ઇમ્પીરિયલ વિલા (1620–’50) : જાપાનમાં ક્યોટો પાસે આવેલ કાત્સુરાની કાષ્ઠશૈલીનું સ્થાપત્ય દર્શાવતી પ્રસિદ્ધ ઇમારત. જાપાનનું સ્થાપત્ય અને તેની પ્રાચીનતાનો ખ્યાલ ત્યાંનાં ઈસેનાં શિન્ટો મંદિરોમાંથી આવે છે. તે પ્રાગૈતિહાસિક કાષ્ઠસ્થાપત્યને મળતું આવે છે. ચીન અને કોરિયા દ્વારા જાપાનમાં બૌદ્ધ સંસ્કૃતિના આગમનની સાથે એશિયા ખંડમાં પ્રચલિત કાષ્ઠકલાનો પણ પાંચમી સદીથી પ્રવેશ થયો. કોરિયાના કાષ્ઠકારીગરો દ્વારા તે ત્યાં ફેલાયો હતો. જાપાનમાં આ શૈલીનાં પહેલાં રહેઠાણોમાં 1050માં બાંધેલો બ્યોડો-ઇનનો હોડો મંડપ છે. આ પછી આ શૈલીમાં મંડપની રીતે બંધાયેલી સૌથી મહત્વની ઇમારત તે કાત્સુરાની ઇમ્પીરિયલ વિલા. આનું બાંધકામ જાપાનમાં ઘરોની પ્રણાલીગત પ્રથાને અનુરૂપ લાકડાનું થયેલું છે. છાપરાં નળિયાનાં અને દીવાલો (લાકડાના માળખા ઉપર જડેલ) કાગળની. દરેક મંડપનું આયોજન તેના ફરસમાં સમાતા ‘તાતામી’ નામની સાદડીના માપના પ્રમાણમાં થતું. તાતામી એટલે ડાંગરના ઘાસમાંથી વણાયેલી સાદડી. તેને ફરસ પર પાથરવામાં આવતી અને તે પ્રમાણમાપ તરીકે વપરાતી. કાત્સુરા વિલાના મુખ્ય ચાર ભાગ છે : (1) ગાપારો અથવા ચા પીવાનો મંડપ, (2) કો-શૉન, જૂનું મકાન, (3) ચુશૉન, મધ્યભાગનું મકાન, (4) શીનશૉન, છેલ્લે બંધાયેલું મકાન. કર્ણરેખાની દિશામાં રચાયેલ મંડપોને જોડતો નકશો નીજો કિલ્લા પ્રમાણે છે. અને તે નિશ્ચિત પ્રમાણ પર (તાતામી) બંધાયેલ હોવા છતાં તેનું આયોજન અત્યંત મુક્ત છે. પ્રકૃતિ સાથે વિલીન થવાની જાપાની ભાવના સાથે આ આયોજન પ્રણાલીગત રીતે અત્યંત સુસંગત છે.
રવીન્દ્ર વસાવડા