ઇન્સેટ-1 અને 2 (Indian National Satellite – INSAT) : ઉપગ્રહો(ઇન્સેટ-1 એ, બી, સી અને ડી)માંનો પ્રથમ ઉપગ્રહ. ભારત સરકારના અંતરીક્ષ વિભાગ, દૂરસંચાર વિભાગ, ભારતીય મોસમ વિભાગ અને માહિતી અને પ્રસારણ ખાતાના સંયુક્ત પ્રયાસથી ઇન્સેટ-1 તંત્રની યોજના કરવામાં આવી છે. આ ઉપગ્રહોની રચના અમેરિકાની ખાનગી કંપની ફૉર્ડ ઍરોસ્પેસ ઍન્ડ કૉમ્યુનિકેશન્સ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. ઇન્સેટ-1 ઉપગ્રહતંત્ર એક કરતાં વધારે ઉદ્દેશો ધરાવે છે, જેમાં આંતરિક દૂરસંદેશાવ્યવહાર, ટેલિવિઝન અને રેડિયો-કાર્યક્રમોનું રાષ્ટ્રીય સ્તરે પ્રસારણ તથા હવામાન અંગે માહિતી વગેરેનો સમાવેશ થાય છે. 36,000 કિમી.ની ઊંચાઈએ ભૂ-સમક્રમિક ‘સ્થિર’ ભ્રમણકક્ષા(stationary geosynchronous orbit)માં મૂકેલા આ ઉપગ્રહો ઉપર્યુક્ત ઉદ્દેશો પાર પાડવામાં અત્યંત કાર્યક્ષમ રીતે ઉપયોગી બન્યા છે (જુઓ અંતરીક્ષયાન-સેવાઓ – સંદેશાવ્યવહાર ઉપગ્રહ અને હવામાન ઉપગ્રહ.). કોઈ પણ સમયે આ તંત્રના બે ઉપગ્રહો ઉપયોગમાં લેવાની યોજના છે, જેમાંનો એક ઉપગ્રહ વધારાનો (spare) ગણાય છે. આ બંને ઉપગ્રહો ભૂ-સમક્રમિક ભ્રમણકક્ષામાં 74o અને 94o પૂર્વ રેખાંશ ઉપર રાખવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં દરેક ઇન્સેટ ઉપગ્રહનું આયુષ્ય 7 વર્ષનું અંદાજવામાં આવે છે.

ઇન્સેટ-1 તંત્રની મદદથી મળતી વિવિધ સેવાઓ નીચે પ્રમાણે છે :

(1) સમગ્ર ભારત દેશ માટે ટેલિવિઝન અને રેડિયો-કાર્યક્રમોનું, ભૂમિસ્થિત રીલે કેન્દ્રો દ્વારા પ્રસારણ. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારો માટે રીલે કેન્દ્રની મદદ વગર ટેલિવિઝનનું સીધું પ્રસારણ.

(2) દૂરસંદેશાવ્યવહારની ટેલિફોન-સેવા માટે દેશના કોઈ પણ સ્થળેથી મળી શકે તેવાં કુલ 8,000 દ્વિમાર્ગી ટેલિફોન-જોડાણ.

(3) હવામાન-ઇન્સેટ તંત્રના ઉપગ્રહમાં રાખવામાં આવેલાં અતિ ઉચ્ચ વિભેદનશીલ વિકિરણમાપક(Very High Resolution Radiometer)ની મદદથી ભારતીય ઉપખંડ તથા તેની આજુબાજુના સમુદ્ર અને ભૂમિના વિશાળ વિસ્તાર પર ર્દશ્યમાન અને પારરક્ત તરંગલંબાઈમાં દર અડધા કલાકે ચોવીસે કલાક દરમિયાન મળતાં વાદળચિત્રો પરથી હવામાનની પરિસ્થિતિ વિશે ખ્યાલ મળી શકે છે. ખાસ કરીને વાવાઝોડાં વિશે ઉપયોગી માહિતી મળે છે, જેથી તે વિશે લાગતાવળગતા વિસ્તારમાં સમયસર ચેતવણી આપી શકાય છે.

આ ઉપરાંત દુર્ગમ વિસ્તારો(ભૂમિ અને સમુદ્ર)માં સ્થાપેલાં સ્વયંસંચાલિત માનવવિહીન મથકો દ્વારા મેળવાતાં હવામાનવિષયક (meteorological), જળશાસ્ત્રીય (hydrological) અને સમુદ્રશાસ્ત્રીય (oceanographic) પરિબળોના આંકડા ઇન્સેટમાં ગ્રહણ થાય છે અને પુન: પ્રસારિત થાય છે, જે મુખ્ય હવામાન-ચક્રમાં ઝીલી લેવાય છે.

ઇન્સેટ-1 તંત્રના ઉપગ્રહો સાથે રેડિયો-સંપર્ક રાખવા માટે તથા તેની ભ્રમણકક્ષાનું સૂક્ષ્મ નિયંત્રણ કરવા માટે કર્ણાટકમાં હસન ખાતે મુખ્ય નિયંત્રણ-સુવિધા (Master Control Facility) સ્થાપવામાં આવી છે.

ઇન્સેટ-1 શ્રેણીના ઉપગ્રહો વિશે અન્ય માહિતી નીચેના કોઠામાં આપી છે :

ક્રમાંક પ્રક્ષેપનતારીખ ભૂસમક્રમિક

કક્ષામાં સ્થાન

પૂર્વ રેખાંશ

નોંધ
1-એ 10 એપ્રિલ, 1982

ડેલ્ટા રૉકેટ

(અમેરિકા)

74o પાંચ મહિના બાદ

આકસ્મિક કારણથી

કાર્ય બંધ.

1-બી 30 ઑગસ્ટ, 1983

ચૅલેન્જર સ્પેસ શટલ

(અમેરિકા)

74o સંપૂર્ણ રીતે

કાર્યાન્વિત.

1-સી 22 જુલાઈ, 1988

એરિયાન રૉકેટ

(કેરળ)

94o પર્યાપ્ત

વિદ્યુતશક્તિના

અભાવથી અંશત:

ઉપયોગી. ચાર માસ

પછી નિષ્ફળ

1-ડી અપેક્ષિત,

12 જૂન, 1990

બપોરે 11-12 મિનિટે

સફળતાપૂર્વક

છોડવામાં આવ્યો.

ડેલ્ટા રૉકેટ (અમેરિકા)

74o ઇન્સેટ-1બીના

સ્થાને ઉપયોગમાં

લેવાશે.

સફળ

ઇન્સેટ-1 શ્રેણીના છેલ્લા ઉપગ્રહ ઇન્સેટ-1ડીનું લગભગ 7 વર્ષનું ઉપયોગી આયુષ્ય પૂરું થાય તે પછી એ પ્રકારના ઉપગ્રહો દ્વારા મળતી વિવિધ ઉપયોગી સેવા ચાલુ રાખી શકાય એ હેતુથી આપણા અવકાશ કાર્યક્રમમાં ઇન્સેટ-2 શ્રેણીના ઉપગ્રહો ભારતમાં જ બનાવીને અન્ય દેશોના રૉકેટ વડે પ્રક્ષેપિત કરવાની એક મહત્વાકાંક્ષી યોજના ઘડવામાં આવી હતી. આ યોજનામાં કુલ પાંચ બહુ-ઉદ્દેશીય ઉપગ્રહો તૈયાર કરવામાં આવ્યા હતા. એમાંના બે ઉપગ્રહો ભૂ-સ્થિર કક્ષામાં એકબીજાની નજીક રાખવામાં આવ્યા હતા જેથી તેમના સંયુક્ત ઉપયોગ દ્વારા મોટી ક્ષમતાનો એક ઉપગ્રહ મળી શકે. બીજા ત્રણ ઉપગ્રહો ભૂ-સ્થિર કક્ષામાં જુદા જુદા રેખાંશ ઉપર દૂર રાખવામાં આવ્યા હતા. ઇન્સેટ-2 શ્રેણીના ઉપગ્રહોની ક્ષમતા, આયુષ્ય તથા વજન ઇન્સેટ-1 શ્રેણીના ઉપગ્રહો કરતાં વધારે છે. ઇન્સેટ-2 શ્રેણીના પહેલા ત્રણ ઉપગ્રહો ઇન્સેટ-2 એ, બી અને સી અનુક્રમે 10 જુલાઈ 1992, 23 જુલાઈ, 1993 અને 7 ડિસેમ્બર, 1995ના રોજ યુરોપના એરિયાન પ્રક્ષેપક રૉકેટ દ્વારા ફ્રેંચ ગિયાનાના કુરુ પ્રક્ષેપણ મથકેથી પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. આમાંનો પહેલો ઉપગ્રહ ‘‘ઇન્સેટ-2એ’’ 74o પૂર્વ રેખાંશ ઉપર હતો, જ્યારે ઇન્સેટ-2બી અને સી એકબીજાની નજીક 93o પ્ર. પૂર્વ રેખાંશ ઉપર છે.

આકૃતિ 1 : ‘ઇન્સેટ-2એ’ તથા ‘ઇન્સેટ-2બી’નું પૂર્ણ રૂપ. કુલ વજન – 905 કિગ્રા. (પ્રોપેલન્ટ વગર), કુલ ઊંચાઈ – 23 મીટર.

સંદેશા-વ્યવહાર, ટેલિવિઝન/રેડિયોનું રાષ્ટ્રવ્યાપી પ્રસારણ તથા હવામાન-સેવાની બાબતોમાં ઇન્સેટ-2એ અને ઇન્સેટ-2બી બંને ઉપગ્રહો સમાન હતા. ઇન્સેટ-1 શ્રેણીના ઉપગ્રહોની સરખામણીમાં ઇન્સેટ-2એ અને ઇન્સેટ-2બીમાં વધારાના 6 ટ્રાન્સપૉન્ડરો મૂકવામાં આવ્યાં હતાં તથા વાદળ-ચિત્રો મેળવવા માટેના ઉપકરણ ‘અતિ ઉચ્ચ વિભેદનશીલ વિકિરણમાપક’ની વિભેદનશીલતા વધારે સારી હતી. (ર્દશ્યમાન પ્રકાશ માટે 2 કિમી. અને પાર-રક્ત પ્રકાશ માટે 8 કિમી.) આ ઉપરાંત, ઇન્સેટ-2એ અને ઇન્સેટ-2બીમાં વધારાનું એક ટ્રાન્સપૉન્ડર હતું, જે સંકટકાલીન પરિસ્થિતિ દરમિયાન ‘શોધ અને બચાવ તંત્ર’(Search and Rescue System)માં પૂરક સહાય માટે હતું.

આકૃતિ 2 : ઇન્સેટ-2 સી ઉપગ્રહ

ઇન્સેટ-2સી ઉપગ્રહ દ્વારા મળતી સેવા ફક્ત સંદેશા-વ્યવહાર તથા ટેલિવિઝન/રેડિયો પ્રસારણ પૂરતી જ મર્યાદિત છે; સંદેશા-વ્યવહાર માટે તેમાં કુલ વજન-980 કિગ્રા. (પ્રોપેલન્ટ વગર) કુલ વિદ્યુતશક્તિ-1620 વૉટ કુલ 18 ‘સી’ બૅન્ડનાં ટ્રાંસપૉન્ડરો છે તથા 3 ‘કેયુ’ બૅન્ડના ટ્રાંસપૉન્ડરો છે. ‘કેયુ’ બૅન્ડ માટે 7.5 મીટર વ્યાસના નાના ડિશ ઍન્ટેનાનો ઉપયોગ કરી શકાય છે. ઇન્સેટ-2સીમાં હવામાન-સેવા માટે કોઈ ઉપકરણ નથી તથા શોધ અને બચાવ તંત્ર માટે પણ કોઈ ટ્રાંસપૉન્ડર નથી. ઇન્સેટ-2એ અને ઇન્સેટ-2બીની સરખામણીમાં ઇન્સેટ-2સી વજનમાં વધારે ભારે છે તથા તેનો વિદ્યુતશક્તિ-પુરવઠો પણ વધારે છે. ઇન્સેટ-2સી દ્વારા મળતી વધારાની વિશિષ્ટ સેવાઓ નીચે પ્રમાણે છે :

(1) દૂરદર્શનના કાર્યક્રમો ભારતની સીમા બહાર અગ્નિ-એશિયા અને મધ્ય-પૂર્વના દેશો સુધી પહોંચાડી શકાય છે.

(2) વાણિજ્યક્ષેત્રે (બૅન્ક, શૅરબજાર, ખાનગી કંપનીઓ વગેરેના) કમ્પ્યૂટરના આંકડા (Data) એક સ્થાનેથી બીજા સ્થાને ત્વરિત અને ઉચ્ચ કાર્યક્ષમતાથી મોકલવાની વ્યવસ્થા મળે છે.

(3) ગતિશીલ વાહન (ટ્રક, સ્ટીમર વગેરે) અને બીજા સ્થિર મથક વચ્ચે ઝડપી અને કાર્યક્ષમ દ્વિ-માર્ગી ચલિત ઉપગ્રહ સંદેશા-વ્યવહાર સેવા (Mobile Satellite Service – MSS) ઉપલબ્ધ થઈ શકે છે, જે 5o દક્ષિણ અક્ષાંશ અને 45o ઉત્તર અક્ષાંશ વચ્ચેનો વિશાળ વિસ્તાર આવરી લે છે.

ઇન્સેટ-2ડી ઉપગ્રહ 4 જૂન, 1997ના રોજ યુરોપના એરિયાન પ્રક્ષેપક રૉકેટ દ્વારા ફ્રેંચ ગિયાનાના કુરુ પ્રક્ષેપણ મથકેથી પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ભૂ-સમક્રમિક કક્ષામાં 74o પૂર્વ રેખાંશ ઉપર ‘સ્થિર’ કરવામાં આવ્યો હતો. ઇન્સેટ-2ડી ઉપગ્રહ બધી રીતે તેના પહેલાંના ઇન્સેટ-2 સી જેવો જ હતો. ચાર મહિના પછી ઇન્સેટ-2 ડી ઉપગ્રહનાં કેટલાંક ઉપ-તંત્રોમાં સમસ્યાઓ ઊભી થવાથી 4 ઑક્ટોબર, 1997થી તેનું કાર્ય સ્થગિત કરવું પડ્યું હતું. આ આકસ્મિક સંયોગોમાં ઇન્સેટ ઉપગ્રહ-તંત્ર દ્વારા મળતી સેવાઓમાં કોઈ જાતનો વિક્ષેપ ન પડે તે માટે આરબ રાજ્યોના સંદેશા-વ્યવહાર ઉપગ્રહ ‘આરબસેટ-1સી’ની મદદ લેવામાં આવી હતી, અને તે માટે ‘આરબસેટ-1સી’ ઉપગ્રહને તેના મૂળ સ્થાન ઉપરથી 55o પૂર્વ રેખાંશ ઉપર ખસેડવામાં આવ્યો હતો તથા તેનું નામ ‘ઇન્સેટ-2ડીટી’ રાખવામાં આવ્યું હતું. તેની દ્વારા દૂર સંદેશા-વ્યવહાર અને ટેલિવિઝન-પ્રસારણની સેવા મળતી હતી.

ઇન્સેટ-2 શ્રેણીનો છેલ્લો ઉપગ્રહ ઇન્સેટ-2ઈ એપ્રિલ 3, 1999ના રોજ એરિયાન રૉકેટની મદદથી પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો અને તેને 83o પૂર્વ રેખાંશ ઉપર ભૂ-સ્થિર કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. સંદેશા-વ્યવહારની સેવા માટે તેમાં સી-બૅન્ડનાં 17 ટ્રાંસપૉન્ડરો રાખવામાં આવ્યાં છે. હવામાનની માહિતી માટે તેમાં રાખેલા અતિ-ઉચ્ચ વિભેદનશીલ વિકિરણમાપકની મદદથી મેળવાતા વાદળ-ચિત્રમાં ર્દશ્યમાન પ્રકાશમાં 2 કિમી. અને પાર-રક્ત પ્રકાશમાં 8 કિમી.નાં વિભેદનમાપ મળે છે. આ ઉપરાંત, તેના દ્વારા અધિક જળ-બાષ્પ ધરાવતા વાતાવરણના વિસ્તારની પણ છબી મળે છે. દેશની ભૂ-સંપત્તિના સર્વેક્ષણ માટે તેમાં પ્રથમ વખત ત્રણ બૅન્ડ (એક ર્દશ્યમાન અને બે પાર-રક્ત) ધરાવતો એક વીજાણુ-કૅમેરા (સી. સી. ડી. કૅમેરા) પણ રાખવામાં આવ્યો છે, જેના દ્વારા 1 કિમી. વિભેદન માપની છબી મળે છે.

આકૃતિ 3 : ઇન્સેટ-2-ઈ ઉપગ્રહ

‘ઇન્સેટ-2ઈ’ના 11 ટ્રાંસપૉન્ડરો આંતરરાષ્ટ્રીય દૂર સંદેશા-વ્યવહાર સંગઠન(ઇન્ટેલસેટ)ને ભાડે આપવામાં આવ્યાં છે. આ માટે તેનાં બે ઍન્ટેના મધ્ય એશિયા, ચીન તથા દક્ષિણમાં ઑસ્ટ્રેલિયા સહિતના વિશાળ વિસ્તારોને આવરી લઈ શકે તે રીતે બનાવવામાં આવ્યાં છે. ટ્રાંસપૉન્ડરોના ભાડા પેટે ‘ઇન્ટેલસેટ’ સંસ્થા દસ વર્ષમાં 10 કરોડ ડૉલર આપશે.

પરંતપ પાઠક