ઇપ્કોવાલા સંતરામ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ
January, 2002
ઇપ્કોવાલા સંતરામ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ : ગુજરાતમાં વલ્લભવિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીની કલા-મહાશાળા. વલ્લભવિદ્યાનગરની આ યુનિવર્સિટીમાં કલાગુરુ રવિશંકર મહાશંકર રાવળ અને એચ. એમ. પટેલની પ્રેરણાથી 1960માં માત્ર એક હૉબીસેન્ટર તરીકે કલાકેન્દ્ર ઊભું થયું, જે 1964માં કલાશિક્ષકોની તાલીમ-કૉલેજ તરીકે કલાકેન્દ્ર આર્ટ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં ફેરવાયું. 1972માં તેમાં ચિત્રકલા, શિલ્પકલા અને ઍપ્લાઇડ આર્ટના પૂરા કોર્સના શિક્ષણનો સમાવેશ થતાં આ કૉલેજ એક સંપૂર્ણ કલા-મહાશાળામાં તબદીલ પામી અને તેનું નવું નામાભિધાન થયું – ‘કલાકેન્દ્ર કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ’. નાણાકીય ભીડમાં ફસાયેલી આ કૉલેજને બહારથી મોટું દાન મળતાં 1998માં તેને વળી નવું નામ મળ્યું – ‘ઇપ્કોવાલા સંતરામ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ’. ભાનુ દૂધાત, મમતા પટેલ, ભરતકુમાર મોદી, રવિસિંહ ચૌહાણ, હરિશ્ચંદ્ર ભટ્ટ અને કિશોર નાર્ખાડીવાલા જેવાં ચિત્રકારોએ અને શિલ્પીઓએ અહીં અધ્યાપન કર્યું છે.
અમિતાભ મડિયા