ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ (ઇન્ડિયા) : સ્થાપના : 1919. ઇજનેરી વિદ્યાની જુદી જુદી શાખાઓ અને ઉદ્યોગોમાં માર્ગદર્શન આપતી તેમજ શૈક્ષણિક કાર્ય કરતી ભારતીય સંસ્થા. સર ટૉમસ હોલૅન્ડના અહેવાલના આધારે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સર ટૉમસ હોલૅન્ડે કૉલકાતા અને મુંબઈના નામાંકિત ઇજનેરોની 3-1-1919ના રોજ એક સભા બોલાવી. ‘ઇન્ડિયન સોસાયટી ઑવ્ એન્જિનિયર્સ’ સ્થાપવાનો નિર્ણય લઈ 50-60 સભ્યોની સંઘટક સમિતિની નિમણૂક કરી. દરેક સભ્ય પાસેથી રૂ. 200 સભ્ય-ફી લઈ તેણે ભંડોળ એકઠું કર્યું અને એક ‘લીલી પુસ્તિકા’ પ્રસિદ્ધ કરી, જેમાં સંસ્થાની નિયમાવલી હતી. આ ઉપરાંત વાર્ષિક રૂ. 15 ફી ભરનાર સંસ્થાના સામાન્ય અને રૂ. 12 ભરનાર સહસભાસદ પણ નોંધવામાં આવ્યા. 1919ની સભામાં સંસ્થાની નિયમાવલીમાં સુધારા કરી સંસ્થાનું નામ ‘ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ એન્જિનિયર્સ (ઇન્ડિયા)’ રાખવામાં આવ્યું. 1920માં આ સંસ્થાની નોંધણી થઈ ત્યાં સુધી તેના અધ્યક્ષ સર ટૉમસ હતા, પણ તે નિવૃત્ત થતાં સંસ્થાનું કાર્યાલય ચેન્નાઈથી કૉલકાતા ગયું અને તેના અધ્યક્ષ સર રાજેન્દ્ર મુખર્જી બન્યા. 1921માં ગવર્નર જનરલ લૉર્ડ ચેમ્સફર્ડના હાથે સંસ્થાનું ઔપચારિક ઉદઘાટન થયું. 1932થી આ સંસ્થા 8, ગોખલે રોડ પર આવેલા પોતાના મકાનમાં લાવવામાં આવી હતી. ઇજનેરી કૉલેજમાં ન જઈ શકનાર મધ્યમ અને અલ્પસાધનવાળા વર્ગને પણ ઇજનેરી વિદ્યાનો લાભ મળી શકે એ હેતુથી સ્થપાયેલી. આ સંસ્થાનાં કેન્દ્રો સમગ્ર ભારતમાં ઊભાં થતાં ગયાં અને 1928થી તેણે પરીક્ષાઓ લેવાનો પ્રારંભ કર્યો. આ પરીક્ષાઓ પહેલાં વર્ષમાં એક જ વાર લેવાતી, પણ 1943થી એકને બદલે બે વાર લેવાની શરૂઆત થઈ.

1921માં ઉદઘાટન વખતે સર્વશ્રેષ્ઠ નિબંધલેખકને રૂ. 500નું ‘વાઇસરૉય પારિતોષિક’ આપવાનું નિશ્ચિત કર્યું હતું. આવું પ્રથમ ઇનામ શ્રી એચ. એફ. ડેલીને તેમના નિબંધ ‘પૉર્ટલૅન્ડ સિમેન્ટ ઇન ઇંડિયા’ નિબંધ બદલ મળ્યું. આ ઉપરાંત 1922માં સંસ્થાએ પોતાની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપવા અને ઇજનેરી માહિતી આપવા એક વાર્ષિક પ્રકાશન શરૂ કર્યું; તેનો પ્રથમ અંક 1931માં પ્રસિદ્ધ થયો. 1931માં રેલવે-બૉર્ડે રૂ. 250નું એક એવાં બે પારિતોષિક જાહેર કર્યાં. 1935માં પંચમ જ્યૉર્જે સંસ્થાને રાજસનદ પ્રદાન કરી. 1942માં હિંદ સરકારે તાજમહાલના સંરક્ષણ માટે સંસ્થાની સલાહ લીધી. 1915માં સ્થપાયેલ ‘બૉમ્બે એન્જિનિયરિંગ કૉલેજ’ સંસ્થા સાથે તે 1943માં જોડાઈ ગઈ.

સંસ્થામાં બે શ્રેણીઓની પરીક્ષા લેવાય છે : (1) છાત્ર પરીક્ષા, (2) સંબંધિત સભ્યપદની પરીક્ષા. બીજી પરીક્ષાના ‘એ’ અને ‘બી’ એમ બે વિભાગ છે અને બંનેમાં ઉત્તીર્ણ થનારની યોગ્યતા ઇજનેરી પદવી ધારણ કરનાર જેટલી જ ગણાય છે. સંસ્થાનું તકનીકી કાર્ય 15 વિભાગોમાં વહેંચાયેલું છે : (1) વૈજ્ઞાનિક ઇજનેરી, (2) ખેતીવાડી ઇજનેરી, (3) સ્થાપત્ય ઇજનેરી, (4) સિવિલ ઇજનેરી, (5) રસાયણ ઇજનેરી, (6) કમ્પ્યૂટર ઇજનેરી, (7) વિદ્યુત ઇજનેરી, (8) ઇલેક્ટ્રૉનિક અને સંદેશાવ્યવહાર ઇજનેરી, (9) પર્યાવરણ ઇજનેરી, (10) નૌકા અને જહાજવાડા ઇજનેરી, (11) યાંત્રિક ઇજનેરી, (12) ખાણકામ ઇજનેરી, (13) ધાતુ અને દ્રવ્યવિજ્ઞાન ઇજનેરી, (14) ઉત્પાદન ઇજનેરી, (15) કાપડ ઇજનેરી.

આ સંસ્થાનાં કેન્દ્રો ભારતમાં નીચેનાં સ્થળોએ છે : મુંબઈ, લખનઉ, ચેન્નાઈ, દિલ્હી, બૅંગાલુરુ, હૈદરાબાદ, ચંડીગઢ, પટણા, તારાપુર, ત્રિવેન્દ્રમ, ગુવાહાટી, શ્રીનગર, જબલપુર, પુણે, ભુવનેશ્વર, જયપુર, અમદાવાદ અને કૉલકાતા. મુખ્ય કાર્યાલય કૉલકાતામાં છે. વિદેશમાં આવાં કેન્દ્રો યુનાઇટેડ આરબ અમીરાત, બેહરીન, ફિલિપાઇન્સ, લંડન, કૅનેડા, કાઠમંડુ, અબુધાબી વગેરે સ્થળે આવેલાં છે. 1989માં છાત્ર પરીક્ષા આપનાર સભાસદ 2,00,433 હતા અને બીજી પરીક્ષાના સભ્યો 73,504 હતા.

આ સંસ્થાનું સંચાલન 61 સભ્યોનું મંડળ કરે છે. તેને મદદ કરવા (1) પરીક્ષા-સમિતિ અને (2) અર્થ-સમિતિ – એમ બે મુખ્ય સ્થાયી-સમિતિઓની રચના તે ચૂંટણીથી કરે છે.

વી. જે. જાની