ઇમ્તિયાઝ અલીખાન (જ. 8 ડિસેમ્બર 1904, રામપુર; અ. 25 ફેબ્રુઆરી 1981, રામપુર) : ઉર્દૂ, ફારસી, અરબી, પુશ્તો ભાષાસાહિત્યના સંશોધક વિદ્વાન. પ્રાથમિક શિક્ષણ મેળવી, અરબી-ફારસીના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કર્યો અને પ્રચલિત વિદ્યાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી. 1932થી રામપુર રાજ્યના રાજ્ય (રિઝા) ગ્રંથાલયમાં મુખ્ય ગ્રંથપાલ તરીકે જોડાયા. હસ્તપ્રતો અને અપ્રાપ્ય ગ્રંથોના સંગ્રહને કારણે દેશવિદેશમાં પ્રસિદ્ધ આ ગ્રંથાલયમાં રહ્યે રહ્યે તેમણે અનેક સંશોધન-લેખો લખ્યા અને હસ્તપ્રતોનું સંપાદન કર્યું. તેમનું સૌથી મોટું કાર્ય, મહાકવિ ગાલિબના કાવ્યસંગ્રહનું ટિપ્પણીઓ સાથેનું શોધપૂર્ણ સંપાદન છે. આજે પણ તેઓ ગાલિબના અભ્યાસીઓ માટે માર્ગદર્શક છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા