ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા) : 1927માં સ્થપાયેલ અને 1929માં નોંધાયેલી ભારતના રસાયણવિજ્ઞાનીઓના હિતાર્થે કાર્ય કરતી સંસ્થા. રસાયણવિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગોને લગતા વિષયો ઉપર વ્યાખ્યાનો, પરિસંવાદો, સમૂહચર્ચાસભાઓ, સંમેલનો, વિચારગોષ્ઠિઓ વગેરેનું તે આયોજન કરે છે તથા 1929થી ‘ધ જર્નલ ઑવ્ ધ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)’ નામનું દ્વૈમાસિક અને ‘ધ પ્રોસીડિંગ્સ ઑવ્ ધ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ કેમિસ્ટ (ઇન્ડિયા)’ નામનું ત્રૈમાસિક પ્રકાશિત કરે છે. દ્વૈમાસિકમાં મૌલિક સંશોધનપત્રો અને રસાયણજ્ઞોને સ્પર્શતા વિષયની ચર્ચા કરતો સંપાદકીય લેખ તથા ત્રૈમાસિકમાં સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓના હેવાલ, હિસાબો વગેરે આપવામાં આવે છે.

પ્રયુક્ત વિશ્લેષણ – રસાયણ (Applied Analytical Chemistry)ની ડિપ્લોમા A. I. C. (ઍસોસિયેટશિપ ઑવ્ ધ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ કેમિસ્ટ્સ) અંગેની પરીક્ષાઓ 1951થી કૉલકાતામાં દર વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં યોજવામાં આવે છે. આ ડિપ્લોમાને ભારતની વિવિધ યુનિવર્સિટીઓએ એમ.એસસી.ની સમકક્ષ ગણેલ છે. ઇન્સ્ટિટ્યૂશનની સભ્યસંખ્યા આશરે 3,000 જેટલી છે.

આર. એન. ચક્રવર્તી

અનુ. રમેશ શાહ