઉચ્ચ વીજ-વિરોધક તારને લીધે વીજશક્તિનું ઉષ્માશક્તિમાં રૂપાંતર થાય છે. તેના મુખ્ય ભાગો : (1) તળિયું અથવા સોલ-પ્લેટ, (2) નાઇક્રોમ તારનું એલિમેન્ટ તથા અબરખનું અવાહક પડ, (3) વજનપ્લેટ, (4) લોખંડનું ઢાંકણ, (5) લાકડાનો કે એબોનાઇટનો હાથો અને (6) સ્વયં-સંચાલિત ઇસ્ત્રીની થરમૉ-કપલ સ્વિચ અને એડજસ્ટર.
વિદ્યુત ઇસ્ત્રી 250 વોલ્ટ એ. સી. કે ડી. સી. ઉપર વપરાય છે. તેની ક્ષમતા વૉટ અને વજનમાં દર્શાવાય છે.
ક્રમનંબર | કેપૅસિટી (વૉટમાં) | વજન (કિગ્રા.) |
1. | 250 | 1.5 |
2. | 350થી 450 | 2.5 |
3. | 500થી 650 | 3.5 |
4. | 650થી 750 | 4 થી 5 |
5. | 750થી 1500 | 6 થી 10 |
એન. યુ. મોદી