ઇન્સબ્રૂક
January, 2024
ઇન્સબ્રૂક : પશ્ચિમ ઑસ્ટ્રિયાના ટાયરોલ પ્રાંતનું પાટનગર (1420) તથા તે દેશનું મહત્વનું વ્યાપારી મથક. વિસ્તાર : 12,648 ચોકિમી. મ્યૂનિકની દક્ષિણે આશરે 100 કિમી.ને અંતરે ઇન નદીની ફળદ્રૂપ ખીણમાં તે વસેલું છે. ઊંચી પર્વતશૃંખલાઓથી ઘેરાયેલું આ નગર તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે ખ્યાતિ ધરાવે છે. ઑસ્ટ્રિયાનાં ચાર મોટાં નગરોમાંનું તે એક છે. વસ્તી : 3.11 લાખ (2019).
વ્યૂહાત્મક સ્થાનને લીધે પ્રાચીન કાળથી તેનું મહત્વ ટકી રહ્યું છે. ઇન નદી પરના ઇન્સબ્રૂક નામના પુલ પરથી આ નગરનું નામ પડ્યું છે. દેશવિદેશના વ્યાપાર માટેના માર્ગ તરીકે પુલનો ઉપયોગ થતો રહ્યો છે. પશ્ચિમ ઑસ્ટ્રિયાના ઉત્તરથી દક્ષિણ તરફના રાષ્ટ્રીય માર્ગ પર તે રેલ તથા પરિવહનનું મહત્વનું કેન્દ્ર છે. ઇન નદીની ખીણમાં આર્લબુર્ગ તથા બ્રેનર રેલમાર્ગોના સંગમ પર આવેલું છે. કાપડના ઉત્પાદન માટે જાણીતું છે.
પર્યટકો માટે તે સતત આકર્ષણનું સ્થળ રહ્યું છે. નગરનાં જોવાલાયક સ્થળોમાં પંદરમી સદીનો કિલ્લો, યુનિવર્સિટી(1677)નું મથક, સોળમી સદીમાં બનાવેલું ફ્રાન્સિસ્કન દેવળ, રાજપ્રાસાદ અને વનસ્પતિઉદ્યાન (બૉટેનિકલ ગાર્ડન્સ) વિશેષ નોંધપાત્ર છે.
1964 તથા 1976માં શિયાળુ ઑલિમ્પિક રમતોત્સવ અહીં યોજાયા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે