ઇન્દ્રાવરુણૌ : ઋગ્વેદનાં 9 સૂક્તો દ્વારા પ્રશસ્તિ પામેલું દેવતાયુગ્મ. સહાય, સંરક્ષણ, સમૃદ્ધિ, યશ વગેરેનો સ્તોતાઓને ઉદારતાપૂર્વક લાભ આપનાર ઇન્દ્ર અને વરુણ વૃત્ર-વધ, યુદ્ધોમાં વિજયપ્રાપ્તિ, દુષ્ટો પર વજ્રપ્રહાર, સોમપાનનો શોખ, યજ્ઞોમાં નિમંત્રણ આદિ પ્રવૃત્તિઓમાં પરસ્પર સંલગ્ન રહ્યા છે. જળ માટેની જગ્યાનું ખોદકામ અને આકાશમાં સૂર્યનું ગતિસાતત્ય જેવાં વિશ્વકલ્યાણનાં વિરાટ કાર્યો પણ તેમણે સંપન્ન કર્યાં છે.

જયાનંદ દવે